હિમાચલ પ્રદેશ સરકારે ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં થયેલા નુકસાનને રાજ્ય આપદા તરીકે જાહેર કરી હતી. ‘ભારે વરસાદના કારણે માનવ જીવન અને મિલ્કતોને થયેલા નુકસાનને જોતા આખા પર્વતીય રાજ્યને પ્રાકૃતિક આપદા અસરગ્રસ્ત વિસ્તાર’ તરીકે જાહેર કર્યા છે, એમ શુક્રવારે સિમલામાં જારી કરાયેલી અધિસૂચનામાં કહેવાયું હતું. મુખ્યમંત્રી સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં થયેલા વિનાશને કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય આપદા જાહેર કરે તેની રાજ્ય સરકાર રાહ જોઈ રહી છે. પ્રિન્સિપલ સેક્રેટરી ઓંકાર ચંદ શર્માએ જણાવ્યું હતું કે મોસમ સામાન્ય થઈ જાય ત્યારબાદ રાજ્યમાં કેટલું નુકસાન થયું છે તેનું સંપૂર્ણ આકલન કરાશે. દરમિયાન શુક્રવારે સમર હિલમાં શિવ મંદિર ધ્વસ્ત થતા તેના કાટમાળ નીચેથી વધુ 3 મૃતદેહો કાઢવામાં આવ્યા હતા જેના પગલે હિમાચલમાં વરસાદના કારણે થયેલા મૃત્યુની સંખ્યા વધીને 77 થઈ છે.
આપત્તિની દૃષ્ટિએ ઉત્તરાખંડ પણ અત્યંત સંવેદનશીલ છે. ક્યારેક ભૂકંપના કારણે તબાહી થાય છે, તો ક્યારેક પ્રલયના કારણે, સિમલા પહેલા થી જ ભગવાન બદ્રીનાથ ધામના પ્રવેશદ્વાર જોશીમઠ આફતનો સામનો કરી રહી છે. જોશીમઠમાં સતત જમીન ધસી જવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સાથે જ જમીનમાંથી સતત પાણી નીકળી રહ્યું છે. જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાની ઘટના બની રહી છે. 2013ની દુર્ઘટના દરમિયાન યમુના નદીના વહેણને કારણે આ ગામની નીચે ધોવાણ થવા લાગ્યું હતું, ધીમે ધીમે ગામના ઘરોમાં તિરાડો દેખાવા લાગી હતી. ઉત્તરાખંડનો એક મોટો વિસ્તાર આ સમયે અસ્તિત્વના જોખમનો સામનો કરી રહ્યો છે.
જો થોડો પણ વરસાદ પડશે તો જોશીમઠમાં સ્થિતિ વધુ ખરાબ થશે. જોશીમઠમાં દેખાઈ રહી છે તિરાડો, જમીનની નીચેથી પાણીના ફુવારા ફૂટી રહ્યા છે, આ વાત તો સૌ કોઈ જાણે છે પણ આવું કેમ થઈ રહ્યું છે, નિષ્ણાતો પણ આ વાત સમજી શક્યા નથી. આશ્ચર્યની વાત એ છે કે ઉત્તરાખંડ દર 10 વર્ષમાં એક ગંભીર આફતનો સામનો કરી રહ્યું છે. વર્ષ 2003માં ઉત્તરકાશીના વરુણાવતમાં તિરાડો પડી હતી. સપ્ટેમ્બર 2003માં, વરુણાવત ભૂસ્ખલન, જે લગભગ એક મહિના સુધી વરસાદ વિના ચાલુ રહી હતી. તેણે ઉત્તરકાશી શહેરમાં ભારે વિનાશ સર્જ્યો હતો.
