શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજરોજ એકેડેમિક કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. એસીની બેઠકમાં માર્કશીટમાં એટીકેટી લખવામાં આવે છે તે બાબતે ગહન ચર્ચા કરવામાં આવી હતી. યુનિ.ના શિક્ષણવિદોએ આ બાબતે વિચાર વિમર્શ કરી ઠરાવ કરી દીધો હતો. હવેથી આ ઠરાવ મુજબ આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-રર થી વર્ષ મુજબ પરિણામ જાહેર કરવાને બદલે સેમેસ્ટરવાઈઝ પરિણામ જાહેર કરાશે.
શિક્ષણવિદોએ આ બાબતને ઉદાહરણ આપી સમજાવ્યુ હતું કે, સેમેસ્ટર-૧ માં એટીકેટી હોય તો સેમેસ્ટર-૧ અને ૨ ની માર્કશીટમાં એટીકેટી લખવામાં આવતી હતી. તેને બદલે હવે માત્ર સેમેસ્ટર-૧ ની માર્કશીટમાં નાપાસ લખવામાં આવશે. પ્રત્યેક સેમેસ્ટરમાં માત્ર પાસ કે નાપાસનું પરિણામ આપવામાં આવશે. એ.ટી.કે.ટી. શબ્દનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સેમેસ્ટર-૩ માં પ્રવેશ માટે સેમેસ્ટર-૧ તથા સેમેસ્ટર-૨ બંનેમાં નાપાસ હોય તો પણ પ્રવેશપાત્ર બનશે તથા સેમેસ્ટર-પ માં પ્રવેશ માટે સેમેસ્ટર-૧ તથા સેમેસ્ટર-૨ બંને પાસ હોય તો જ પ્રવેશપાત્ર બનશે. તે મુજબની કેરીફોરવર્ડની સિસ્ટમનો અમલ કરવામાં આવશે.
એટીકેટી રિમાર્કવાળી માર્કશીટ ફી ભરીને બદલી શકાશે
નર્મદ યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અગાઉના વર્ષોમાં જે વિદ્યાર્થીઓના પરિણામમાં એ.ટી.કે.ટી. કે નાપાસની રિમાર્કસ છે. તે વિદ્યાર્થીઓ પાસની રિમાર્કસવાળી માર્કશીટ મેળવવા માગતા હોય, માર્કશીટ દીઠ ૫૦૦ રૂપિયા ફી જમા કરીને સીબીસીએસ લાગુ કર્યા પછીના કિસ્સામાં અરજી કર્યાના વધુમાં વધુ ૧૫ દિવસના સમયગાળામાં નવી માર્કશીટ બનાવી આપવામાં આવશે. અન્ય કિસ્સાઓમાં આ સમયગાળો ૩૦ દિવસનો રહેશે. વધુમાં તાત્કાલિક ધોરણે માર્કશીટ મેળવવા ૧,૦૦૦ રૂપિયા ફી જમા કરવાથી ત્રણ દિવસમાં માર્કશીટ મેળવી શકાશે.