સુરત: (Surat) શહેરના ભટાર ખાતે રહેતા કાપડ વેપારીને ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર બિભત્સ ગાળો અને ફોટો અપલોડ કરનાર આરોપી તેની પત્ની જ નીકળી હતી. સાયબર ક્રાઈમ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ઉમાભવન ખાતે હરેક્રિષ્ણા એપાર્ટમેન્ટમાં રહેતા 30 વર્ષીય દિક્ષિત જોધરાજભાઈ ખત્રીએ બે દિવસ પહેલા સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઇન્સ્ટાગ્રામ ઉપર છેલ્લા પાંચ વર્ષથી એકાઉન્ટ ધરાવે છે. ગત 25 એપ્રિલના સાંજે ઇન્સ્ટાગ્રામ ઉપર તેમને બિભત્સ મેસેજ (Nasty message) આવ્યા હતા. અને બિભત્સ ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરવાની ધમકી આપી હતી. વેપારીએ આ એકાઉન્ટ બ્લોક કરી દેતા બીજા એકાઉન્ટ પરથી ફરી આવા જ મેસેજ આવ્યા હતાં.
ત્યારબાદ 7 મે ના રોજ નવા ઇન્સ્ટાગ્રામ પરથી રિકવેસ્ટ આવી હતી. આ આઈડી પર જોતા વેપારીના બિભત્સ ફોટો પ્રોફાઈલમાં મૂક્યાં હતા. આ અંગે વેપારીએ ફરિયાદ દાખલ કરાવતા સાયબર ક્રાઈમ પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વેપારીને તેની પત્ની રિંકુ (ઉ.વ.૨૯)એ જ આ બિભત્સ મેસેજ મોકલી ફોટો અપલોડ કર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે વેપારીની પત્નીની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બંને પતિ અને પત્ની દોઢેક વર્ષથી અલગ રહે છે. પત્નીએ તેનું ફ્રસ્ટ્રેશન સોશિયલ મિડીયા ઉપર કાઢયું હતું. હાલ તેણી બનાસકાંઠા ડીસા રહે છે.
અમરોલીમાં પરિણીતા પર પતિના મિત્રએ દુષ્કર્મ આચરી હત્યાની ધમકી આપી
સુરત: રહેતી સાધનાબેન (નામ બદલ્યું છે) કટલેરીનો સામાન વેચવાનું કામ કરે છે. તેઓ પતિ અને ત્રણ સંતાનો સાથે રહે છે. ગત નવેમ્બર 2020 ના રોજ સાધનાબેનના પતિનો મિત્ર દડુભાઈ સોલંકી (રહે, કોસાડ આવાસ) ઘરે ચા પીવા આવ્યો હતો. બાદમાં કોઈક રીતે સાધનાબેનનો નંબર મેળવી તેમને ફોન કર્યો હતો. ફોન કરીને દડુભાઈએ તેના પુત્રના લગ્ન હોવાથી તેમને કટલેરીનો સામાન લેવો છે તેમ કહી સાધનાબેનને તેના ઘરે બોલાવી હતી. સાધનાબેન દડુભાઈના ઘરે જતા દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ જો કોઈને જાણ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દડુ સતત સાધનાબેનને ધમકાવતો અને પાછા ઘરે આવવા દબાણ કરતો હતો. જેથી કંટાળી અંતે તેને પતિને જાણ કરી હતી. મંગળવારે પતિ સાથે અમરોલી પોલીસ સ્ટેશનમાં જઈને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે.