ગુજરાતના ખેડૂતોનો ઉનાળુ પાક ન બગડે એ માટે ગુજરાત સરકારે આખા ત્રીજથી આગામી તા.30 જૂન સુધી સરકાર સરોવર નર્મદા ડેમમાંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. હાલ નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી રોજ 15000 ક્યુસેક જેટલું પાણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પહોંચાડાય છે. જો કે, આ નિર્ણય બાદ સરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે.
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલ મારફતે રાજ્યના હજારો ખેડૂતો અને પશુપાલકો માટે પાણી છોડાશે. ઉપરાંત તળાવો નાની નદીઓ ભરવામાં આવશે. સરદાર સરોવર નર્મદા ડેમમાં તેની સ્પીલની ઊંચાઈ કરતાં પણ વધારે પાણી છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં અત્યારે 2000 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે.
ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીખમ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખા ત્રીજથી 30મી જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે. ઉનાળો ચાલુ થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત ઊભી થતાં આ નિર્ણય લેવાયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે 30મી જૂન સુધીના સમગ્ર નર્મદાના કમાન્ડ એરિયામાં સરદાર સરોવર પ્રોજેક્ટ-સમર સિંચનથી ગુજરાતના 20 જિલ્લામાં 35 જળાશયો, 1200 જેટલાં ગામ તળાવ અને 1000થી વધુ ચેકડેમો હાલમાં 453 અબજ લીટર પાણીથી ભરાઈ રહ્યાં છે.