Charchapatra

નર્મદાનું પૂર

થોડા દિવસો પહેલાં નર્મદા નદીએ તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને અંકલેશ્વર, ભરૂચ અને નર્મદાના કાંઠા વિસ્તારનાં ગામોમાં તારાજી સર્જાઈ. વર્ષ ૨૦૦૬ માં સુરત શહેરમાં જે પૂર આવ્યું હતું તેના પછી પણ એ પૂર કુદરતી નહીં, પરંતુ માનવભૂલને કારણે આવ્યું હતું તેવા અવાજો ઊઠ્યા હતા.આજે પણ નર્મદા નદીમાં આવેલા પૂર પછી એવી જ વાતો સામે આવી રહી છે કે આટલી બધી આધુનિક ટેકનોલજીના  યુગમાં જ્યાં પળે પળની માહિતી આંગળીના ટેરવે અને સમયના પલકારામાં મળી જતી હોય ત્યાં સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી કેટલું પાણી આવશે? ક્યારે આવશે? કેટલો વરસાદ છે? એ પાણીને જો  સમયસર છોડવામાં નહીં આવે તો શું થઈ શકે? શું આવી કોઈ જ માહિતી નહીં મળી હોય? જો આ માનવભૂલ હોય તો આપણે ભૂતકાળમાંથી કોઈ શીખ લીધી નથી. જેમણે પણ આ ભૂલ કે પાપમાં ભાગીદારી કરી છે કુદરત એને માફ નહીં જ કરે.દેશમાં હવે સામાન્ય માણસ માટે ફકત કુદરતના ન્યાયનો સહારો રહ્યો છે.
– કિશોર પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ગઠબંધન દ્વારા ૧૪ ટી. વી. એંકરોનો વિરોધ
એકલા મોદીને હરાવવા ભેગા થયેલા ગઠબંધનના ૨૬ પક્ષો દ્વારા એક બે નહી ૧૪ જેટલા ટી. વી. એંકરોના ટી. વી. પર પ્રસારીત થતા શોમાં હાજરી નહી આપવા તેમના અનુયાયીઓને આહવાન કરવામાં આવ્યું છે. આનું કારણ એ છે કે ગઠબંધનના પક્ષોને એવું લાગી રહ્યું છે કે આ ૧૪ એંકરો મોદી તરફી છે અને તેમના પ્રતિનિધિ જો તેમની ડીબેટમાં હાજર રહે અને આ એંકરો જે સવાલ પૂછે તેનો જવાબ આપવામાં ગોથા ખાઈ જાય, કંઇક ઊંધું ચત્તું બાફી મારે તો ગઠબંધનની આબરૂનું લીલામ થઈ જાય.

એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ભાજપે તેના કોઇપણ પ્રતિનિધિને આ એંકરોની ડીબેટમાં જવાની મનાઈ ફરમાવી નથી.ગઠબંધનમાં ભેગા થયેલા ૨૬ પક્ષોના આગેવાનોને તેમના પ્રતિનિધિઓમાં જ વિશ્વાસ નહી હોય તો આ સંઘ કેમ કરીને કાશીએ પહોંચશે તે મોટો પ્રશ્ન છે. હજુ પણ કોઇક સંજોગમાં ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં વિજયી થાય તો વડાપ્રધાન કોણ બનશે તે નક્કી થયું નથી અને જ્યારે આ પ્રશ્ન આવશે ત્યારે ગઠબંધન કેટલું ટકે છે તે મહત્વનો પ્રશ્ન રહેશે. પોતાના પ્રતિનિધિઓને ૧૪ જેટલા એંકરની ડીબેટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકીને ગઠબંધને પોતાના પગ પર કુહાડો માર્યો છે એવું લાગ્યા વગર રહેતું નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top