Dakshin Gujarat

વરસાદથી નવસારી-વિજલપોરમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય

નવસારી અને વિજલપોરમાં સામાન્ય વરસાદ પડતા જ શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. જ્યારે કેટલીક જગ્યાએ કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિમોન્સુન કામગીરીનું સુરસરીયુ થયુ છે. નવસારી જિલ્લામાં ગત રાતથી વરસાદી માહોલ જામ્યો છે. ગતરાતથી નવસારી જિલ્લામાં વરસાદનું ફરી આગમન થયુ છે. જોકે તે અગાઉ ગત મહિનામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા.

જોકે ત્યારબાદ વરસાદે વિરામ લીધો હતો. તેમજ કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાઓ પડી રહ્યા હતા. છેલ્લા થોડા દિવસોથી જિલ્લામાં વરસાદી ઝાપટા પડી રહ્યા હતા. જ્યારે આજે સવારથી જ નવસારી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. નવસારી જિલ્લામાં આજે સવારથી પડી રહેલા વરસાદને પગલે નવસારી અને વિજલપોર શહેરમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં નવસારી રેલ્વે સ્ટેશન પાસેનું ગરનાળુ વરસાદી પાણીથી ભરાય ગયુ હતુ. જેથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

આ સિવાય વિજલપોરના મારૂતી નગર, સીટી ગાર્ડન, વિઠ્ઠલમંદિર પાસે, રામનગર સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જોકે બપોર બાદ વરસાદનું જોર ધીમુ પડતા ભરાયેલા વરસાદી પાણી ઓસરી ગયા હતા. પરંતુ ત્યાં કાદવ-કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. જેના પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને રસ્તા પરથી પસાર થવામાં મુશ્કેલી વર્તાઇ રહી છે. જ્યારે વાહન ચલાકોને વાહન સ્લીપ થવાનો ભય પણ રહ્યો છે.

પ્રિ-મોન્સૂન કામગીરીના બણગાં ફૂંકતી પાલિકાની પોલ સામાન્ય વરસાદમાં ખૂલી ગઇ
નવસારી-વિજલપોરની સામાન્ય સભામાં ચોમાસા પુર્વે પાલિકા દ્વારા કરવામાં આવતી પ્રિમોન્સુન કામગીરીને મંજુરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ થોડા દિવસોમાં જ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી કામ અટકી ગયા હતા. પરંતુ હાલ છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો હતો. ત્યારે પાલિકાએ પ્રિમોન્સુન કામગીરી કરી હતી. એક મહિના બાદ પડેલા સામાન્ય વરસાદે પાલિકાની પ્રિમોન્સુન કામગીરીને ધોઇ નાંખી હતી. પ્રિમોન્સુન કામગીરીના બણગાં ફુંકતી પાલિકાની પોલ સામાન્ય વરસાદમાં ખુલ્લી પડી ગઇ છે.

Most Popular

To Top