સુરત: (Surat) નર્મદા જિલ્લામાં શનિવાર અને રવિવારની રજામાં ઘણા પ્રવાસીઓ અને ભક્તો આવતા હોય છે, જેમાં શનિવારે વડોદરાના વાઘોડિયાથી આવેલા સાત આઠ વ્યક્તિઓ પોઇચા મંદિરે દર્શન કરતા પહેલા નર્મદા નદીમાં (Narmada River) સ્નાન કરવા ગયા હતા. જે પૈકી સની ગણપતલાલ બારોટ (ઉં.વ.૨૭) નામનો યુવાન અને તેના ભાઈ ભાભી અચાનક નદીમાં આવેલા વહેણમાં ખેંચાઈ ગયા હતા.
બાદ એમણે બુમાબુમ કરતા નજીકમાં રહેલા નાવડીવાળાએ મદદ આવી ભાઇ અને ભાભીને બહાર કાઢ્યા હતા. પરંતુ સનીને બહાર કાઢે એ પહેલા જ પાણીના વહેણમાં ખેંચાઈ ગયો હતો. જેથી વડોદરાથી આવેલા પરિવારમાં ગમગીની ફેલાઈ હતી. જો કે, સ્થાનિક તરવૈયાએ સનીને શોધવા માટે સાંજ સુધી ઘણી જહેમત ઉઠાવી હતી. છતાં સાંજે સાત વાગ્યા સુધી તેની ક્યાંય ભાળ નહીં મળતાં પરિવાર ચિંતિત બન્યો છે. બાદ અંધારું થઈ જતાં હવે રવિવારે સવારે સનીની વધુ શોધખોળ કરશે. ઘટનાની જાણ થતાં રાજપીપળા પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.
બારડોલીના યુવાનની લાશ મુડત નહેરમાંથી મળી
અનાવલ: બારડોલી આર.ટી.ઓ ઓફિસની સામે જૂના પાવર હાઉસ ખાતે રહેતા 25 વર્ષીય સોહેલ અબ્દુલહમીદ ખાન ગત તા.4/05/2023ના રોજ સાંજે 5 :18 વાગ્યા પહેલાં અગમ્ય કારણસર બારડોલીના અલ્લુ ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠાની નહેરના ઊંડા પાણીમાં પડી જતાં ડૂબી ગયો હતો. જેમનો મૃતદેહ તા-6/05/2023 ને શનિવારના રોજ સવારે મહુવાના મુડત ગામની સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાંથી મળી આવ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા મહુવા પોલીસને જાણ કરાતાં મહુવા પોલીસે નહેરના પાણીમાંથી યુવાનનો મૃતદેહ કઢાવી આગળની તજવીજ હાથ ધરી છે.
નિઝરની વેલ્દા ટાંકી પાસે ડમ્પરે અડફેટે લેતાં મહિલાનું મોત
સુરત: નિઝરની વેલ્દા ટાંકી પાસે શ્રી કૃષ્ણા હાઇવે હોટલ રાજસ્થાન જોધપુરવાલે હોટલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યા પર તા.૬/૫/૨૦૨૩ના રોજ બપોરે આશરે ૧૧:૩૦ વાગેના અરસામાં ડમ્પર નં.(GJ-05-BZ-7373)ના ચાલકે ત્યાં ઊભેલી આશરે ૩૫થી ૪૦ વર્ષની અજાણી સ્ત્રીને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં ડમ્પર મહિલાનાં કમરના ભાગેથી ચઢી જતાં તેનું અરેરાટી ભર્યું મોત નીપજ્યું હતું.