Business

નાસા ભારતના કયા કૃત્રિમ ઉપગ્રહનું લોંચીંગ કરશે?

અવકાશ કાર્યક્રમમાં જે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે ક્ષેત્રો કયાં છે? તે ક્ષેત્રો પૃથ્વી નિરીક્ષણ, હવામાનની આગાહી, રાષ્ટ્રીય સંસાધન સ્ત્રોતોનું મેપીંગ વગેરે છે. ‘ગગન’ અને ‘નેવિક’ કૃત્રિમ ઉપગ્રહોનું આ ક્ષેત્રોમાં બહુમૂલ્ય પ્રદાન છે? ‘કૃત્રિમ ઉપગ્રહોના સહારે નેવિગેશન’ એ ક્ષેત્રમાં તેમનું બહુમૂલ્ય પ્રદાન છે. વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૮ સુધીમાં કયા દેશોએ કૃત્રિમ ઉપગ્રહોને લોંચ કર્યા? આ સમયગાળામાં પ્રત્યેક વર્ષ દરમ્યાન અમેરિકા, રશિયા, ચીન, યુરોપિયન અવકાશ એજન્સી અને ભારત દ્વારા કૃત્રિમ ઉપગ્રહોને અવકાશમાં લોંચ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા. અવકાશક્ષેત્ર માટે તેમણે કેટલું બજેટ ફાળવ્યું હતું?

આ હેતુથી અમેરિકાએ ૧૯ અબજ ૫૦ કરોડ ડોલર, ચીને ૧૧ અબજ ડોલર, રશિયાએ ૩ અબજ ૩૦ કરોડ ડોલર અને ભારતે ૧ અબજ ૫૦ કરોડ ડોલરનું બજેટ ફાળવ્યું હતું. ઇરાને તેના કૃત્રિમ ઉપગ્રહને કયારે લોંચ કર્યો? તેણે તેના પહેલા કૃત્રિમ ઉપગ્રહ ‘નૂર’ને ૨૨મી એપ્રિલ,૨૦૨૦ ના રોજ લોંચ કર્યો. નાસા ભારતના ત્રણ સ્કોલરોએ બનાવેલા કયા કૃત્રિમ ઉપગ્રહનું લોંચીંગ કરશે? નાસા ભારતના ત્રણ સ્કોલરોએ બનાવેલા ૩ સે.મી.ની સાઇઝ ધરાવતાં કૃત્રિમ ઉપગ્રહનું અવકાશમાં લોંચીંગ કરશે. ઇસરોના ‘જીસેટ-૩૦’ કૃત્રિમ ઉપગ્રહનું કયારે અવકાશમાં પ્રક્ષેપન કરવામાં આવ્યું? આ કૃત્રિમ ઉપગ્રહનું ૧૭ મી જાન્યુઆરી ૨૦૨૦માં અવકાશમાં પ્રક્ષેપન કરવામાં આવ્યું. આ કૃત્રિમ ઉપગ્રહનું વજન કેટલું છે? તેનું વજન ૩૩૫૭ કિ.ગ્રા. છે. ‘દક્ષિણ એટલાન્ટિક એનોમલી’નો પ્રદેશ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે કેવો ભાગ ભજવે છે? આ પ્રદેશ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે એક પ્રહારરૂપ ભાગ ભજવે છે! પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રોમાં સપડાઇ ગયેલાં વીજભારિત દ્રવ્યકણો શાને અસર પહોંચાડે છે? આ વીજભારિત દ્રવ્યકણો આકાશમાંથી પસાર થઇ રહેલા કૃત્રિમ ઉપગ્રહોને પ્રતિકૂળ અસર પહોંચાડે છે. જો કોઇ કૃત્રિમ ઉપગ્રહ ઉચ્ચ ઊર્જા ધરાવતાં પ્રોટોન દ્રવ્યકણ સાથે અથડામણમાં આવે તો શું પરિણામ આવે? જો કોઇક કૃત્રિમ ઉપગ્રહ ઉચ્ચ ઊર્જા ભારિત પ્રોટોન સાથે અથડામણમાં આવે તો તેમાં ક્ષણિક ખામી અથવા કાયમી નુકસાન ઉદ્‌ભવી શકે! તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

અવકાશ કાર્યક્રમમાં જેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, તે ક્ષેત્રો કયાં છે?

