ભારતીય મૂળના અમિત ક્ષત્રિય નાસામાં 20 વર્ષથી કાર્યરત છે. તેમની સુદીર્ધ કારકિર્દીમાં તેમણે નાસામાં ચાવીરૂપ હોદ્દા સંભાળ્યા છે, નાસાએ વધુ એક વખત તેમને સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોગ્રામની જવાબદારી સોંપી છે. આદિકાળથી માણસની સીધી નજર સૂર્ય અને ચંદ્ર સુધી પહોંચી શકતી હતી એટલે માનવજાતને આ બંને તરફનું અજબ આકર્ષણ રહેતું આવે છે. 20મી સદીમાં ટેકનોલોજીનો વિકાસ થયો અને માનવ અંતરિક્ષમાં પહોંચવા સક્ષમ બન્યો એટલે સૌથી પહેલું ધ્યાન ચંદ્ર પર પડ્યું.
રશિયા-અમેરિકા વચ્ચે કોલ્ડવોરના ભાગરૂપે સ્પેસ સ્પર્ધા ચાલતી હતી. કોણ પહેલાં આકાશ આંબે તેની હોડ વચ્ચે રશિયાએ લુના પ્રોગ્રામ શરૂ કર્યો અને અમેરિકાએ એપોલો મિશન હાથ ધર્યું. ચડસાચડસીના એ દૌરમાં આખરે અમેરિકાએ 1969માં ચંદ્રની ધરતી પર માણસને ઉતારીને ઈતિહાસ રચી દીધો. 1969થી 1972 સુધીમાં અમેરિકાએ 12 માનવીઓને ચંદ્ર પર મોકલ્યા અને અંતરિક્ષના ક્ષેત્રમાં સંશોધનની નવી શક્યતા સર્જાઈ.
ચંદ્રની સમાંતરે માણસની નજર સૂર્યના રહસ્યને પામવા તરફ પણ મંડાઈ હતી, પણ અંતરિક્ષ ટેકનોલોજી એટલી વિકસી ન હતી કે સૂર્યના મિશન અંગે વિચારી શકાય. છેક 2018માં પાર્કર સોલાર પ્રોબ મોકલીને નાસાએ સૂર્યનો વૈજ્ઞાનિક અભ્યાસ હાથ ધર્યો હતો. જ્યારે મોટાભાગના સંશોધકોનું ધ્યાન ચંદ્ર પર હતું ત્યારે યુજીન પાર્કર નામના ખગોળવિજ્ઞાનીએ સૂર્યને સમજવાની મથામણ 1950-60ના દસકામાં કરી હતી. આ મહાન ખગોળશાસ્ત્રીના નામનું સૂર્યયાન સાત વર્ષના અભ્યાસ દરમિયાન માનવજાતને સૂર્યના કેટલાય અણધાર્યા રહસ્યોનો પરિચય કરાવશે.
ચંદ્ર-સૂર્ય પછી અવકાશ એજન્સીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હોય એવો મહત્ત્વનો ગ્રહ છે – મંગળ. ૧૯ મે, ૧૯૬૪ના દિવસે અમેરિકન અવકાશી સંશોધન સંસ્થા નાસાએ રવાના કરેલું મરિનર-૪ મંગળ ઉપર ૧૫ જૂન, ૧૯૬૫ના રોજ પહોંચીને પોતાની કામગીરી શરૂ કરે એ પહેલાં રશિયાના પાંચ અને નાસાના એક મળી મંગળ સુધી પહોંચવાના કુલ છ નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા. રશિયાનું મહત્ત્વાકાંક્ષી મિશન માર્સ-૨ મંગળ સફળ લેન્ડ તો થયું, પરંતુ તેના નામે મંગળની સપાટી ઉપર પહોંચનારા માનવસર્જિત પ્રથમ પદાર્થ તરીકેનું સન્માન જરૂર નોંધાઈ ગયું. ડસ્ટ અને નબળા વાતાવરણને કારણે તે તેના સમકાલીન નાસાના મરિનર-૯ની લગોલગ કામ કરી શક્યું નહીં, પણ મંગળ ઉપર જઈને તૂટી પડયું અને તેના માથે નિષ્ફળતાનું લેબલ લાગી ગયું. અમેરિકા-રશિયાએ મંગળમિશન શરૂ રાખ્યા. તે ઉપરાંત ચીન-ભારત-યુરોપિયન સ્પેસ એજન્સી, UAEએ પણ મંગળયાન મોકલવામાં સફળતા મેળવી છે. પ્રથમ પ્રયાસે મંગળ પર પહોંચનારો ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે.
