SURAT

મોબાઇલ ફોન નહીં મળે તો બાળકો ઘર છોડી દે છે, સુરતમાં 5 વર્ષમાં 3 હજારથી વધુ બાળકો ગુમ

સુરત : 25 મેની ઉજવણી નેશનલ મિસિંગ ચાઇલ્ડ ડે તરીકે કરવામાં આવે છે. બાળકો ગુમ થવાના અનેક કારણો હોય છે પરંતુ તેમને શોધવાની કામગીરી ખૂબ મહત્વની સાબિત થાય છે. આ બાબતે સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં ગુમ થયેલા બાળકોને શોધવાની ટકાવારીમાં સુરત આખા રાજ્યમાં ચોથા ક્રમે રહ્યું છે. સુરતમાંથી છેલ્લા 5 વર્ષમાં 14 વર્ષ સુધીના, 15 થી 18 વય જૂથના અને 18 થી ઉપરની વયના કુલ 15,597 લોકો ગુમ થયા છે. જેની સામે 12,593 પરત મળી આવ્યા છે. સુરતમાંથી હજી પણ 3004 ગુમ બાળક-બાળકીઓ મળી આવ્યા નથી. આવા બાળકોને શોધવા માટે રાજ્યના સિઆઈડી ક્રાઈમના વુમન સેલ સાથે કામ કરતી ફ્રેન્ડ્સ ફોર વુમન એન્ડ ચાઈલ્ડ (મહિલા અને બાળ મિત્ર) સંસ્થા સમગ્ર રાજ્યમાં સક્રિય રીતે કામ કરી રહી છે.

  • આજે નેશનલ મિસિંગ ચાઇલ્ડ ડે: સુરતમાં હજી પણ 3004 બાળક-બાળકીઓ ગુમ છે
  • મોબાઇલ ફોન નહીં મળતા કે ભણવાના બાબતે ઠપકો મળતા બાળકો ઘર છોડે છે
  • મનગમતિ વસ્તુઓ નહીં મળતા તેમજ માતા-પિતાએ ભણતર બાબતે ઠપકો આપતા બાળકો ઘર છોડીને ચાલી નિકળે છે
  • ઇન્ટરનેશનલ મિસિંગ ચિલ્ડ્રન ડે : વિતેલા પાંચ વર્ષમાં સુરતમાંથી બાળકો સહિત 15 હજારથી વધુ લોકો ગુમ થયા, 12,593 પરત મળી આવ્યા

મહિલા અને બાલમિત્રના ગુજરાતના કો.ઓર્ડીનેટર પિયુષભાઈ શાહે જણાવ્યું હતું કે, તેમના સહિત સુરતમાં 80 સભ્યો સંસ્થા સાથે જોડાયેલા છે. પોલીસની સાથે બાલમિત્ર સંસ્થા ગુમ બાળકોને શોધે છે. પોલીસ દ્વારા જાન્યુઆરી 2021થી માર્ચ 2022 સુધીમાં કુલ 6 ડ્રાઈવ રાખવામાં આવી હતી. સુરત શહેર પોલીસની મિસિંગ સેલ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા કુલ 641 બાળકોને શોધવામાં આવ્યા હતાં.

બાળકો ગુમ થવાના મુખ્ય કારણ
1 ) મનગમતી વસ્તુ વાલીઓ નહીં અપાવે તો બાળકો ઘર છોડીને જતાં રહે છે.
2) પારિવારિક ઝગડાઓથી બાળકો નાસીપાસ થઇને ઘર છોડતા હોવાના કિસ્સા પણ બન્યા છે.
3 ) માતા પિતા દ્વારા ભણવા અંગે ઠપકો પણ બાળકો ગુમ થવા પાછળનું કારણ છે.
4 ) મોબાઇલની જરૂરિયાત પૂરી નહીં થતા બાળકો ઘર છોડીને જતા રહે છે.
5 ) પાંચ વર્ષ સુધીના બાળક રમતાં રમતાં ગુમ થઇ જાય છે.

(ક્વોટ) ટેક્નોલોજી પણ મિસિંગ બાળકોને શોધવા માટે ખુબ ઉપયોગી
રાજ્યના સિઆઈડી ક્રાઇમના વુમન સેલના એડી.ડીજી અનિલ પ્રથમે ગુજરાત મિત્ર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ટ્રેક ધ ચાઈલ્ડ સરકારી વેબસાઈટ ઉપર ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ગુમ થયેલા તેમજ મળી આવેલા બાળકોની નોંધ કરવામાં આવે છે. મહિલા અને બાળ મિત્રની પણ એક એપ્લિકેશન છે તેમજ તેમના વોટ્સએપ ગ્રુપમાં મિસિંગ બાળકોના ફોટો ફરતા કરવામાં આવે છે. વેબસાઈટના માધ્યમથી પણ ઘણા બાળકોને શોધવામાં પોલીસ અને સ્વૈચ્છિક સંસ્થાઓને સફળતા મળી છે. FFWC અને પોલીસ દ્વારા સમયાંતરે સ્પેશિયલ ડ્રાઈવ પણ રાખવામાં આવે છે. જેમાં પોલીસ ગુમ બાળકોના માતા પિતાને મળીને તેઓ પરત આવ્યા છે કે નહીં. તેમજ પોલીસ તપાસ કરી રહી છે કે નહીં તેની ખાતરી કરવામાં આવે છે.

પોલીસ અને બાળમિત્ર સંસ્થાની કામગીરી
ગુમ બાળકોના માતા પિતાને મળીને બાળકોનું વર્ણન, તેને ગમતી ન ગમતી બાબતો તેમજ તેના મિત્રો પરીવારની માહિતી મેળવીને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, ઘર નજીકની માર્કેટો તેમજ જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા તેમજ ભીખ માંગતા બાળકોને આઇડેન્ટિ ફાઈ કરવામાં આવે છે. ચાઈલ્ડ પોર્ટલ ઉપર અપલોડ કરાયેલી માહિતી અને ફોટાઓની સરખામણી કરીને પણ બાળકોને શોધવું આજના ટેકનોલોજીના યુગમાં શક્ય બન્યું છે.

Most Popular

To Top