અવકાશ કાર્યક્રમના કેન્દ્રસ્થાનમાં જે ચાવીરૂપ ક્ષેત્રો છે, તેમાં કૃત્રિમ ઉપગ્રહ આધારિત સંદેશાવ્યવહાર મુખ્ય છે. તેમાં ‘ઇનસેટ’, ‘જીસેટ’ પ્રણાલીઓ દૂર સંદેશાવ્યવહાર (ટેલિકોમ્યુનિકેશન) કાર્યક્રમ પ્રસારણ અને કૃત્રિમ ઉપગ્રહ આધારિત બ્રોડબેન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર આધુનિક યુગમાં જે તે દેશની કરોડરજજુ સમાન છે. જેમના પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તેવાં ક્ષેત્રો પૃથ્વી નિરીક્ષણ, અવકાશ આધારિત માહિતીનો ઉપયોગ કરીને હવામાનની આગાહી, આપત્તિ, વ્યવસ્થાપન, રાષ્ટ્રીય સંસાધન સ્ત્રોતો જેવા કે ખનિજોની ખાણનું મેપીંગ અને વ્યવસ્થાપન છે.

અન્ય એક ક્ષેત્ર જેમાં ‘ગગન’ અને ‘નેવિક’નું પ્રદાન છે, તે કૃત્રિમ ઉપગ્રહના સહારે નેવિગેશન (વહાણ, અવકાશયાન વગેરેનો માર્ગ નકકી કરવો) છે. ‘ગગન’ કે જે ભારતની અવકાશ અને સંશોધન સંસ્થા ‘ઇસરો’ અને ભારતના એરપોર્ટ ઓથોરીટીનો સંયુકત પ્રોજેકટ છે, તે સિવિલ ઉડ્ડયન પ્રાયોજનોમાં ચોકસાઇ અને સુમેળ જાળવવા માટે અને હવાઇ ટ્રાફિક વ્યવસ્થાપનને બહેતર બનાવવા માટે જેતે સંબંધિત વિસ્તારના ‘GPS’ (ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ) કવરેજ ક્ષેત્રમાં વધારો કરે છે. પ્રાદેશિક ‘નેવીક’ નેવિગેશન પ્રણાલીને પણ સ્થિતિ, નેવિગેશન અને ટાઇમિંગ સેવાઓ પૂરી પાડવાના હેતુથી સ્થાપિત કરવામાં આવી છે.

 ૨૦૧૪ થી ૨૦૧૮ સુધીમાં કયા દેશોએ કેટલા કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂકયા?

 ૨૦૧૪થી માંડીને ૨૦૧૮ સુધીનાં પાંચ વર્ષોમાં અમેરિકાના પ્રત્યેક વર્ષમાં અનુક્રમે ૨૩, ૨૦, ૨૨, ૨૯ અને ૩૧ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવાના પ્રયત્નોમાં ફકત ૨૦૧૪માં તેના ૨૩ માંના ફકત એક કૃત્રિમ ઉપગ્રહને તરતો મૂકવામાં તેને નિષ્ફળતા મળી હતી. બાકીના તમામ કૃત્રિમ ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોંચીંગ કરી શકાયું.

આ સમયગાળામાં રશિયાએ પ્રત્યેક વર્ષ દરમ્યાન અનુક્રમે ૩૭, ૨૯, ૧૯, ૨૦ અને ૨૦ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકવાના પ્રયત્નોમાં પ્રત્યેક વર્ષ દરમ્યાન અનુક્રમે ૩, ૩, ૧, ૧ અને ૧ કૃત્રિમ ઉપગ્રહનું લોંચીંગ કરવામાં તેને નિષ્ફળતા સાંપડી હતી. બાકીના તમામ કૃત્રિમ ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોંચીંગ કરી શકાયું હતું.

ચીન દ્વારા આ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન પ્રત્યેક વર્ષમાં અનુક્રમે ૧૬, ૧૯, ૨૨, ૧૮ અને ૩૯ કૃત્રિમ ઉપગ્રહો અવકાશમાં મૂકવાના પ્રયત્નોમાં તેને ૨૦૧૪ માં ૧ અને ૨૦૧૮ માં ૧ કૃત્રિમ ઉપગ્રહનું અવકાશમાં પ્રક્ષેપણ કરવામાં નિષ્ફળતા સાંપડી હતી. બાકીના તમામ કૃત્રિમ ઉપગ્રહોને સફળતાપૂર્વક લોંચ કરી શકાયા હતા.

યુરોપિય ન અવકાશ એજન્સી (ESA) દ્વારા આ પાંચમાંના પ્રત્યેક વર્ષ દરમ્યાન ૭, ૯, ૯, ૯ અને ૮ કૃત્રિમ ઉપગ્રહોને તરતા મૂકવાના પ્રયત્નોમાંથી ફકત ૨૦૧૮ માં ફકત ૧ કૃત્રિમ ઉપગ્રહનું અવકાશમાં લોંચીંગ કરવામાં તેને નિષ્ફળતા મળી હતી. બાકીના તમામ કૃત્રિમ ઉપગ્રહોનું અવકાશમાં સફળતાપૂર્વક લોંચીંગ કરી શકાયું હતું.

