નવસારી: (Navsari) નવસારી કાગદીવાડમાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ત્રણ યુવાનોએ એકને લોખંડના સળિયા અને પાઈપથી ફટકારતા મામલો નવસારી (Navsari) ટાઉન પોલીસ મથકે (Police Station) પહોંચ્યો છે. માર મારનાર ત્રણ યુવાનોએ માર મારતો વિડીયો બનાવી રીલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ વાઈરલ કરી હતી. જોકે પોલીસે ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે.
- ત્રણ યુવાનોએ યુવાનને માર મારતો વિડીયો બનાવી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ વાઈરલ કરી
- નવસારી કાગદીવાડમાં પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ત્રણ યુવાનોએ એકને લોખંડના સળિયાથી ફટકાર્યો
- જો હવે પછી અમને મળ્યો તો અમે તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી
- પોલીસે ત્રણેયની ધરપકડ કરી
મળતી માહિતી મુજબ, વિજલપોર સરસ્વતીનગર ગલી નં. 3માં રહેતા ગોપાલ મુકેશભાઈ જગતાપના મોબાઈલ ફોન ઉપર સિધ્ધુના ઈન્સ્ટાગ્રામ ઉપરથી ફોન આવ્યો હતો અને તેણે ગોપાલને કાગદીવાડ ખાતે બોલાવ્યો હતો. જેથી ગોપાલ ત્યાં જતા સિધ્ધુ થોરાટ, આકાશ આમરે અને મયુર ઉર્ફે કોકરોચ સાથે બેસેલા હતા. ત્યારબાદ સિધ્ધુ, આકાશ અને મયુર ગોપાલ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલી લોખંડના પાઈપ તથા સળીયાથી મારવા લાગ્યા હતા. અને જતા જતા જો હવે પછી અમને મળ્યો તો અમે તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. ગોપાલને ઈજાગ્રસ્ત હાલતમાં નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે ગોપાલના પિતા મુકેશભાઈએ નવસારી ટાઉન પોલીસ મથકે સિધ્ધુ, આકાશ અને મયુર ઉર્ફે કોકરોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એસ.એમ. ગામીતે હાથ ધરી છે.
માર મારનારા અસામાજિક તત્વો સામે પોલીસ મથકે અનેક ફરિયાદો
માર મારનાર સિધ્ધુ, આકાશ અને મયુર ઉર્ફે કોકરોચે ગોપાલને માર મારતા વિડીયો ઉતાર્યો હતો. અને તે વિડીયો ઈનન્ગ્રામ પર રીલ બનાવી પોસ્ટ કર્યો હતો. સિધ્ધુ, આકાશ અને મયુર ઉર્ફે કોકરોચ શહેરના અસામાજિક તત્વો છે. જેમાં સિધ્ધુ અને આકાશ વિરુદ્ધ અગાઉ પણ મારામારીની ઘણી ફરિયાદો પોલીસ મથકે નોંધાઈ ચુકી છે. તો બીજી તરફ આ લોકો પોલીસનો ડર રાખ્યા વિના મારામારીનો વિડીયો બનાવી પોતાના જ સોશ્યલ મીડિયાના એકાઉન્ટ પર મૂકી વાઈરલ કરી શહેરમાં સુલેહ-શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે પોલીસ આવા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે એ સમયની માંગ છે.