વોશિંગ્ટનઃ યુએસમાં (US) એક કંપની અવકાશમાંથી (Space) સામાન પહોંચાડવા માટે એક નવી શોધ (Invention) કરવાનો પ્રયત્ન કરી રહી છે. ઈન્વર્ઝન સ્પેસ એક સ્ટાર્ટઅપ(StartUp) કંપની છે. તે અવકાશમાંથી ચીજ-વસ્તુઓની ડિલીવરી પૃથ્વી (Earth) પર શક્ય થઇ શકે તે માટે એક ખાસ કેપ્સ્યુલ ડિઝાઇન કરી રહી છે. તેના દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ અનોખો પ્રયોગ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મોટો ફરક લાવી શકે છે. કંપની એવી કેપ્સ્યુલ બનાવવા માંગે છે કે જેના ઉપયોગથી પૃથ્વી તેમજ સ્પેસ સ્ટેશન પર સામાન પહોંચાડવા અને પરત લાવવુ શક્ય થઈ શકે છે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય તેનો ઉપયોગ કોમર્શિયલ અને ડિફેન્સ સેક્ટરમાં કરવા અંગેનો છે. યુએસમાં સ્થિત સ્પેસ એજન્સી નાસા (NASA) આવા નવા પ્રયોગોમાં નવી ખાનગી કંપનીઓને મદદ કરે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ આવી ટેક્નોલોજી પર કામ કરવાનુ શરુ કર્યુ છે. તેમજ તે નવા પ્રયોગો માટે ખાનગી કંપનીઓને પણ સહકાર આપે છે. જો કે બધું બરાબર રીતે થયુ તો 2025 સુધીમાં આ કેપ્સ્યુલ સૂટકેસ આપણા સૌની વચ્ચે હશે. ઈન્વર્ઝન સ્પેસ કહે છે કે તે તેની સ્પેસ કેપ્સ્યુલ વડે સ્પેસમાંથી દુનિયાના કોઈપણ ખૂણે સામાન પહોંચાડી શકાય તેવી હશે. કંપની 2021 થી 10 મિલિયન ડોલરના ખર્ચમાં આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
- 10 મિલિયન ડોલરના ખર્ચે તૈયાર થશે આ કેપ્સ્યુલ
- આ ખાસ કેપ્સ્યુલ ઈંધણને બદલે સૌર ઉર્જા પર ચાલશે
કેપ્સ્યુલમાં કોઇ ઇંધણની જરૂર નથી
મળતી માહિતી મુજબ આ કેપ્સ્યુલ આજથી 3 વર્ષ પછી એટલે કે 2025 સુધીમાં તૈયાર થઈ જશે. હાલમાં તે ટ્રાયલ સ્ટેજમાં છે. આ કેપ્સ્યુલનો વ્યાસ 1.5 ફૂટ છે. કેપ્સ્યુલ સૂટકેસને ‘રે’ નામ આપવામાં આવ્યું છે. જો કે તે પ્રયોગ દરમિયાન 30,000 ફૂટની ઉંચાઈ પરથી નીચે પડ્યું હતું. વિકસિત થયા બાદ આ કેપ્સ્યુલ અવકાશમાંથી પૃથ્વી પર આવતી વખતે અવાજની ગતિથી 25 ગણી ઝડપે વાતાવરણ સાથે અથડાશે. તથા પેરાશૂટની મદદથી સોફ્ટલેન્ડિંગ કરશે. મહત્વની વાત એ છે કે આ ખાસ કેપ્સ્યુલ ઈંધણને બદલે સૌર ઉર્જા પર ચાલશે. જેથી ઇંધણ પર થતા ખર્ચથી બચી શકાય.
ચાર ફીટ જેટલુ મોટુ હશે કેપ્સ્યુલ
હાલ તેના પર કામ ચાલી રહ્યું છે. 2023માં કંપની ફ્લાઈંગ સૂટકેસની ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. એક ઇન્ટરવ્યુમાં કંપનીએ જણાવ્યુ હતુ કે ભ્રમણકક્ષામાં પહોંચ્યા બાદ આ કેપ્સ્યુલ આપમેળે સ્પેસ સ્ટેશન સુધીનો રસ્તો શોધી લેશે. કંપની ચાર ફૂટના વ્યાસવાળા કેપ્સ્યુલ્સને ડિઝાઇન કરી રહી છે. જેથી વધુ પ્રમાણમાં કાર્ગો પહોંચાડી શકાય. ઈન્વર્ઝન સ્પેસને આશા છે કે આવનારા સમયમાં તે અંતરિક્ષમાં હજારો કેપ્સ્યુલ્સ ઈન્સ્ટોલ કરી શકશે.