ભારત દ્વારા આ પાંચ વર્ષોમાં પ્રત્યેક વર્ષ દરમ્યાન અનુક્રમે ૩, ૪, ૫, ૫ અને ૭ કૃત્રિમ ઉપગ્રહો તરતા મૂકવાના પ્રયત્નોમાં તેને ૨૦૧૭ ના પાંચ કૃત્રિમ ઉપગ્રહોમાંથી એક કૃત્રિમ ઉપગ્રહનું લોંચીંગ કરવામાં નિષ્ફળતા મળી, જયારે બાકીના તમામ કૃત્રિમ ઉપગ્રહોનું સફળતાપૂર્વક લોંચીંગ કરી શકાયું હતું.

૨૦૧૮ માં અવકાશક્ષેત્ર માટે અમેરિકા (નાસા) એ ૧૯ અબજ ૫૦ કરોડ ડોલરનું બજેટ ફાળવ્યું હતું. ચીન (ચાઇના નેશનલ સ્પેસ એજન્સી)એ આ માટે ૧૧ અબજ ડોલરનું બજેટ ફાળવ્યું હતું. રશિયાની ‘રોસ કોસમોસ’ એજન્સીએ આ હેતુથી ૩ અબજ ૩૦ કરોડ ડોલરનું અને ભારતે આ માટે ૧ અબજ ૫૦ કરોડ ડોલરનું બજેટ ફાળવ્યું હતું.

ઇરાન દ્વારા પોતાનો કૃત્રિમ ઉપગ્રહ ‘નૂર’ તરતો મૂકવામાં આવ્યો

એપ્રિલ ૨૨, ૨૦૨૦ ના રોજ ઇરાન દ્વારા પોતાનો પહેલો મિલિટરી સેટેલાઇટ ‘નૂર’ અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. આ કૃત્રિમ ઉપગ્રહને ‘કાસેદ’ નામના લોંચર વાહન પર ગોઠવીને અવકાશમાં રવાના કરવામાં આવ્યો હતો. આ કૃત્રિમ ઉપગ્રહને ‘દસ્તે-ઇ-કાવીર’ લોંચ કેન્દ્ર પરથી પૃથ્વીની સપાટીથી ૪૨૫ કિ.મી.ની ઊંચાઇએ તરતો મૂકવામાં આવ્યો હતો. ૨૦૧૬ પછી ઇરાન દ્વારા સફળતાપૂર્વક લોંચ કરવામાં આવેલો પહેલવહેલો કૃત્રિમ ઉપગ્રહ છે. આ કૃત્રિમ ઉપગ્રહને લોંચ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ઇરાનના ‘રીવોલ્યુશનરી ગાર્ડ્‌સ કોપ્સ’ દ્વારા પાર પાડવામાં આવી હતી.

અમેરિકાની અવકાશ અને સંશોધન સંસ્થા નાસા ભારતના વિદ્યાર્થીઓ જોગ કૃત્રિમ ઉપગ્રહનું અવકાશમાં લોંચીંગ કરશે

તામિલનાડુના ત્રણ સ્કોલરો એમ. આનંદન, એમ. કેશવન અને વી. અરૂણે પ્રયોગાત્મક આધાર પર એક કૃત્રિમ ઉપગ્રહ બનાવ્યો છે. આ સેટેલાઇટને અમેરિકાની અવકાશ અને સંશોધન સંસ્થા નાસા દ્વારા ઉપકક્ષિય અવકાશમાં તરતો મૂકવામાં આવશે. આ કૃત્રિમ ઉપગ્રહનું નિર્માણ આ સ્કોલરોના બે વર્ષના સંશોધનનું પરિણામ છે. આ સેટેલાઇટ ઇનફોર્સડ ગ્રેફીન પોલિમરનો બનાવેલો છે. આ કૃત્રિમ ઉપગ્રહ ફકત ૩ સે.મી. સાઇઝ ધરાવે છે. તેનું વજન ફકત ૬૪ ગ્રામ છે! આ કૃત્રિમ ઉપગ્રહ કે જેને સૌરકોષથી સજજ કરવામાં આવેલો છે, તે સૌરકોષ તેને માટે વિદ્યુતશકિત ઉત્પન્ન કરશે. તેને પોતાની ધ્વનિતરંગ આવૃત્તિઓ છે કે જેઓ બાહ્ય અવકાશમાંથી પૃથ્વી પર અને પૃથ્વી પરથી બાહ્ય અવકાશમાં જથ્થાબંધ મોકલશે.