ચંદ્ર અને મંગળ પર સતત સંશોધનો થઈ રહ્યાં છે. યાનો મોકલવામાં આવી રહ્યાં છે. મંગળ પર સમાનવયાન મોકલવા માટે નાસા પ્રયાસો કરે છે. તેના ભાગરૂપે જ નાસાએ ફરીથી ચંદ્ર પર સમાનવયાન મોકલવાની જાહેરાત કરી છે. નાસાના વિજ્ઞાનિકો માને છે કે સીધું મંગળ પર પહોંચવાનું કામ કપરું છે. તેના બદલે પૃથ્વીથી ચંદ્ર અને ચંદ્રની મંગળની ફ્લાઈટનો રૂટ તૈયાર કરવામાં આવે તો મિશન સફળ થવાની શક્યતા વધી જાય છે. તેના કારણે નાસા હવે સીધું પૃથ્વી પરથી મંગળમિશન આગળ વધારવાને બદલે ચંદ્રથી મંગળ સુધી પહોંચવા માગે છે. એ માટે નાસાએ ચંદ્રથી મંગળ પ્રોગ્રામ શરૂ કર્યો છે.
***
નાસાએ ચંદ્રથી મંગળ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો તેના પ્રથમ વડા તરીકે ભારતીય મૂળના સોફ્ટવેર-રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય પર પસંદગી ઉતારી છે. અમિત ક્ષત્રિયની સ્પેસ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી છે. તેઓ નાસામાં છેલ્લાં 20 વર્ષથી કાર્યરત છે અને વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂક્યા છે. હવે તેમની જવાબદારી મૂન ટુ માર્સ પ્રોગ્રામની રહેશે.
ભારતીય મૂળના સોફ્ટવેર-રોબોટિક્સ એન્જિનિયર અમિત ક્ષત્રિય 2003માં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નાસામાં જોડાયા હતા. એ પછી તેમને રોબોટિક્સ અને સોફ્ટવેરના ક્ષેત્રે મહત્ત્વના મિશનમાં કામ કરવાની તક મળી. તેમણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોબોટિક્સ એસેમ્બલીમાં વડાની ભૂમિકા પણ ભજવી હતી. 2014થી 2017 દરમિયાન સ્પેસ સ્ટેશન ફ્લાઈટ ડિરેક્ટર તરીકે કાર્યરત રહ્યા. 2017થી 2021 સુધી અમિત ક્ષત્રિયને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના વ્હિકલ ઓફિસમાં ડેપ્યુટી મેનેજર અને પછી એક્ટિંગ મેનેજર બનાવાયા. 2021થી તેઓ નાસાના હેડક્વાર્ટરમાં એક્સપ્લોરેશન સિસ્ટમ ડેવલપમેન્ટ મિશન ડાયરેક્ટોરેટમાં ડેપ્યુટી એસોસિએટ એડમિનિસ્ટ્રેટર હતા.
