નાસાની (NASA) નવી રિસર્ચનો (Research) મુદ્દો છે કે મંગળ (Mars)ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ? તે લોકોની મદદથી જાણવા માંગે છે કે શું મંગળ પર ભૂતકાળમાં જીવન હતું, જો જવાબ ના હોય તો શું ભવિષ્યમાં મંગળ પર જીવન(Life) શક્ય હોઇ શકે છે? જો કે મંગળ પર જીવન શક્ય (possible) છે કે નહિ તેની ગુથ્થી હજી પણ યથાવત છે. પરંતુ લોકોમાં આ જાણવાનો ઘણો ઉત્સાહ છે. તેને ધ્યાનમાં રાખતા નાસાએ એક એવી હરિફાઇનું(Competiton) આયોજન કર્યું છે કે જેથી લોકો દ્વારા જ આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નાસાને મદદ મળે. આ હરિફાઇમાં જીતનાર માટે 30 હજાર ડોલર એટલે કે લગભગ 23 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યુ છે.
વિશ્વના ઘણા દેશો અને તેમના વૈજ્ઞાનિકો મંગળ પર જીવન છે કે નહીં, તે કામમાં પૂરજોશે લાગેલા છે. પરંતુ હવે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ સામાન્ય લોકો માટે એક અવનવી સ્પર્ધા યોજી છે. જેમાં મંગળ પર જીવન હતું કે નહીં તે જાણવા માટે ડેટા એનાલિસિસ કરવાનું રહેશે. જો કોઇ આ કાર્યમાં સફળ થાય અને જો નાસાને તે અંગેની ટેક્નોલોજી પસંદ આવે છે, તો 30 હજાર ડોલર એટલે કે લગભગ 23 લાખ રૂપિયા મળી શકે છે. ક્રાઉડ સોર્સિંગ પ્લેટફોર્મ HeroX નાસાને આ સ્પર્ધાનું આયોજન કરવામાં મદદ કરી રહ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ 18 એપ્રિલ 2022 છે. વધુ જાણકારી માટે HeroX ચેલેન્જ પેજની મુલાકાત લઈને તેની સંપૂર્ણ માહિતી મેળવી શકાય છે. જો કે આ સ્પર્ધાનો હેતુ એક એવું સાધન વિકસાવવાનો છે કે રોવર્સના સ્પેક્ટ્રોમીટર મંગળ પર ખડકો અને તેમની અંદર રહેલા કાર્બનિક પદાર્થોની તપાસ કરી શકે. તે માટે નાસાના પર્સિવરેન્સ અને ક્યુરિયોસિટી રોવર્સ પહેલાથી જ મંગળ પર ફરતા મૂકવામાં આવ્યા છે, જેથી રોવર્સના સ્પેક્ટ્રોમીટરમાંથી ડેટાનું આપમેળે વિશ્લેષણ કરીને તેમનો ડેટા પૃથ્વી પર મોકલી શકે. નાસાનું કહેવું છે કે હવે તમામ લોકોએ આ ડેટાના વિશ્લેષણ માટે એક સાધન બનાવવું પડશે.
એવું માનવામાં આવે છે અને કેટલાક એવા પુરાવા પણ મળ્યા છે કે એક સમયે મંગળ પર જીવન હતું. ત્યાં પણ પાણી હતું. જો કે, જીવન વિશે ચોક્કસ માહિતી મળી નથી. પરંતુ આ બાબતની તપાસ માટે મંગળ પર રોવર્સ મોકલવામાં આવ્યા છે. હવે યુરોપિયન સ્પેસ એજન્સી અને નાસા સંયુક્ત રીતે મંગળ પરથી સેમ્પલ લાવવાનું મિશન હાથ ધરવા જઈ રહ્યા છે. જેથી પૃથ્વી પર તેનું વિશ્લેષણ કરવુ શક્ય બની શકે છે. જીવનની શોધ કે તેને લગતા પુરાવાઓની તપાસ કરી શકાય છે. નાસા ઈચ્છે છે કે આ સ્પર્ધામાં દુનિયાભરના લોકો ભાગ લે. જેથી ભવિષ્યમાં પણ મંગળ પર જીવન શક્ય છે કે કેમ તે જાણવા માટે, વિશ્વના શ્રેષ્ઠ ડેટા વિશ્લેષકો અથવા બુદ્ધિશાળી લોકો મંગળ પરના જીવનના રહસ્યને ખોલવામાં મદદ કરી શકે.