નર્મદા જિલ્લા પાણી પૂરવઠા વિભાગના અધિકારીએ પાણીની ગુણવત્તા સંબંધિત પરિપત્રનો અમલ નહીં કરી અનુભવી એજન્સીઓની જગ્યાએ સિવિલ કામ કરતા હોય એવી એજન્સીને બારોબાર ટેન્ડર ઇસ્યુ કર્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ટેન્ડરના નિયમ મુજબ જે એજન્સી ખરેખર ક્લોરિનેશનનું કામ કરે છે એને જ ટેન્ડર ઇસ્યુ કરવાનું હોય છે.
ક્લોરિનેશનની કામગીરી આરોગ્યલક્ષી તથા જાહેરહિતની કામગીરી છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યાની બૂમ ઉઠી છે. નર્મદા કલેક્ટર આ મામલે તપાસ કરી જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે. આ બાબતે રાજપીપળાના કરજણ પાણી પૂરવઠા અધિકારી રશ્મિકાંત પટેલે જણાવ્યું કે, જે એજન્સી દ્વારા પ્લાન્ટ નાંખવામાં આવ્યો હતો, એ જ લોકો પ્લાન્ટ ચલાવે છે. કેટલાક પ્લાન્ટ બંધ છે તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.