યુકેના હવામાન વિભાગ દ્વારા રેડ વૉર્નિંગ એલર્ટ A રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે આ એલર્ટ સિસ્ટમમાંની સૌથી ઉંચી ચેતવણી છે અને તેનો અર્થ થાય છે કે લોકોના જીવને જોખમ છે. આ ચેતવણીમાં જણાવવામાં આવ્યું છે કે તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ સુધી જઇ શકે છે. યુકેમાં આજ સુધી હવામાન માટે ક્યારેય રેડ વૉર્નિંગ જાહેર કરવામાં આવી નથી. આ અભૂતપૂર્વ પ્રકારની ચેતવણી તમામ વય જૂથના લોકોના જીવનને જોખમ હોવાની ચેતવણી આપે છે અને તેને રાષ્ટ્રીય કટોકટી તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.
અમે હાલમાં જ સોમવાર અને મંગળવાર માટે અત્યંત ગરમીની રેડ વૉનિંગ જારી કરી છે, જે અત્યાર સુધી જારી કરવામાં આવેલ આવી પ્રથમ વૉર્નિંગ છે એમ હવામાન કચેરીના પ્રવકત ગ્રેહામ મેજે જણાવ્યું હતું. યુરોપ અને આફ્રિકાના અનેક દેશોમાં સખત ગરમીનું મોજું ચાલી રહ્યું છે અને આ બંને ખંડોના વિવિધ દેશોમાં જંગલની આગના અનેક બનાવો બન્યા છે. દાવાનળોને કારણે યુરોપના પોર્ટુગલ, સ્પેન, ફ્રાન્સ દેશોમાં અને આફ્રિકાના મોરોક્કોમાં હજારો લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું છે. પોર્ટુગલમાં ગયા સપ્તાહે જંગલની આગથી ૧૩૫ને ઇજા થઇ છે અને એકનું મોત થયું છે. રવિવારથી ત્યાં કટોકટી જાહેર કરવામાં આવી છે. પોર્ટુગલમાં આવી આગના ૨૮ બનાવો બન્યા છે. એટલું જ નહીં અમેરિકામાં જે પ્રકારે તોફાન અને ચક્રવાતની સંખ્યા વધી ગઇ છે તે પણ ખૂબ જ ગંભીર છે.
હવે ભારતની વાત કરીએ તો 8મી જુલાઇએ દક્ષિણ કાશ્મીરના હિમાલય પર્વતમાળાના વિસ્તારમાં આવેલ અમરનાથની પવિત્ર ગુફા નજીક આજે સાંજે વાદળ ફાટતા આવેલા ઘોડાપુરમાં ઓછામાં ઓછા દસનાં મોત થયા હતા તથા અન્ય અનેક લોકો લાપતા થયા હતા. વાદળ ફાટવાને કારણે આવેલા ઘોડાપુરથી ૨પ તંબુઓને તથા ત્રણ સામુદાયિક રસોડાઓને પણ નુકસાન થયું હતું એમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. વાદળ ફાટવાની આ ઘટના ભારે વરસાદ વચ્ચે સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે બની હતી. ધસમસતુ પાણી ગુફા મંદિરની બહારના તંબુઓ તરફ ધસી ગયું હતું, જેના કારણે પચ્ચીસ તંબુઓને નુકસાન થયું હતું તથા યાત્રાળુઓને ભોજન પીરસતા ત્રણ સામુદાયિક રસોડાઓને પણ નુકસાન થયું હતું. આ ઘટનામાં દસ લોકોનાં મોત થયા હતા તથા અન્ય ૩૦થી વધુ લોકો લાપતા થયા હતા.
આ પહેલા આપણે કેદારનાથની આપદા જોઇ ચૂક્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે દેશના જુદા જુદા ભાગોમાં જે રીતે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે અને ઠેર ઠેર પૂર આવી રહ્યાં છે. ગણતરીના કલાકોમાં 10 થી 18 ઇંચ જેટલો વરસાદ ઝીંકાઇ જાય છે. આવી સ્થિતિનું નિર્માણ એટલા માટે થઇ રહ્યું છે કે, માનવી પ્રકૃત્તિ સાથે સતત રમત રમી રહ્યો છે અને તે આજ કાલની વાત નથી વર્ષોથી આવું ચાલી રહ્યું છે અને તેનું પરિણામ આપણે આજે ભોગવી રહ્યાં છે. અને આ સ્થિતિમાં હજી પણ સુધારો નહીં આવે તો આગામી પેઢીએ વધુ આકરી સ્થિતિમાંથી પસાર થવું પડશે. વિકાસ દરેક ક્ષેત્રમાં જરૂરી છે પરંતુ તેના માટે કુદરતી સંપતિઓનો લઘુત્તમ ઉપયોગ થવો જોઇએ પરંતુ હાલમાં સ્થિતિ બિલકુલ વિપરીત છે. બેફામ રીતે ભૂગર્ભ ખનીજોનું ખનન થઇ રહ્યું છે. વિકાસ કરવા માટે વૃક્ષોનું નિકંદન તો સામાન્ય બાબત બની ગઇ છે. કુદરતી વહેણ સાથે રમત રમવામાં આવી રહી છે. એટલે જ્યાં સુધી માનવી પ્રકૃતિ સાથે રમત રમવાનું બંધ નહીં કરે તો કુદરતી આપતીઓ આવતી જ રહેશે.