આઝાદી બાદથી રેલવેની વિવિધ બાબતોમાં સતત અન્યાયનો અનુભવ કરી રહેલા સુરતને જો અન્યાય કરાતો હોય તો રેલવેના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. હાલમાં સુરતના સાંસદ દર્શના જરદોષ રાજ્ય કક્ષાના રેલવે મંત્રી બનતાં તેમણે સુરતને રેલવે ડિવિઝન મળે તે માટે અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી પરંતુ રેલવેના ખાઈબદેલા અધિકારીઓ દ્વારા ખુદ રેલમંત્રી દર્શના જરદોષને પણ ઉંઠા ભણાવી દેવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા મંત્રી દર્શના જરદોષને એવું સમજાવવામાં આવ્યું કે ડિવિઝન પહેલેથી રાજા-રજવાડાઓના સમયથી છે. જોકે, અધિકારીઓ એ ભૂલી ગયા કે રજવાડા ગયા બાદ હવે આઝાદ સરકાર છે અને સરકારે લોકોની માંગણીને અનુસરીને નિર્ણયો લેવાના હોય છે.
સુરત હાલમાં મેટ્રો સિટી બની ગયું છે. સુરતની વસતી હાલમાં અંદાજિત 70 લાખની આસપાસ છે. આ સંજોગો હોવા છતાં પણ રેલવેના અધિકારીઓ સુરતને ડિવિઝન આપવા માટે સ્હેજેય તૈયાર નથી. જોકે અધિકારીઓની સાથે વાત કર્યા બાદ સાંસદ દર્શના જરદોષે એવું જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ભાવનગર, વડોદરા રજવાડા હતા તેથી તેઓને ડિવીઝન મળ્યા હતા. સુરત રેલવે સ્ટેશને થતી આવક પણ યોગ્ય રીતે જ વપરાય છે. જોકે, જો ચર્ચાતી વાતો પ્રમાણે ખુદ રેલવેના અધિકારીઓની લોબી જ સુરતને ડિવિઝન નહીં મળે તે માટે સક્રીય છે. અને તેઓ આ મામલે ખુદ રેલ મંત્રી દર્શના જરદોષને પણ ગોળગોળ ફેરવી રહ્યાં છે.
ભૂતકાળમાં જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલ મંત્રી હતાં ત્યારે તેમણે પોતાના જ મતવિસ્તારમાં અત્યાધુનિક રેલવે સ્ટેશન બનાવવાની સાથે રેલવે કોચની ફેકટરી પણ નાખી હતી. એટલે અધિકારીઓની ડિવિઝન મામલેની વાતો બેકાર છે. ભૂતકાળમાં રેલમંત્રી રહી ચૂકેલા રામવિલાસ પાસવાને પણ પોતાના પોતાના સંસદીય મતવિસ્તાર માટે અનેક કામો કર્યા હતાં. જોકે, હવે સુરતના મજબૂત સાંસદ દર્શના જરદોષ સુરતને રેલવે ડિવિઝન મામલે અધિકારીઓને ખખડાવી શકે છે કે પછી અધિકારીઓ તેમને ‘ઉલ્લું’ બનાવી જાય છે તે જોવું રહ્યું