ભરૂચ: (Bharuch) ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આવતીકાલે 9મીએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોવાને અનુસંધાને નર્મદા પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. રાજપીપળામાં ઠેર ઠેર યાત્રા રૂટના માર્ગો પર બેરિકેટ મૂકવામાં આવ્યાં છે. બહારની કોઈ પ્રજા યાત્રાના માર્ગમાં અવરોધ ના બને અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને એવી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સાથે CRPF દ્વારા પણ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે. યાત્રાના રૂટ પર આગાલા દિવસે રિહર્સલ કરવામાં આવી રહ્યું હતું.
- નર્મદા: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવતીકાલે રાજપીપળા પહોંચશે
- રાજપીપળામાં ઠેર ઠેર યાત્રા રૂટના માર્ગો પર બેરિકેટ મૂકવામાં આવ્યાં
રાહુલ ગાંધી છોટા ઉદેપુર જિલ્લામાંથી આવતીકાલે 8 વાગ્યે ગોધામ ખાતે પહોંચશે. ત્યાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. જ્યાંથી દેવલિયા, ગરૂડેશ્વર, વાવડી ચોકડી પર યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રાજપીપળા DYSP જી.એ.સરવૈયાએ કહ્યું હતું કે, આવતીકાલે રાહુલ ગાંધી રાજપીપળા ખાતે આવી પહોંચશે. જ્યાં ગાંધી ચોકથી આંબેડકર ચોક ખાતે રાહુલ ગાંધી જનતાને સંબોધન કરશે. જ્યાંથી કાલાઘોડા થઈને કુંવરપરા પર પત્રકારો સાથે વાતચીત કરશે.
રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, ગુજરાત, વિધાનસભા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમાર, સંદીપ માંગરોલા, કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી ઉષા નાયડુ જેમાં કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ધારાસભ્ય પી.ડી.વસાવા, મહિલા પ્રમુખ જેરમાબેન વસાવા, યૂથ કોંગ્રેસ પ્રમુખ તાલુકા પ્રમુખો સહિત આગેવાનો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો હાજર રહેશે ને ત્યાંથી આ યાત્રા ભરૂચ જિલ્લાના નેત્રંગ જવા રવાના થશે.