ખોડલધામ: વિધાનસભાની ચૂંટણી (election) નજીક આવતાં જ ખોડલધામનાં નરેશ પટેલ (Naresh patel) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આજે ખોડલધામ (Khodaldham) મંદિરમાં માતાજીની પ્રાણપ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, ત્યારે ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલ (Virtual) કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ખોડલધામ મંદિરના ચેરમેન નરેશ પટેલે સમાજના લોકોને સંબોધતા કહ્યું હતું કે જો સમાજ ઈચ્છે તો હું રાજકારણમાં આવીશ. તેમણે જાહેરાત કરી હતી કે ખોડલધામ પરિસરમાં માત્ર પાટીદાર સમાજના જ નહીં, પરંતુ અન્ય સમાજના મહાપુરુષોની પ્રતિમા પણ મૂકવામાં આવશે. તેમણે આપેલા નિવેદન પરથી લાગી રહ્યું છે આગામી ચૂંટણીમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાઈ શકે તેમ છે.
દરેક સમાજને સાથે લઈને ચાલવું- નરેશ પટેલ
ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ તે કઈ રાજકીય પાર્ટી સાથે જોડાશે તે હજુ નક્કી થયું નથી. ખોડલધામનો પંચવર્ષીય પાટોત્સવ વર્ચ્યુઅલમાં નરેશ પટેલ જોડાયા હતા અને તેમણે કહ્યું હતું કે સમાજ ઇચ્છશે તો ચોક્કસપણે રાજકારણમાં આવીશ. બંને પક્ષો તરફથી સમાજને મહત્વ મળે છે. રાજકારણમાં દરેક સમાજ સાથે હોય તો જ રાજકારણ થઈ શકે. ઉલ્લેખનીય છે કે રાજકારણમાં બધા સમાજને સાથે લઈને વધવું એ મહત્વનું છે. ગુજરાતમાં પાટીદારોની વોટબેંક ઘણી મજબૂત છે, પરંતુ ચૂંટણી જીતવા માટે દરેક સમાજને સાથે રાખવું એ જ યોગ્ય છે.
વર્ચ્યુઅલ મહોત્સવ ઉજવાયો
ખોડલધામ મંદિરમાં ચાલી રહેલા પાટોત્સવના કારણે મંદિર અને પટાંગણનો ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો છે. પાટોત્સવમાં સમાજના લોકો દ્વારા શહેરની જુદી જુદી સોસાયટીઓ અને ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રીન, ટીવી અને પ્રોજેક્ટર મૂકીને આ મહોત્સવના ઉજવાયો હતો. આ ઉપરાંત જુદી જુદી ધાર્મિક ચેનલોમાં પણ વર્ચ્યુઅલ પાટોત્સવનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્કીય આગેવાનોનો ધસારો
મંદિરમાં વહેલી સવારથી જ રાજકીય અને સામાજિક આગેવાનોનો ધસારો જોવા મળ્યો હતો. જેમાં જયેશ રાદડિયા, ભરત બોઘરા સહિતના આગેવાનો હાજર ઉપસ્થિત રહ્યાં છે. આ કાર્યક્રમ દરમિયાન સોમનાથના સંગીતકારોને બોલાવાયા હતા. તેમજ આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કોંગ્રેસ આગેવાન સિદ્ધાર્થ પટેલ , પ્રફુલ પટેલ, મનસુખ માંડવિયાએ શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
સૌથી વધુ મતદાન ધરાવતી 50 સીટ પર પાટીદારોનો પાવર
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર સહિતના શહેરોનો સમાવેશ થાય છે. આગામી ચૂંટણી માટે પાટીદાર વોટ ખૂબ મહત્વના ગણાવામાં આવી રહ્યા છે.