Dakshin Gujarat

VIDEO: હરિયાલની કંપનીમાં વિકરાળ આગ લાગતાં 3થી વધુ દાઝ્યા, 10 કરોડનું નુકસાન

માંડવી: માંડવીની હરિયાલ જીઆઈડીસીમાં યાર્ન તેમજ ધાગા બનાવતી કંપની ચોકસી ટેક્સલેન પ્રાઇવેટ લિમિટેડ-યુનિટ-2, બ્લોક નં.211, પ્લોટ નં.4/ABCમાં અગમ્ય કારણોસર આગ (Fire) લાગતાં અફરાતફરી મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ માંડવી તાલુકાની હરિયાલ GIDCમાં યાર્ન બનાવતી કંપની ચોકસી ટેક્સલેન પ્રાઇવેટ લિમિટેડ-યુનિટ-2, બ્લોક નં.211, પ્લોટ નં.4/ABCમાં શનિવારે મોડી સાંજે આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આ બનાવથી કંપનીની બાજુમાં રહેતા રહીશો ગભરાઈ ગયા હતા અને કંપનીથી દૂર ચાલ્યા ગયા હતા.

આ અંગેની જાણ માંડવી પ્રાંત અધિકારી ડો.જનમ ઠાકોરને થતાં ઉપર સુધી જાણ કરતાં ફાયરબ્રિગેડ સુરત લિગ્નાઈટ, માંડવી-બારડોલી ફાયરબ્રિગેડ સહિતની ટીમોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એ સાથે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ કંપનીમાં રહેલો યાર્નનો જથ્થો આગની લપેટમાં આવી જતાં દૂર દૂર સુધી ધુમાડાનાં ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ ઘટનાને પગલે હાલ માંડવી પીઆઈ હેમંત પટેલ તથા પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો. આ ઘટનામાં કંપની માલિકને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આગ શોર્ટસર્કિટથી લાગ્યાનું અનુમાન છે. આ બનાવમાં પ્રાથમિક તબક્કે ત્રણથી ચાર દાઝી ગયા અને 10 કરોડથી વધુનું નુકસાન થયું હોવાની માહિતી મળી છે.

માલ અને મશીનરી જ ફક્ત હતી: નિખિલ અગ્રવાલ
આ બાબતે કંપનીના માલિક નિખિલ અગ્રવાલે જણાવ્યું હતું કે, આ બનાવ સાડા છ વાગ્યાની આસપાસ બન્યો હતો. પીઈપીએલ, સુમિલોન, જીઆઇપીસીએલ, સાનિકાથી ફાયર ફાઇટરોને બોલાવી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વર્કર નીકળી ગયા હતા, માલ અને મશીનરી જ ફક્ત હતી.

નજીકના રહેણાક વિસ્તારોને સાવધ કરાયા
હરિયાલની કંપનીમાં આગ લાગ્યાની ઘટનાને લઈ ભાગદોડ મચી ગઈ હતી. આ બનાવમાં સાતથી વધુ ફાયર ફાઇટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. એ સાથે માંડવી અને તડકેશ્વરની પોલીસ પણ સ્થળ પર આવી ગઈ હતી. મોડી રાત સુધી ફાયર ફાયટરોએ આગ બુઝાવવાની કામગીરી કરી હતી. બનાવની ગંભીરતા પારખી નજીકના રહેણાક વિસ્તારોને સાવધ કરાયા હતા. સાથે નજીકમાં જ આવેલો પેટ્રોલપંપ બંધ કરી દેવાયો હતો.

Most Popular

To Top