સુરત, વડોદરા: (Surat, Vadodra) ગરબાના (Garba) પાસ કે અન્ય કોઈ સાંસ્કૃતિક પ્રવૃતિ તેમજ મનોરંજનના કાર્યક્રમોના ડોનેશનના પાસ (Donation Pass) તરીકે વેચાતા પાસ પર સરકાર દ્વારા જીએસટી (GST) લગાડી દેવામાં આવી છે. જેનો ઠેર ઠેર વિરોધ નોંધાઈ રહ્યો છે. ટૂંક સમયમાં નવરાત્રિ ઉત્સવ આવનાર હોઈ ગરબા આયોજકો માટે સરકારનો આ નિર્ણય ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ સરકારે ગરબાના પાસના વેચાણની આવકને ડોનેશનની આવક તરીકે ગણાવી અને તેની જાહેરાત સામે આ પાસ આપ્યા હોવાનું જણાવી જીએસટીની અવગણના કરતા આયોજકો પર બ્રેક લગાવ્યો છે. જેથી હવે પાસની કિંમત ન બતાવી જે લોકો ડોનેશન બતાવી રહ્યાં હોય તેઓને 18 ટકા જીએસટી ભરવી પડશે. ગરબાના પાસ પર 18 ટકા GST લગાડવામાં આવતા ખેલૈયાઓને આ વખતે નવરાત્રીમાં ગરબા રમવા મોંઘા બનશે. સુરતમાં થતા કોમર્શિયલ ગરબા પર પણ આ વખતે બ્રેક લાગે તો નવાઈ નહીં.
જણાવી દઈએ કે 5 જાન્યુઆરી 2018ના રોજ એક જીએસટીને લઈ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં 500થ વધુ કિંમતના મનોરંજનના પ્રોગ્રામ કે ગરબાના કાર્યક્રમો માટેના પાસની આવક પર જીએસટી લગાડવાનું જણાવવામાં આ્યું છે. જોકે આયોજકોએ તેની છટકબારી શોધી લઈ આ પાસ ડોનેશન આપનારાઓને આપ્યા હોવાનું જણાવી જીએસટીમાંથી છુટકારો મેળવવાના પ્રયાસ કર્યા હતા. જેને લઈને નવરાત્રિના નવ દિવસ દરમ્યાન પાસ વહેચનારાઓને માથે હવે જીએસટી ભરવાની જવાબદારી આવશે. જોકે હાલ નવરાત્રિ ઉત્સવ નજીક હોવાથી કેટલાક ગરબા આયોજકોએ આ પરિસ્થિતિને પહોંચી વળવાની તૈયારી કરી લીધી છે. તેઓનું કહેવું છે કે જો GST લેવામાં આવશે તો તેઓ ખેલૈયાઓ પાસેથી તો GST નહીં વસૂલે પણ નક્કી કરેલી ફી કે ડોનેશનની રકમમાંથી GST ભરશે.
ગરબા પાસ પર જીએસટીની હકીકત શું છે જાણો..
GSTનો અમલ કરવામાં આવ્યો ત્યારથી જ આવી ઇવેન્ટ્સમાં 500 રૂપિયાથી વધારાની પ્રવેશ ફી પર 15 ટકા સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. આવા આયોજનોમાં વપરાતા સામાન પર એમ્બેડેડ ટેકસ લેવાતો હતો જે વેટમાં ક્રેડિટ આપવામાં આવતો હતો. 18 ટકાના દરે GST ફક્ત ત્યારે જ ચૂકવવાપાત્ર છે જયારે ગરબા અથવા આવી ઇવેન્ટની પ્રવેશ ટિકિટ રૂપિયા500 થી વધુ હોય. જીએસટીનો દર પહેલા જેવો જ છે જેમાં માત્ર તેના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં જીએસટીનો દર જે વસ્તુ પર 15 ટકા હતો તે વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માન્ય છે.
બીજી તરફ ગરબાના પાસ ઉપર જીએસટી (GST) મુદ્દે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે કોંગ્રેસે (Congress) વિરોધ કર્યો છે. બીજી તરફ સરકારે વળતો પ્રહાર કર્યો છે કે કોંગ્રેસ જનતાને ભડકાવવાના પ્રયાસ કરી રહી છે. આમ આદમી (AAP) પાર્ટી દ્વારા પણ ઠેર ઠેર ગરબા રમીને જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો છે. વડોદરા, સુરત, રાજકોટ, અમરેલીમાં નવરાત્રી ફેસ્ટીવલના આયોજકો ચિંતામાં મુકાયા છે અને તેઓએ સરકારને વિનંતી કરી છે કે ગરબા પાસ પર GST ન લેવામાં આવે.
આ શહેરોમાં થયો વિરોધ
સરકારે ગરબાના પાસ પર 18 ટકા જીએસટી લગાડતા રાજકોટમાં વિરોધ કરાયો હતો. શહેરના કિશાનપરા ચોક ખાતે ગરબા રમવાની શરૂઆત કરે તે પહેલા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે કાર્યવાહી કરી હતી. આ સમયે પોલીસ અને AAPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. વડોદરામાં પણ નવરાત્રી ફેસ્ટીવલના આયોજકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગરબા પાસમાં જીએસટી લાગતા સુરતમાં મોટાભાગનું ગરબાનું આયોજન અટકી જશે. શહેરમાં દર વર્ષે મોટા પાર્ટી પ્લોટ પર કોમર્શિયલ ગરબાનું આયોજન થાય છે. પરંતુ આ વખતે આ ગરબાનું આયોજન અટકી પડશે. જેને લઈને ખેલૈયાઓ મૂંઝવણમાં મુકાયા છે. અમરેલીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા જીએસટીનો વિરોધ કરાયો હતો. શહેરના રાજકમલ ચોક પર ગરબા રમીને વિરોધ કરાયો હતો અને ગરબા પાસ ઉપર જીએસટી હટાવવા માટે સૂત્રોચ્ચાર કરાવવામાં આવ્યા હતા.