નવી દિલ્હી: ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ બજરંગ પુનિયાએ (Bajrang Punia) સોમવારે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) સામે કુસ્તીબાજો (Wrestlers) દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની સત્યતા જાણવા માટે નાર્કો ટેસ્ટ (Narco test) કરાવવાનો પડકાર સ્વીકાર્યો હતો. બ્રિજ ભૂષણે રવિવારે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે તે પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે નાર્કો અથવા પોલીગ્રાફ ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે.
બ્રિજ ભૂષણે લખ્યું હતું કે કે હું મારો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફી ટેસ્ટ અથવા લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છું પરંતુ મારી શરત એ છે કે મારી સાથે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ પણ આ ટેસ્ટ કરાવવો જોઈએ. જો બંને રેસલર્સ તેમનો ટેસ્ટ કરાવવા તૈયાર હોય તો પ્રેસને બોલાવીને જાહેરાત કરો અને હું તેમને વચન આપું છું કે હું પણ તેના માટે તૈયાર છું.
આના જવાબમાં બજરંગે કહ્યું હતું કે અમે નાર્કો ટેસ્ટનો સામનો કરવા માટે તૈયાર છીએ પરંતુ અમે પણ ઈચ્છીએ છીએ કે બ્રિજ ભૂષણ સુપ્રીમ કોર્ટના મોનિટરેડ ટ્રાયલનો સામનો કરે જેનું રાષ્ટ્રીય ટેલિવિઝન પર જીવંત પ્રસારણ કરવામાં આવે.
સાક્ષી મલિક અને વિનેશ ફોગટ સાથે જંતર-મંતર પર ધરણા પર બેઠેલા બજરંગે કહ્યું હતું કે અમે જોવા માંગીએ છીએ કે કયા પ્રશ્નો પૂછવામાં આવે છે. તેઓએ મને અને વિનેશને નાર્કો ટેસ્ટ કરાવવા કહ્યું છે, પરંતુ માત્ર અમે બે જ કેમ, જે યુવતીઓએ ફરિયાદ નોંધાવી છે તેમનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ. વિનેશે કહ્યું હતું કે આખા દેશને ખબર પડવી જોઈએ કે વર્ષોથી તેમને કેવા અન્યાયનો સામનો કરવો પડ્યો છે. રેસલર્સ મીડિયાના એક વર્ગથી નારાજ દેખાતા હતા જેઓબ્રિજ ભૂષણની પ્રશંસા કરી રહ્યા છે. તેમણે મીડિયાકર્મીઓને આવું ન કરવાની અપીલ કરી હતી.
વિરોધ કરી રહેલા રેસલર્સ જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કેન્ડલ માર્ચ કાઢશે
ધરણા પ્રદર્શનમાં સામેલ સાક્ષી મલિકે કહ્યું હતું કે જેમ તમે જાણો છો કે અમારો વિરોધ એક મહિનાથી ચાલી રહ્યો છે. અમે 23મી મેના રોજ ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ કાઢીશું. તેણે કહ્યું હતું કે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે અમારો વિરોધ શાંતિપૂર્ણ છે અને જો કોઈ ઉશ્કેરણીજનક ભાષણો કરીને અથવા અન્ય કોઈપણ રીતે અમારા શાંતિપૂર્ણ વિરોધને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરશે, તો તે તેના માટે પોતે જ જવાબદાર રહેશે. અમે તેના માટે કોઈ જવાબદારી લઈશું નહીં.