રોના કાળ પછી મફતલાલ પંચાતિયા પાસે કોઈ ધંધો ન હતો. તે સાવ નવરો થઈ ગયો હતો. ચોપાટી પાસેની ચાની લારીએ આવા પાંચ-સાત નવરા બેસતા. તેઓ બીજાના બાઇક પર બેસીને, બીજાની ચા પીતા પીતા બીજાનુ છાપુ વાંચતા હોય અને રાષ્ટ્રીય સમસ્યાઓની ચર્ચા કરતા હોય. આમ નવરા બેઠા બેઠા તેઓને નવો જ વિચાર આવ્યો કે આપણે બધા સાથે મળીને એક ન્યૂઝ ચેનલ શરૂ કરીએ. બધાએ આ વિચારને (વગર મોતીડે ) વધાવી લીધો. ચેનલ નું નામ ‘નવરા ન્યુઝ ચેનલ.’ રાખવાનું વિચાર્યું. પરંતુ એક નવોદિત પત્રકારે સૂચવ્યું કે ‘નવરા ન્યુઝ ચેનલ’ના નામથી આપણી ઈજ્જત જાય ત્યારે મફતલાલ કહ્યું, ‘હોય તો જાયને!’
પત્રકારે કહ્યું, ‘ભલે ન હોય પણ લોકોને તો એવું લાગવું જોઈએ ને !’ માટે નવરા નહીં પણ ‘ન્યુ બખેડા ન્યુઝ ચેનલ’ નામ રાખીએ એટલે આપણને ‘ન્યુ બખેડા’ માં ‘નવરા’ શબ્દ નો રણકો સંભળાશે અને લોકોને કંઈક નવું લાગશે. બસ પછી તો ચેનલ નું નામ ‘ન્યુ બખેડા ન્યુઝ ચેનલ’ રાખવામાં આવ્યું. ચેનલ શરૂ થયા પછી તેના ડિરેક્ટર, પત્રકાર, પટાવાળા બધા જ નવરા બેઠા હતા. કારણ કે ન્યુઝ તો ઘણા હતા પણ સાંભળનારા કોઈ નહોતા. આમ છતાં તેમણે એક બ્રિલિયન્ટ બ્રાહ્મણ યુવાનને ન્યુઝ વાંચવા માટે નોકરીએ રાખ્યો પણ એકાદ મહિનામાં એ બ્રાહ્મણ યુવાન ન્યૂઝ વાંચવાનું છોડીને સત્યનારાયણની કથા વાંચવા લાગી ગયો. કારણકે ન્યુ બખેડામાં પગારના બખેડા હતા. આવી સ્થિતિમાં નવરા નવોદિત પત્રકાર ‘વીકી ખતરા’ ને (વીકી બત્રા નહીં.! વીકી ખતરા.) વિચાર આવ્યો કે આપણે સાવ નવરા બેઠા છીએ તો કોઈ નવરાનો જ ઇન્ટરવ્યૂ કરીએ. બીઝીના તો બહુ થાય છે પણ નવરાનો ઇન્ટરવ્યૂ કોઈ કરતું નથી. અને નવરા સિવાય કોઈ આપણને ઇન્ટરવ્યૂ આપે એમ નથી.
બોસને આ મુદ્દો સારો લાગ્યો અને તેણે તરત જ પરવાનગી આપી દીધી. તે સાથે જ પત્રકાર ‘વીકી ખતરા’ નીકળી પડ્યો. એક ગામમાં જઈ તેણે સઘન પૂછપરછને અંતે નવરાઓના મંડળમાંથી એક ‘નવરાશશ્રેષ્ઠ’ એવા પ્રતાપચંદ્રને શોધી કાઢ્યા અને સીધો જ તેમની પાસે જઇ અને બોલ્યો, ‘નમસ્તે સર, હું ન્યુ બખેડા ન્યુઝ ચેનલ માંથી આવુ છું. પત્રકાર છું અને મારું નામ છે વીકી ખતરા છે. ચેનલમાં આજકાલ અમે સાવ નવરાધૂપ છીએ.તેથી આપ જેવા ‘નવરા’ વ્યક્તિનો ઇન્ટરવ્યૂ કરવા માગીએ છીએ. પ્રતાપ ચંદ્રે સામો ઇન્ટરવ્યૂ લેતા પૂછ્યું, ’હા,પણ તમને નવરા નો ઇન્ટરવ્યૂ કરવાનો વિચાર કેમ આવ્યો’ પત્રકાર:- સર, કહ્યું તો ખરું કે અમે બધા જ નવરા છીએ એટલે થયું કે નવરાનો જ ઇન્ટરવ્યૂ કરીએ.