ઇસરોના કૃત્રિમ ઉપગ્રહ ‘જી સેટ-૩૦’ ને અવકાશમાં લોંચ કરવામાં આવ્યો

ભારતના ‘હાઇ પાવર’ કૃત્રિમ ઉપગ્રહ ‘જી સેટ-૩૦ એન્ડ યુટેલ સેટ કનેકટ’ને ફ્રેન્ચ ગુયાનાના ‘કોઉરૂ’ લોંચ આધાર પરથી ‘એરીઅન-૫, વીએ-૨૫૧’ રોકેટની પીઠ પર બેસાડીને ૧૭મી જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ અવકાશમાં રવાના કરવામાં આવ્યો હતો. અગાઉ ૨૦૦૫ માં જે ‘ઇનસેટ-૪ એ’ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં લોંચ કરવામાં આવ્યો હતો તેનું સ્થાન હવે આ ‘જીસેટ-૩૦’ કૃત્રિમ ઉપગ્રહ લેશે. તે ઓછાંમાં ઓછાં ૧૫ વર્ષ સુધી કાર્યરત રહેશે. આ કૃત્રિમ ઉપગ્રહનું વજન ૩૩૫૭ કિ.ગ્રા. છે. તે DTH ટેલિવિઝન સેવાઓ પૂરી પાડશે. તે વીસેટ ATM, સ્ટોક એકસચેન્જ, ટેલિવિઝન અને ઇ-ગવર્નન્સ પ્રાયોજનોને જોડાણ આપશે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સપડાઇ ગયેલા વીજભારિત દ્રવ્યકણો પૃથ્વીની સપાટીની નજીક પહોંચતા તેમનું વિકિરણ કૃત્રિમ ઉપગ્રહો પર પ્રતિકૂળ અસર કરે

‘દક્ષિણ એટલાન્ટિક અનોમલી’ (દક્ષિણ એટલાન્ટિક અસામાન્યતા, SAA) એ નૈઋત્ય આફ્રિકાથી દક્ષિણ અમેરિકા સુધી વિસ્તરેલો પ્રદેશ છે કે જે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં એક પ્રહાર સ્વરૂપ રોલ બજાવે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં સપડાઇ ગયેલા વીજભારિત દ્રવ્યકણો સામાન્ય કરતાં પૃથ્વીની સપાટીની વધારે નજીક પહોંચે છે. તેમનું આ વિકિરણ આ પ્રદેશની ઉપરના આકાશમાંથી પસાર થઇ રહેલા કૃત્રિમ ઉપગ્રહો પર અને તે ઉપરાંત કમ્પ્યુટરોના કામકાજ પર વિપરીત અસર કરે છે. નાસાના ગોડાર્ડ અવકાશ ઉડ્ડયન કેન્દ્રના વિજ્ઞાનીઓના જણાવ્યા પ્રમાણે આ વિસ્તાર કે જે લઘુતમ ક્ષેત્રશકિત ધરાવતો હતો તે બે સપાટ ગોળાકાર વિસ્તારોમાં વહેંચાઇ ગયો છે. આ દરાર કૃત્રિમ ઉપગ્રહોના આયોજન અને તેમને અવકાશમાં કાર્યાન્વિત કરવા બાબતે સંભવિત વધારાના પડકારો ઊભા કરી શકે.

જો કે આમ તો આ ‘દક્ષિણ એટલાન્ટિક અનોમલી’ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને તીવ્રતાના સંદર્ભમાં નબળી પડી રહી છે. નાસાના આ વિજ્ઞાનીઓના મંતવ્ય પ્રમાણે જે કોઇ કૃત્રિમ ઉપગ્રહ ઉચ્ચ ઊર્જા ધરાવતા પ્રોટોન (ધનભારવાહી દ્રવ્યકણ) સાથે અથડામણમાં આવે તો તેમાં ‘શોર્ટ સર્કીટ’ થઇ શકે અને ‘સિંગલ ઇવેન્ટ અપસેટ’ તરીકે જાણીતી ઘટના એટલે કે કાં તો ક્ષણિક અથવા કાયમી નુકસાનમાંથી કોઇ પણ એક ઘટના ઉદ્‌ભવે.

તેથી આવા વિસ્તારમાંથી પસાર થતી વખતે વિજ્ઞાનીઓ અમુક ચોકકસ સંઘટકોને અથવા સાધનોને બિનકાર્યરત કરી દે છે. ભૂચુંબકત્વ, ભૂભૌતિક અને સૌર ભૌતિકી પર કાર્યરત વિજ્ઞાનીઓ આ વિસ્તાર ભવિષ્યમાં પૃથ્વીના નજદીકી પર્યાવરણને કેવી રીતે અસરગ્રસ્ત કરી શકે તે જાણવા માટે દેખરેખ રાખી રહ્યા છે.

Most Popular

To Top