ઘેજ: (Dhej) નવસારી એલસીબી પોલીસે સરૈયા ગામેથી દારૂ (Alcohol) ભરેલી જીપ (Jeep) સાથે એકની ધરપકડ કરી રૂ.૨,૩૧,૪૦૦/- નો મુદ્દમાલ કબ્જે કરી બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ, નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, એક મહેન્દ્ર જીપ નં. જીજે-૦૧-એચડી-૪૭૨૨માં સેલવાસથી દારૂ ભરી સુરત તરફ જનાર છે. તે બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસની ટીમ સરૈયા ગામે અંબિકા નદીના પુલ પાસે ટાંકલથી સણવલ્લા રોડ ઉપર વોચ ગોઠવી હતી.
- સરૈયા ગામેથી 1.25 લાખનો દારૂ ભરેલી જીપ સાથે એકની ધરપકડ
- નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની બાતમીને આધારે કાર્યવાહી, બેને વોન્ટેડ જાહેર કર્યાં
દરમિયાન મહિન્દ્રા જીપ આવતા જેને રોકી તલાશી લેતા વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૧૫૫ કિં.રૂ.૧,૨૫,૪૦૦/- મળી આવતા જે અંગેની પાસ પરમીટ માંગતા ન હોવાનું જણાવતા પોલીસે એક મોબાઈલ કિ.રૂ.૫,૦૦૦/-, જીપની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૨,૩૧,૪૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી દારૂ ભરેલી જીપના ચાલક દિનેશ ભેરારામ બીસનોઈ (ભાદુ) (રહે.નરોલી ચાર રસ્તા પાસે ભાડાના રૂમમાં સેલવાસ)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર વિમલ જાટ ચૌધરી (રહે.સેલવાસ) તથા અન્ય એક અજાણ્યો ઇસમ મળી બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.
વલસાડ સરદાર હાઇટ સોસાયટીમાં પોલીસના કોમ્બિંગના પગલે ભારે ખળભળાટ
વલસાડ : સામાન્ય રીતે જિલ્લાની પોલીસનો મોટો કાફલો સ્લમ વિસ્તારમાં અવાર-નવાર કોમ્બિંગ માટે ધસી જતો હોય છે. જેમના દ્વારા અહીં રહેતા ભાડુઆતો તેમજ અન્ય ગુનેગારોને શોધવાની કામગીરી હાથ ધરાતી હોય છે. પરંતુ પહેલી વખત વલસાડ જિલ્લા પોલીસે સરદાર હાઇટમાં મોટા ઉપાડે ચેકિંગ હાથ ધર્યું હતું, જેને એક પ્રકારનું કોમ્બિંગ પણ કહી શકાય છે. પોલીસે આ કોમ્બિંગ સોસાયટીના રહીશોની રજૂઆતના પગલે જ હાથ ધર્યું હતુ. જેને લઇ આ એપાર્ટમેન્ટોમાં ભાડુઆત તરીકે રહેતા કેટલાક લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
વલસાડ તિથલ રોડ સ્થિત સરદાર હાઇટ્સમાં 14 માળના 18 બિલ્ડીંગો છે. આ 18 બિલ્ડીંગોમાં અનેક લોકોએ ફ્લેટ તો ખરીદી લીધા હતા, પરંતુ જે પૈકી કેટલાક ફ્લેટમાં તેઓ રહેવા નહી ગયા અને તેમણે તેને ભાડે આપી દીધા છે. જેમાં કેટલાક ભાડુઆતો દ્વારા ફ્લેટ નિયમ વિરૂદ્ધ ભાડૂઆતને અપાયેલા છે, જેને ફ્લેટ ખાલી કરાવવા જોઇએ. જેના પગલે બુધવારની રાત્રે સિટી પોલીસ, એલસીબી, એસઓજી તેમજ રૂરલ પોલીસનો કાફલો સરદાર હાઇટ સોસાયટીમાં ધસી ગયો હતો. જ્યાં તેમના દ્વારા 2 બિલ્ડીંગના તમામ ફ્લેટની ચકાસણી કરી તેમની પાસેથી દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા હતા, તેમજ તેમની નોંધણી કરી હતી. અહીં રહેતા ફ્લેટ ધારકો દ્વારા ભાડુઆતને અપાયેલા ફ્લેટ અંગે પોલીસને જાણ કરી છે કે નહીં, તેની પણ ખરાઇ સિટી પોલીસ દ્વારા કરાશે. જો, તેમના દ્વારા પોલીસને જાણ નહી કરાઇ હોય તો આ અંગે પોલીસ ફ્લેટ માલિક સામે પણ પગલાં ભરી શકે એમ છે. જેના કારણે હાલ ફ્લેટ ભાડે આપનારાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.