પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે નંબર 48 (National Highway No.48) પોલીસ મથક સામેના ઓવરબ્રિજ પરથી સુરત તરફ જતી બાઇકને કોઈ અજાણ્યા કારચાલકે ટક્કર મારતા બાઇક ચાલક હાઇવેના બ્રિજ (Bridge) પરથી અંદાજે 12 થી 15 ફૂટની ઊંચાઈથી નીચે પટકાયો હતો. જે ઘટના ત્યાંથી પસાર થતા લોકોને ધ્યાને આવતા લોકો દોડી ગયા હતા. ત્યાં એકત્ર થયેલા લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાઈક (Bike) ચાલક યુવાનને તાત્કાલિક નજીકની પારડી હોસ્પિટલ લઈ જઈ દાખલ કર્યો હતો.
આ બનાવની જાણ થતાં પારડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસ પારડી હોસ્પિટલ પહોંચી તપાસ કરતાં બાઇક ચાલક ચીખલીના વેલણપોર ગામનો નિમેષ નરોત્તમ પટેલ હોવાની ઓળખ થઇ હતી. આ બાબતે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કરી જાણ કરી હતી. જોકે બનાવ સ્થળે હાઇવે પર એક ક્રેન બગડી જતા ત્યાં ઉભી હતી. જેના કારણે અકસ્માત સર્જાયો હોવાનું મનાઈ રહ્યું હતું.
ખેરગામના વાવ ફાટક પાસે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
ખેરગામ : ખેરગામ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ફરિયાદી હિતેશ બાબુ પટેલ (રહે.ખેરગામ ભવાની નગર સોસાયટી)ના કાકા મનુ મગજી પટેલ (રહે.ખેરગામ ભવાનીનગર) પોતાની મોટર સાયકલ લઈને ખેરગામથી વલસાડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે એક નંબર વગરની બુલેટનો ચાલક વલસાડથી ખેરગામ તરફ આવી રહ્યો હતો. દરમ્યાન બંને બાઇક સામસામે અથડાતા મનુભાઈ રોડની નીચે પટકાતા તેમને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તત્કાલોક 108 મારફત હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેમને તબીબે મૃત જાહેર કર્યા હતા. અચાનક થયેલા મોતથી તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી હતી. બનાવમાં પોલીસે અજાણ્યા નંબર વગરની બુલેટના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના પીએસઆઇ જે.વી.ચાવડા કરી રહ્યા છે.