નડિયાદ: કઠલાલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા પ્રેરિત હિંદુ ધર્મ સેના પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં પ્રવચન પૂર્ણ કર્યાં બાદ જય શ્રીરામના નારા લગવતાં સમયે જ અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પૂ.નૌતમ સ્વામી અચાનક જ સ્ટેજ પર ઢળી પડ્યાં હતાં. જોકે, ખાંડ ફાક્યા બાદ તેઓનું સ્વાસ્થ્ય સારૂ થઈ ગયું હતું કઠલાલમાં આવેલ કચ્છ કડવા પાટીદાર સમાજ વાડી ખાતે રવિવારના રોજ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાનો પદ નિયુક્તિ દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો.
અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ પૂ.નૌતમ સ્વામી (વડતાલધામ) ના અધ્યક્ષસ્થાને યોજાયેલાં આ દિક્ષાંત સમારોહમાં નિવાસદાસજી મહારાજ, રામેશ્વરદાસજી મહારાજ, અનિરુદ્ધગિરી મહારાજ સહિતના સંતો-મહંતો તેમજ કઠલાલ શહેર અને તાલુકાના 700 થી વધુ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ, કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સહિતના રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ શરૂ થયાંની થોડી મીનીટો બાદ અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષ નૌતમ સ્વામી પ્રવચન આપવા માટે ઉભા થયાં હતાં. તેઓએ ધારદાર પ્રવચન આપ્યું હતું પ્રવચનના અંતે નૌતમસ્વામીએ મંચ પરથી જય શ્રીરામના બુલંદ નારા લગાવી રહ્યાં હતાં. બરાબર તે જ વખતે નૌતમસ્વામી એકાએક ઢળી પડ્યાં હતાં. જોકે, નજીકમાં ઉભેલાં કાર્યકરોએ તેમને પકડી લીધાં હતાં. જે બાદ તુરંત ખાંડ ખવડાવતાં પૂ.નૌતમસ્વામીનું સ્વાસ્થ્ય સારૂ થઈ ગયું હતું. આ અંગે હિન્દુ ધર્મ સેનાના ખેડા જિલ્લા પ્રમુખ રાજન ત્રીપાઠીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમના પૂર્વ દિવસે નૌતમસ્વામીનો જન્મ દિવસ હતો, જેથી કામનુ ભારણ હોવાથી આમ થયું હતું. હાલ તેઓ સ્વસ્થ છે.