Kitchen | Recipe

નવરાત્રી રેસીપી

યુવક- યુવતીઓનો માનીતો તહેવાર નવરાત્રી બારણે ટકોરા મારી રહ્યો છે. નવરાત્રી માતાજીની આરાધના, ઉપવાસ, રાસગરબા સાથે આનંદ-ઉલ્લાસથી ઉજવાશે. ઘણા ફરાળી વાનગી ખાઈ ઉપવાસ કરશે તો કેટલાંક એકટાણું કરી. ચાલો ઉપવાસમાં ખાઈ શકાય એવી રેસીપી જોઈએ.

અફઘાની પનીર ટીક્કા
સામગ્રી
200 ગ્રામ પનીર
1 ટેબલસ્પૂન કાજુની પેસ્ટ
3 ટેબલસ્પૂન પાણી નિતારેલું દહીં
1 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ
1 કયુબ છીણેલું ચીઝ
1/2 ટીસ્પૂન સફેદ મરી પાઉડર
1/2 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન જીરું પાઉડર
1/2 ટીસ્પૂન ખાંડ
ચપટી એલચી પાઉડર
1-2 ટીસ્પૂન તેલ
સ્વાદાનુસાર સિંધવ

રીત
• એક બાઉલમાં પાણી નિતારેલું દહીં, કાજુની પેસ્ટ, લીલાં મરચાંની પેસ્ટ, સફેદ મરી પાઉડર, જીરું પાઉડર, ખાંડ, એલચી પાઉડર, છીણેલું ચીઝ, તેલ અને સ્વાદાનુસાર સિંધવ લઇ બરાબર મિકસ કરો.
• પનીરના ટુકડા કરી મિશ્રણમાં નાખી પનીરને કોટ કરો. પાંચ મિનિટ મેરીનેડ થવા દો.
• પનીરના ટુકડાને સ્કેવરમાં ભેરવી ગેસ પર મધ્યમ તાપે રોસ્ટ કરો.પનીરનો કલર બદલાય અને બધી બાજુથી રોસ્ટ થઇ જાય એટલે કાઢી લો.
• પનીર ટીક્કાને ફુદીનાની ચટણી સાથે સર્વ કરો.

મખાના-સિંગદાણા કઢી
સામગ્રી
1/2 કપ શેકેલા મખાણા
2 ટેબલસ્પૂન બાફેલા સિંગદાણા
1 કપ દહીં
1 ટેબલસ્પૂન રાજગરાનો લોટ
1 નંગ લીલું મરચું
1/2 ટી સ્પૂન ખાંડ
1 ટેબલસ્પૂન કોથમીર
સ્વાદાનુસાર સિંધવ
વઘાર માટે
1 ટીસ્પૂન ઘી
1/2 ટીસ્પૂન જીરું
1’’ નો ટુકડો તજ

રીત
• એક પેનમાં દહીં, રાજગરાનો લોટ, મીઠું, ખાંડ અને બે કપ પાણી મિકસ કરી બરાબર વલોવો.
• એક પેન મધ્યમ તાપે ગરમ કરી ઘી હૂંફાળું ગરમ કરો. તેમાં મખાણા નાખી પોપકોર્નની જેમ ફૂટે ત્યાં સુધી શેકી ગેસ બંધ કરી મખાણા ઠંડા થવા દો.
• એ જ પેનમાં થોડું ઘી ગરમ કરી જીરું, લીલું મરચું અને તજ નાખી વઘાર કરો.
• દહીંના મિશ્રણવાળું પેન ગેસ પર મૂકી ધીમા તાપે ચાર-પાંચ મિનિટ ઉકાળો. સતત હલાવતાં રહો જેથી ગઠ્ઠા બાઝે નહીં.
• તેમાં શેકેલા મખાણા, બાફેલા સિંગદાણા અને વઘાર નાખી મિકસ કરો.
• સર્વિંગ બાઉલમાં કઢી કાઢી કોથમીરથી ગાર્નિશ કરી સામાની ખીચડી સાથે સર્વ કરો.

ફરાળી મેદુવડા
સામગ્રી
1/2 કપ મોરિયો
1 કપ પાણી
1 ટીસ્પૂન જીરું
સ્વાદાનુસાર મીઠું/ સિંધવ
1 નંગ બટાકું
1 ટેબલસ્પૂન
આદુ-મરચાંની પેસ્ટ
1 ટેબલસ્પૂન સમારેલું આદુ
1 ટેબલસ્પૂન સમારેલો લીમડો
5-6 ટેબલસ્પૂન દહીં
4 ટેબલસ્પૂન
સાબુદાણા પાઉડર
4 ટેબલસ્પૂન
સિંગદાણાનો પાઉડર
તળવા માટે તેલ

રીત
• કુકરમાં એક કપ પાણી ગરમ કરો. પાણી ગરમ થાય એટલે તેમાં મોરિયો નાખો. તેમાં બટાકા છોલી, ઝીણા સમારી નાખો. સ્વાદાનુસાર મીઠું નાખી મિકસ કરી ઢાંકણું ઢાંકી બે વ્હિસલ વગાડો.
• મિશ્રણને એક બાઉલમાં કાઢી બટાકા છૂંદી લો. મિશ્રણ સાધારણ ઠંડું પડે એટલે એમાંથી અડધું મિશ્રણ લઇ મિકસરમાં પેસ્ટ વાટો.
• બાઉલમાં આ મિશ્રણ મિકસ કરો. તેમાં જીરું, આદુ-મરચાંની પેસ્ટ, સમારેલાં આદુ, લીમડો, સાબુદાણા પાઉડર, સિંગદાણા પાઉડર, દહીં અને સ્વાદાનુસાર મીઠું નાખી મિકસ કરી દસ મિનિટ રહેવા દો.
• મિશ્રણમાંથી બૉલ્સ વાળી સહેજ ચપટા કરી વચ્ચે કાણું પાડો.
• એક કઢાઈમાં તેલ ગરમ કરી એમાં મેદુવડાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પ તળી એબ્સોર્બન્ટ પેપર પર કાઢો. ગરમાગરમ મેદુવડાં ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Most Popular

To Top