વ્યારા: (Vyara) સોનગઢ માંડળ ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ (Toll) મુક્તિની માંગ સાથે ટોળું એકઠું થયું હતું. સઘન પોલીસ (Police) બંદોબસ્ત વચ્ચે કલાકો સુધી કચેરી સામે ઉભાં રહી વહીવટકર્તાઓ સામે રોષ ઠાલવ્યો હતો. ટોલ પ્લાઝા ના હાજર અધિકારીઓ એ ટોલ મુકિત અંગેનો નિર્ણય લેવાની સત્તા નેશનલ હાઇવે ઓથોરિટી (National Highway Authority) અથવા સરકારની હોય જે તે વિભાગનાં સક્ષમ અધિકારીને ટોલ મુકિત માટે રજૂઆત કરવાનું કહી આ મામલે હાથ ખંખેરી લીધા હતા.
- ચૂંટણી પૂરી થતાં જ માંડળ ટોલનાકા પર સ્થાનિકો પાસે ટોલ વસૂલવાનું શરૂ
- ટોલ મુક્તિની માંગ સાથે ટોલનાકા ઉપર સ્થાનિકોનું ટોળું ઉમટ્યું
ગત વર્ષોમાં ચૂંટણી સમય માંડળ ટોલનાકા પરથી ટોલ મુકિત આપવામાં આવી હતી. પરંતુ ચૂંટણી પુર્ણ થતાંની સાથે જ જૈસે થે ની સ્થિતિમાં ટોલ ટેક્સ વસૂલવાની ગતિવિધિ શરૂ કરી દેવાતી હોય લોકો રાજકીય પક્ષોની લોભામણી વાતોથી વર્ષોથી છેતરાઇ રહ્યા છે. ચૂંટણી સમયે માંડળ ટોલ નાકું રાજકીય અખાડો બની જાય છે. ચૂંટણી સમય આંદોલનમાં દેખાતાં નેતાઓ ચૂંટણી પૂરી થયા પછીનાં આંદોલનમાં દેખાતા નથી. જેથી આ લડત પ્રજાએ એકલાં હાથે લડવી પડે છે. જેનાં કારણે તેઓની આ સમસ્યાનો વર્ષોથી અંત આવતો નથી. આજે રવિવારે યોજાયેલા આંદોલનમાં પણ એવું જ થયું છે. એક પણ નેતા અહીં ફરક્યો ન હતો.
આજે માંડળ ટોલનાકા પર સ્થાનિક વાહનોને ટોલ મુકિત આપવા બાબતે અપાયેલી લેખિત બાંહેધરી અંગે જવાબ માંગવા માટે લોકો ઉમટ્યાં હતાં. લોકોનું કહેવું છે કે સ્થાનિક વાહનો પાસે ટોલ નહીં લેવાની નેતાઓ સમક્ષ અપાયેલી લેખિત બાંહેધરી પછી ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે. રવિવારે ટોલ પ્લાજાના અધિકારી રજા પર હોવાથી આંદોલનકારીઓને તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. આંદોલનકારીઓએ લેખિત બાંહેધરી બાબતે પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્લાઝા પર કલાકોની રકઝક બાદ આંદોલન સ્થળેથી સ્થાનિકો આજ પુરતું આંદોલન સમેટ્યું હતું.