Charchapatra

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા

નર્મદે સર્વદે નર્મદે હર ના મંત્ર જાપ સાથે કરવામાં આવતી મા નર્મદાની ઘણી પરિક્રમા જાણીતી છે.એમાંથી એક પરિક્રમા જે રાજપીપળાના રામપુરાથી શરૂ કરી તિલકવાડા સુધી પદયાત્રા ત્યાંથી નાવડીમાં બેસી નર્મદાના સામે કાંઠે જવાનું હોય.આ વિસ્તારમાં નર્મદા ઉત્તર દિશામાં વહે છે. આથી આ પરિક્રમાને ઉત્તરવાહિની પરિક્રમા કહે છે.ફરી સામે તિલકવાડાથી શરૂ કરી રેંગણ ગામ સુધી પદયાત્રા કરી ત્યાંથી ફરી નાવડીમાં બેસીને સામે રામપુરા જવાથી આ પરિક્રમા પૂર્ણ થાય છે.સંપૂર્ણ પરિક્રમા લગભગ ૨૧ કિલોમીટરની પદયાત્રા જે આશરે ૬ થી ૭ કલાકમાં પૂર્ણ કરાય છે.

ચૈત્ર માસમાં શરૂ થતી આ પરિક્રમાનું આધ્યમિક્તામાં ખાસું મહત્ત્વ છે.હજારો ભક્તો બાળકો,યુવાનો,વડીલો સૌ કોઈ આ પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.આ પરિક્રમામાં શ્રદ્ધાળુઓ માટે ભંડારા અને સેવાની વ્યવસ્થા પણ જોવા મળે છે.આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત તેમ જ નાવડીમાં બેસતી વખતે લાઇફ જેકેટ પણ આપવામાં આવે છે.આમ શ્રદ્ધાળુઓ વિના વિઘ્ને મા નર્મદા પરિક્રમા પૂર્ણ કરે છે.જીવનમાં એક વાર આ આધ્યત્મિક પ્રવાસનો લાભ અવશ્ય લેવા જેવો છે.
સુરત     – કિશોર પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઢોંગી તાંત્રિકોની જાળમાં ન સપડાવ
અખબારી આલમ દ્વારા અવારનવાર તાંત્રિકો દ્વારા મહિલાઓનું શારીરિક અને આર્થિક શોષણ થયાના સમાચાર જાણવા મળે છે. ગુરુવારના ‘ગુજરાતમિત્ર’માં દૈનિકના પૃષ્ઠ 5 પર આ પ્રકારના સમાચાર વાંચવા મળ્યા! જેમાં ભોગ બનનનાર મહિલાનું શોષણ એક ભુવો બે વર્ષથી કરતો હતો! પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે એ પરિણીતાએ તાંત્રિકનું શરણું લીધું હતું. બે વર્ષમાં ટુકડે ટુકડે એ મહિલાએ 14 લાખ જેવી રકમ તાંત્રિકને આપી હતી! ગરીબ પરિવાર હતો તો 14 લાખ રૂપિયા જેવી રકમ કઇ રીતે આપી હશે?

બીજું કે બે વર્ષમાં એ મહિલાને બિલકુલ ખ્યાલ જ નહીં આવ્યો કે મારું આર્થિક અને શારીરિક શોષણ થાય છે? અને આ ઘટનામાં તાંત્રિકની પત્ની પણ શામેલ છે.એક સ્ત્રી બીજી સ્ત્રીનું શારીરિક શોષણ કઇ રીતે સાંખી લે? એ પણ એક પ્રશ્ન છે જ. કળશમાં હીરા-મોતીને બદલે પથ્થર નીકળ્યા ત્યારે એ મહિલાની આંખ ખુલી! ઘટનામાં જેટલો તાંત્રિક જવાબદાર છે એટલાં જ જવાબદાર એની પત્ની પણ છે જ, પરંતુ અંધશ્રદ્ધાળુ મહિલા પણ એટલી જ જવાબદાર ગણાય.

તાંત્રિકે તો સંપૂર્ણ અયોગ્ય આચરણ કર્યું છે. પણ લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત પણ પેલી મહિલાએ એટલી જ સાચી ઠેરવી છે. આજે વિજ્ઞાન કેટલું પ્રગતિશીલ બન્યું છે. જાદુ-ટોના, મંત્ર-તંત્રથી રૂપિયા કયારેય પ્રાપ્ત નથી થતા, પરિશ્રમ દ્વારા જ પ્રાપ્ત થાય છે. બહેનો માટે લાલબત્તી સમાન ઘટના છે. તાંત્રિકો પર નહીં, પણ સ્વયંના પરિશ્રમ પર વિશ્વાસ હોવો જોઈએ. નહીં તો આવી ઘટના વારંવાર બનતી રહેશે. નાણાં સાથે ચરિત્ર પણ ગુમાવવાનો વારો આવશે. સતર્ક રહો સજાગ રહો.
સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top