રોબોટિક્સ-સોફ્ટવેર એન્જિનિયર અમિત ક્ષત્રિય હવે નાસાના નવા પ્રોગ્રામના સ્વતંત્ર વડા બન્યા છે અને તેમણે સીધું રિપોર્ટિંગ નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર જિમ ફ્રીને કરવાનું થશે. અમિત ક્ષત્રિયનું કામ ચંદ્રને એક રીતે મંગળ પર પહોંચવા માટે લોંચ પેડ બનાવવાની શક્યતા તલાશવાનું રહેશે. આ પ્રોગ્રામની જવાબદારી તેમને અપાતા અમિત ક્ષત્રિયનો સમાવેશ નાસાના ટોચના અધિકારીઓમાં થયો છે. અમિત ક્ષત્રિય નાસામાં ઐતિહાસિક જવાબદારી ઉપાડશે.
નાસાના પ્રમુખ બિલ નેલ્સને અમિત ક્ષત્રિયની પ્રશંસા કરતા કહ્યું હતું કે અમિત ક્ષત્રિય કુશળ રોબોટિક્સ-સોફ્ટવેર એન્જિનિયર છે અને મેનેજમેન્ટની સ્કિલ પણ તેમણે સાબિત કરી છે. અમિતને નાસાના ખૂબ જ ચાવીરૂપ પ્રોગ્રામની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમય અંતરિક્ષ વિજ્ઞાન માટે સુવર્ણયુગ છે અને નાસાની આ નવી ઓફિસ માર્સ મિશન માટે મહેનત કરશે. આ પ્રોગ્રામ હેઠળ હાર્ડવેર બનાવાશે, રિસ્ક મેનેજમેન્ટનું એનાલિસિસ થશે. ગ્રાઉન્ડ સિસ્ટમથી લઈને સ્પેસ લોંચ સિસ્ટમ સુધીની જવાબદારી આ ઓફિસની રહેશે.
***
અમિત ક્ષત્રિયનો જન્મ અમેરિકાના બ્રુકફિલ્ડમાં થયો હતો. તેમના પેરેન્ટ્સ ભારતમાંથી અમેરિકા વસ્યા હતા. કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટમાંથી B.Sc. થયેલા અમિત ક્ષત્રિયે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ગણિતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. નાસામાં તેમને ખૂબ પ્રતિષ્ઠિત કહેવાય એવો આઉટસ્ટેન્ડિંગ લીડરશિપનો અવોર્ડ પણ મળી ચૂક્યો છે.
નાસામાં ઘણાં ભારતીય મૂળના વિજ્ઞાનીઓ, સંશોધકો, અવકાશયાત્રીઓ સક્રિય છે. કેટલાય ખૂબ જ વ્યૂહાત્મક પ્રોગ્રામમાં કાર્યરત છે અને પોતાની કુશળતાથી નાસાના ટોચના અધિકારીઓને પ્રભાવિત કરી રહ્યા છે. અમિત ક્ષત્રિય એમાંનું એક નામ છે. 20 વર્ષની એકધારી મહેનતથી અમિત ક્ષત્રિયને નાસાના ઉચ્ચ અધિકારીઓની પેનલમાં સ્થાન મળ્યું છે.
નાસામાં ઐતિહાસિક ચંદ્રથી મંગળ પ્રોગ્રામના વડા અમિત ક્ષત્રિયે પ્રોફેશનાલિઝમ અને કરિયર બાબતે એક વખત કહ્યું હતું : ‘‘તમને અપાયેલો પ્રોજેક્ટ કોઈ જ પૂર્વગ્રહ વગર પૂરો કરો. કામ કરતા હોય ત્યારે માત્ર કામ કરો, બીજી પ્રવૃત્તિમાં સમય ન વેડફો, રજાઓ કે વેકેશનમાં બધું મૂકીને પરિવારને સમય આપો, આનંદ મેળવો અને તાજામાજા થઈને ફરીથી કામે વળગો – બસ, પ્રોફેશનલ સફળતા માટે બીજા કોઈ રોકેટ સાયન્સની જરૂર નથી!’’
– હરિત મુનશી