અંદાજે 70 કરોડના ખર્ચે આ પર્વતીય વિસ્તારનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાંય વરસાદની સિઝનમાં શહેર વિસ્તારમાં આ ટેકરી પરથી અવારનવાર પથ્થર પડવાના બનાવો સામે આવતા જ રહે છે. વર્ષ 2013માં કેદારનાથમાં પૂર આવ્યું હતું, જેમાં 5 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. કેદારનાથની ઘટના એટલી કરૂણ હતી કે જેને હજુ પણ ઉતરાખંડના લોકો ભૂલી શક્યા નથી. આ તમામ ઘટનાને પહેલી નજરે ભલે બધા કુદરતી આપત્તિ ગણી રહ્યાં હોય પરંતુ આ ઘટના કુદરતી નથી પરંતુ કુદરત સાથે રમત રમવાનું પરિણામ છે. એટલે કે આ ઘટના માનવસર્જીત છે. સૌથી પહેલી વાત કરીએ તો સીમલાની. સિમલામાં જે રીતે પર્યટકો વધી રહ્યાં છે તેના કારણે અનેક હોટલ પણ ખૂલી ગઇ છે.
આ હોટલો પહાડો ખોદી ખોદીને બનાવવામાં આવી છે. આવી હોટલો સુધી પહોંચવા માટે તેમજ પર્યટકોની સુવિધા માટે અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. વૃક્ષોના મૂળિયાઓને કારણે જ જમીન જકડાયેલી રહે છે પરંતુ તે નહીં હોવાના કારણે તે પોલી થઇ જાય છે પછી સતત ભૂસ્ખલ થાય છે. સિમલાની ઘટના પણ તેનું જ પરિણામ છે. સિમલામાં જેટલા લોકો રહી શકે તેના કરતાં ચાર ગણા વધુ લોકો રહે છે અને ઉપરથી પર્યટકોનો ધસારો પણ એટલો જ વધતો જાય છે. 2013માં કેદારનાથમાં જે ઘટના બની હતી તે તળાવ ફાટવાના કારણે બની હતી પરંતુ અહીં પણ જે રીતે સુવિધા વધારવામાં આવી રહી છે તે ખૂબ જ ગંભીર ગણી શકાય તેમ છે.
શ્રદ્ધાળું વધુને વધુ સંખ્યામાં આવે અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય તે માટે અહીં પણ પહાડો ખોદી ખોદીને રસ્તાઓ બનાવવામાં આવી રહ્યાં છે. સ્વાભાવિક છે કે અહીં રસ્તા બનાવવા માટે હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. પહેલા આ યાત્રાને ખૂબ જ દુર્ગમ ગણવામાં આવતી હતી જેના કારણે યાત્રાળુ પણ મર્યાદીત સંખ્યામાં આવતા હતાં. હિન્દુધર્મમાં ચારધામ યાત્રાનું ખૂબ જ મહત્વ છે જેથી દરેક હિન્દુ એકવાર તો આ યાત્રા કરવાનું સપનું સેવતો જ હોય છે. પરંતુ હવે સુવિધાઓ વધી જવાના કારણે હવે અહીં યાત્રાળુઓ વારંવાર દર્શન કરવા માટે આવે છે.
આટલું ઓછુ હોય તેમ અહીં હેલિકોપ્ટરની સુવિધા પણ શરૂ કરી દેવામાં આવી છે એટલે કુદરતની છાતી પર ટુરિઝમ વિકસાવવામાં આવી રહ્યું છે તેવું કહીએ તો પણ ખોટુ નથી. જોશીમઠની પણ વાત કંઇ એવી જ છે. વીસ કે ત્રીસ વર્ષ પહેલાની જ વાત કરીએ તો અહીં એકાદ બે ધર્મશાળા અને સ્થાનિકો સિવાય અન્ય કોઇ રહેતું ન હતું. પરંતુ અહીં પણ સંખ્યાંબધ હોટલો બની જતાં પહાડ પરનું ભારણ વધી ગયું છે. કોંક્રિટની ઈમારતો બનાવવા માટે મશીનરીના ઉપયોગથી ઉંડા ઉંડા ખાડાઓ ખોદવામાં આવે તેની સ્વાભાવિક રીતે માઠી અસર વર્તાઇ છે. જો હજી પણ આ રીતે કુદરતી સૌંદર્યથી ફાટ ફાટ ભરેલા આવા સ્થળો પર યાત્રાળુંઓની સંખ્યા અને બાંધકામ નિયંત્રિત કરવામાં નહીં આવે તો અનેક પર્વતીય ક્ષેત્રો ઉપર આવો ખતરો ઊભો થશે.