Columns

નાનાની ડાયરી

એક દિવસ ઋતુ પોતાના નાનાને યાદ કરી રહી હતી. જીવનના અનુભવી, હોશિયાર નાના ઋતુના પ્રેરણાસ્રોત હતા.હમણાં જ તેમણે વર્ષ પહેલાં વિદાય લીધી હતી. નાનાની બહુ યાદ આવતાં ઋતુ તેમના રૂમમાં ગઈ અને તેમના ટેબલ અને અન્ય સામાનને સાફ કરીને મૂકવા લાગી.ટેબલના એક ખાનામાં ઋતુના હાથમાં નાનાની ડાયરી આવી.ડાયરી જોઇને તે ખુશ થઇ ગઈ…પણ ખોલતાં અચકાઈ કે નાનાની ડાયરી વાંચું કે નહિ?

હાથમાં ડાયરી લઈને આંખોમાં આંસુ સાથે તે નાની અને મમ્મી પાસે ગઈ અને ડાયરી બતાવતાં બોલી, ‘નાની, આ ડાયરી નાનાના ટેબલના ખાનામાંથી મળી છે. શું હું તેને ખોલીને વાંચું?’ નાની અને મમ્મીએ હા પાડી.ઋતુ બધાની સાથે નાનાની ડાયરી વાંચવા બેઠી.પહેલા પાના પર બધાને ખૂબ ખૂબ પ્રેમનો સંદેશ હતો અને બીજા પાને લખ્યું હતું ‘જે આ ડાયરી વાંચે અને સમજે તેને માટે જીવનની અમુક ખાસ સલાહ.આ સલાહ જે વાંચશે અને સમજશે અને યાદ રાખી જીવનમાં પાલન કરશે તેનું જીવન સુધરી જશે તે હું મારા અનુભવ પરથી લખું છું.’

ઋતુએ આગળ વાંચવાનું શરૂ કર્યું. પહેલી સલાહ હતી…
હંમેશા છુપાવો — તમારી ઉંમર , તમારી આવક અને તમારી બચત
હંમેશા ધ્યાન રાખો — તમારા ખોરાક , દવા અને શરીરનું
હંમેશ માટે ભૂલો — બીજાની ખામી અને ભૂલો અને પોતાની પ્રશંસા”
હંમેશા આપો — આવનારને આવકાર અને જનારને સન્માન

હંમેશા લાવો — કામ આવે તેટલી જ ચીજ વસ્તુઓ
હંમેશા ખાવ — સાદો સમતોલ ખોરાક
હંમેશા યાદ રાખો — કરજ ચુકવવાનું , રોગ મટાડવાનું . અન્યના ઉપકારને
હંમેશા બોલો — સો વાર વિચારીને , થોડું ઘણું જાણીને અને સંભાળીને
હંમેશા જાઓ — સુખમાં છેલ્લે અને દુઃખમાં પહેલાં
હંમેશા જાગો — વહેલી સવારે ,સપનાં પૂરાં કરવાં

નાની અને મમ્મી તથા મામા બધા જ ઋતુ વાંચી રહી હતી તે સાંભળી રહ્યાં હતાં.ઋતુએ નાનાની સલાહ ફરી ફરી વાંચી અને પછી ડાયરીને બંધ કરી ગળે લગાડતાં બોલી, ‘મમ્મી નાના હંમેશા રસ્તો બતાડનાર રહ્યા છે.આ જો તેમના ગયા પછી પણ તેઓ પોતાના અનુભવો પરથી ડાયરીમાં લખેલા નાનાં વાક્યોમાં આપણને કેટલું બધું સમજાવી ગયા.આ સલાહો તો આપણી લાઈફ બદલી શકે એટલી મહત્ત્વની છે.’આટલું કહી ઋતુએ નાનાની ડાયરી તેમના ફોટા પાસે મૂકી અને ફોટા સમક્ષ દીવો કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top