‘બહુ સારી વાત છે! સમાજમાં નવરા લોકો બધાની નોંધ લે છે પણ કોઈ નવરાની નોંધ લેતું નથી પણ તમે આ પ્રશંસનીય કાર્ય હાથ ધર્યું છે તે બદલ ખૂબ ખૂબ રાજી થયો.તમારી ચેનલ ની સફળતા માટે કોઈ શંકા નથી.’ ‘એમાં એવું છે ને સર કે બીઝી લોકો પાસે ટાઈમ નથી ‘ને અમારી પાસે ટાઈમ સિવાય બીજું કશું જ નથી! એટલે ફાઈનલ કર્યું કે નવરાનો જ ઇન્ટરવ્યૂ કરીએ કારણ કે નવરો માણસ પણ સમાજને એક સંદેશ તો આપે જ છે.’ ‘તમે લોકોએ મારા પર પસંદગી કેવી રીતે ઉતારી? મને જ કેમ પસંદ કર્યો?’ ‘સર, છેલ્લા છ મહિનાથી આ રસ્તેથી હું દરરોજ જુદા જુદા સમયે નીકળું છું અને આ લીમડો અને ઓટલાને જોઉં છું ત્યારે દરેક વખતે બાકીના લોકો બદલાયા કરે છે પણ તમે ધ્રુવના તારાની જેમ અવિચળ બેઠા હોવ છો એટલે થયું કે ઇન્ટરવ્યૂ માટે તમે જ શ્રેષ્ઠ છો.’ ‘ઠીક છે, તમને ગમ્યું તે ખરું.’ ‘હા તો સાહેબ આપણે શરૂ કરીએ.’ ‘હા કરો, શરૂ તો તમારે જ કરવાનું છે ને!’ ‘હા સર તો હું એમ પૂછું છું કે તમને અહીં કોણે બેસાડ્યા?’
‘મારા સાહેબે!’ ‘સાહેબે !કેવી રીતે?’! ‘વર્ષો પહેલા હું રેલવે પોલીસમાં નોકરી કરતો હતો…’ ‘હં.. મ.., તો પછી નિવૃત્ત થઈ ગયા.’ ‘અરે ભાઈ સાંભળ તો ખરો. વાત જાણે એમ છે કે અગાઉ હું રેલવે પોલીસમાં હતો રાજકોટ રેલવે સ્ટેશન પર મારી નોકરી હતી.હું સ્ટેશન ના બાંકડે સૂતો હતો.’ ‘…એટલે કે નોકરી પૂરી કરીને સૂતા’તા!’ ‘નોકરી ચાલુ હતી એવામાં અમારા એસપી સાહેબ ટ્રેન માંથી ઉતર્યા અને તેમણે મને જગાડ્યો.’ ‘એટલે કે ‘ચરણ ચાંપી, મૂછ મરડી નાગણે નાગ જગાડિયો’ એમ જગાડ્યા!’ ‘ના, ચાદર ખેંચીને જગાડ્યો અને પછી ત્યાંથી ઉઠાડ્યો તે છેક અહીં બેસાડ્યો!’ ‘એટલે કે સસ્પેન્ડ કર્યા,એમ જ ને!’
‘સસ્પેન્ડ નહીં ડિસમિસ!’ ‘તો તો તમે ડિસમીસ થયા પછી રાજકોટને બહુ મિસ કરતા હશો, ખરું ને.’ ‘ના, જરાય નહીં.અહીં શાંતિ છે એવી ત્યાં ક્યાંથી મળે?’ ‘એટલે કે ત્યારથી તમે અહીં બેસો છો!’ ‘હા, સાહેબે જ્યારથી મને અહીં બેસાડ્યો છે ત્યારથી બેઠો છું.’ ‘આખો દિવસ નવરા બેઠા બેઠા તમે શું કરો છો?’ ‘અરે ભાઈ, ‘કાંઈ નથી કરતો’ એટલે તો નવરો છું!’ ‘તો તમે આખો દિવસ કેવી રીતે વિતાવો છો?’ ‘દિવસ તો એની મેળે જ વિતે છે, હું તો બેઠો હોઉ છું.’ ‘પણ પેલી કહેવત છે ને કે ’નવરો બેઠો નખ્ખોદ વાળે.’
’એ ખોટી છે. આવી ઘણી કહેવતો ખોટી છે. નવરો બેઠેલો કોઈને નડે નહિ. દુનિયામાં જે કાંઈ ડખા છે તે બધા કામગરા લોકોએ જ કર્યા છે, જે ઉપદ્રવ મચાવ્યો છે તે પ્રવૃત્તિ કરનારા ઓએ જ મચાવ્યો છે. નવરા તો નિરાંતે બેઠા છે.‘ ‘આ રીતે સાવ નવરા તમે કોના ટેકે ટકી રહ્યા છો?’ ‘આ લીમડાના ટેકે.’ ‘લીમડા નીચે કેટલા વર્ષથી બેસો છો?’ ‘લગભગ બાવીસ વર્ષ થયા. તેનાથી વધુ હોય તોય ના નહીં.’ ‘તો તમે અહીં બેસવાનું શરૂ કર્યું ત્યારે લીમડો હતો ખરો?’ ‘લીમડો મારાથી બે વર્ષ નાનો!’ ‘એટલે!’ ‘એટલે કે મેં અહીં આસન જમાવ્યું. ત્યારબાદ બે વર્ષ પછી લીમડો રોપવામાં આવ્યો.’ ‘અહી બેઠા બેઠા તમે બીજું શું કરો?’ ‘પહેલું કે બીજું કશું જ નથી કરતો. ક્યારેક ફક્ત વાતો કરીએ.’
