Comments

‘નાટો શીતયુદ્ધ તરફ પાછું ફરી રહ્યું છે’- રશિયા

લિથુઆનિયાની રાજધાની વિલ્નિયસમાં તાજેતરમાં બે દિવસીય નાટો સમિટ યોજાઇ ગઈ. રશિયાએ આ સમિટના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે આ સમિટ દર્શાવે છે કે પશ્ચિમી લશ્કરી જોડાણ ‘કોલ્ડ વોર’તરફ પાછું ફર્યું છે. રશિયા આવી ધમકીઓનો જરૂરી જવાબ આપવા તૈયાર છે. રશિયાએ આ ટિપ્પણીઓ અમેરિકન પ્રમુખે નાટો સમિટના સમાપનમાં આપેલા નિવેદન પછી આપી હતી, જેમાં તેમણે કહ્યું કે રશિયન પ્રમુખ પુતિનને જમીન અને સત્તાની લાલસા છે અને યુક્રેનને સમર્થન આપવાના લશ્કરી જૂથના સંકલ્પને સમજવામાં તેમણે ભૂલ કરી છે.

રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે નાટોની બેઠકના પરિણામનું રશિયાની સુરક્ષા સામેનાં જોખમો તરીકે કાળજીપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે. રશિયાની સુરક્ષા અને હિતો સામેના પડકારોને ધ્યાનમાં રાખીને, અમે તમામ માધ્યમો અને પદ્ધતિઓનો ઉપયોગ કરીને સમયસર અને યોગ્ય રીતે જવાબ આપીશું. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે યુક્રેનને વધુ શક્તિશાળી અને અત્યાધુનિક શસ્ત્રો પૂરાં પાડીને નાટો રાજકીય અને સૈન્ય તણાવમાં વધારો કરી રહ્યું છે. સમિટના પ્રારંભે જ સ્વીડનના નાટો જોડાણ અંગે તુર્કીએ મંજૂરી આપી હતી. અમેરિકા અને સાથી દેશો દ્વારા સમિટમાં હાજર યુક્રેનિયન પ્રમુખ ઝેલેન્સકીને લાંબા ગાળાની સુરક્ષા સહાયનું વચન આપવામાં આવ્યું, પરંતુ નાટો સભ્યપદ માટે કોઈ નક્કર સમયરેખા આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે રશિયાએ યુક્રેન પરના આક્રમણનું કારણ યુક્રેનનું સંભવિત નાટો જોડાણ ગણાવ્યું છે.

રશિયન વિદેશપ્રધાન લવરોવે પણ યુક્રેન મુદ્દે પશ્ચિમી સમર્થનને કારણે તણાવ વધ્યો હોવાની વાત કહી. લવરોવે કહ્યું કે પશ્ચિમી દેશો યુક્રેનને યુએસ નિર્મિત એફ-૧૬ ફાઈટર જેટ સપ્લાય કરવાની યોજના બનાવે છે, જે સંભવિત રીતે પરમાણુ શસ્ત્રોનું વહન કરી શકે છે. આના કારણે રશિયા માટે પરમાણુ ખતરો પેદા થશે. અમેરિકા અને તેના નાટો સાથીઓ રશિયા સાથે સીધા સૈન્ય સંઘર્ષનું જોખમ ઊભું કરી રહ્યા છે અને આનાં વિનાશક પરિણામો આવી શકે છે. યુક્રેનિયન સશસ્ત્ર દળોમાં એફ-૧૬ ફાઇટર જેટની હાજરીને રશિયા પશ્ચિમી દેશો તરફથી પરમાણુ ખતરા તરીકે ધ્યાનમાં લેશે. રશિયાની સુરક્ષા પરિષદે ચેતવણી આપી હતી કે નાટો દેશો તરફથી યુક્રેન માટે સહાયથી ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો ઊભો થયો છે.

બીજી બાજુ નાટોના નેતાઓએ જાપાનમાં ઓફિસ ખોલવાની સંભવિત યોજના પર મિશ્ર સંકેતો આપ્યા હતા. અગાઉ મે મહિનામાં ચીને એશિયા-પેસિફિક ક્ષેત્ર એવા જાપાનમાં નાટો કાર્યાલય ખોલવા અંગે ટીકા કરી હતી. ફ્રાન્સે પણ આનો વિરોધ કર્યો છે. સમિટના અંતે પ્રેસ કોન્ફરન્સમાં આ યોજના વિશે પૂછવામાં આવતા, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે નાટોએ ઉત્તર એટલાન્ટિક ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત રાખવું જોઈએ. મેક્રોને નાટોના સ્થાપક દસ્તાવેજનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેઓ સંમત છે કે નાટોએ અન્ય પ્રદેશો સાથે ભાગીદારી કરવી જોઈએ જેથી ઈન્ડો-પેસિફિક, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં મુખ્ય સુરક્ષા મુદ્દાઓનું સંચાલન કરી શકાય. પરંતુ નાટો ઉત્તર એટલાન્ટિક સંધિનું સંગઠન છે. કોઈ ગમે તે કહે, ભૂગોળ એ ભૂગોળ છે: ઈન્ડો-પેસિફિક ઉત્તર એટલાન્ટિક નથી!

પરંતુ નાટોના સેક્રેટરી જનરલ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે ટોકિયોમાં કાર્યાલયનો વિચાર હજુ ચર્ચા હેઠળ છે. જો કે પ્રસ્તાવિત જાપાન ઓફિસ લશ્કરી થાણું નહીં હોય. ચીનની વધતી સૈન્યશક્તિથી ચિંતિત અમેરિકાએ જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા એશિયન દેશો સાથે ટેકનોલોજી વહેંચવા અને સંબંધો બાંધવા ટ્રાન્સએટલાન્ટિક જોડાણ માટે દબાણ કર્યું છે. સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે નાટો ચીનના ભારે સૈન્ય નિર્માણ અને તેના પરમાણુ વિસ્તરણ કાર્યક્રમથી ચિંતિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ક્ષેત્રમાં નાટોની ભૂમિકા વૈશ્વિક સૈન્ય જોડાણ બનવાની નથી પરંતુ ઈન્ડો-પેસિફિકમાં બનતા બનાવની અસર યુરોપ પર પણ પડે છે. સુરક્ષા પ્રાદેશિક મુદ્દો નથી, પણ વૈશ્વિક મુદ્દો છે. આગામી સમયમાં આ મુદ્દો નાટો અને ચીન વચ્ચે ઘર્ષણનું કારણ બની શકે છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top