‘આટલા બધા વર્ષો સુધી તમે વાતો કરતા રહ્યા તો વાતો ખૂટી પડતી નથી!’ ‘અમારે તો દિવસો ખૂટે, વાતો નહીં.’ ‘તમારી આ તંદુરસ્તીનું રહસ્ય!’ આ લીમડો જ. કહેવાય છે ને કે લીમડાના છાંયડે તમે છ મહિના સૂઓ તો નખમાં ય રોગ ન રહે. જ્યારે મારે તો બાવીસ વર્ષ થયા.‘ ’તમે અહીં બેઠા બેઠા ક્યારેય ધ્યાન-યોગ કરો છો ખરા.‘ ’ના, ધ્યાન કરતા નથી પણ આખા ગામનું ધ્યાન રાખીએ ખરા.’ ‘તો પછી તમારા ઘરનું ધ્યાન કોણ રાખે છે.?’ ‘આખા ગામમાં મારું ઘર આવી જાય કે નહીં?’ ‘હા.’
‘….એટલે કે એ રીતે મારા ઘરનું પણ ધ્યાન રાખું છું.’ ‘…પણ ‘ઘરવાળા’ તમારું ધ્યાન રાખે છે.’ ‘એ તો એમને ખબર.’ ‘આ ગામમાં કુલ કેટલા નવરા છે?’ ‘પાર્ટ ટાઈમ તો ઘણા છે. પણ ફૂલ ટાઈમ તો હું એક જ!’ ‘તમે નવરા બેસી રહો તો તમારી પત્ની તમારી સાથે ઝઘડો નથી કરતી.’ ‘એને નવરાશ નથી’ ‘તમે આખો દિવસ અહીં જ બેસી રહો છો કે ઘરે જાવ છો?’ ‘હું ઘેર ઝઘડવા માટે નહીં પણ જમવા માટે જાવ છું, પત્ની બોલાવે ત્યારે જાવ છું’ ‘તમે કાંઈ નથી કરતાં તોય તમારી પત્ની તમને જમવા બોલાવે છે.’ ‘હા,બોલાવે છેને!’ ‘એનું કોઈ ખાસ કારણ?’ ‘એણે પાંચ વર્ષ માટે પતિને જમાડીને પછી જ જમવાનું વ્રત લીધું છે’‘પતિને જમાડવાથી શું ફાયદો?’ ‘પછી એ જમી શકે ને.’ ‘જમ્યા પછી તમે આરામ કરો છો ખરા!’ ‘આરામ હરામ હૈ, આરામ આપણને ન ફાવે’
‘તો તમે આરામ પણ નથી કરતા અને કામ પણ નથી કરતા ખરુંને! બંને હરામ કર્યા છે અને હવે બેઠા બેઠા રામ રામ કરો છો’ ‘ના રામરામ પણ નથી કરતો. કશું જ ન કરે એને જ નવરા કહેવાય.’ ‘તમારા જીવનની સૌથી મોટી સિદ્ધિ કઈ?’ બાવીસ બાવીસ વર્ષથી નવરા બેઠા છીએ તેનાથી બીજી મોટી સિદ્ધિ કઈ હોઈ શકે!’ ‘તો સર, હું એ પૂછવા માગું છું કે..એ…’ ‘બસ ભાઈ રહેવા દો, હું નવરો નથી. આટલું ઘણું! બાકીનું ફરી ક્યારેક!’ ‘ભલે સાહેબ આપનો કિંમતી સમય અમને ફાળવવા બદલ ખુબ ખુબ આભાર.’ ‘અમારા સમયને કિંમતી માનવા બદલ આપનો આભાર.’ વીકી ખતરા ઇન્ટરવ્યૂ કરીને પાછો ફરે છે ત્યાં જ તેના ફોન દ્વારા સમાચાર મળે છે કે મફતલાલ પંચાતિયા એ ‘ ન્યુ બખેડા ન્યુઝ ચેનલ’ ના ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. ગરમાગરમ:- શહેરના રોડ પર કોઈ વાહનવાળાને એમ કહો કે ‘આગળ ઊભા છે’. એ પણ મોટું પુણ્ય જ કહેવાય!