National

જોર્ડનના રાજા, પૂટીનની ગર્લફ્રેન્ડ અને પાકિસ્તાનના મંત્રીઓના નામ પણ પેન્ડોરા પેપર્સમાં લીક

પેન્ડોરા પેપર્સ લીકમાં (Pandora Papers Leak) જોર્ડનના રાજા, (Jorden King) પૂટીનની ગર્લ્ફ્રેન્ડ (Putin Girlfreind), પાકિસ્તાનના મંત્રીઓ સહિત દેશવિદેશની અનેક સેલિબ્રિટીના નામ ખૂલ્યા છે. તેમાં ભારતમાં દેવાળૂં ફૂંકનાર અનિલ અંબાણી પણ સામેલ છે. રિલાયન્સ એડીએ ગ્રુપના અધ્યક્ષ અનિલ અંબાણીએ (Anil Ambani) કેલાક સમય પહેલા અદાલત સમક્ષ જણાવ્યું હતું કે પોતે દેવાળિયા થઇ ગયા છે અને બેંકોનુ઼ બાકી ધિરાણ ચુકવવા માટે તેમની પાસે નાણા નથી. પણ હવે પેન્ડોરા પેપર્સમાં એવો ઘટસ્ફોટ થયો છે કે અનિલ અંબાણી વિદેશોમાં ૧૮ કંપનીઓ ધરાવે છે અને આ કંપનીઓનું કુલ મૂલ્ય ઓછામાં ઓછું ૧.૩ અબજ ડોલર જેટલું થાય છે.

પેન્ડોરા પેપર્સની માહિતી પરથી જાણવા મળે છે કે અનિલ અંબાણી વિદેશોમાં જે ૧૮ કંપનીઓ ધરાવે છે તે કંપનીઓ જર્સી, બ્રિટિશ વર્જિન આઇલેન્ડ અને સાયપ્રસ જેવા દેશોમાં છે. રિચાર્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, નોર્ધન એટલાન્ટિક ટ્રેડિંગ લિમિટેડ એવા વિદેશી કંપનીઓ જેવા નામો આ કંપનીઓને આપવામાં આવ્યા છે. આમાંની મોટાભાગની કંપનીઓ ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે સ્થાપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કેટલીક ચીની બેંકોને ધિરાણ પરત કરવાના કેસમાં ફેબ્રુઆરી ૨૦૨૦માં લંડનની એક અદાલતમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે પોતે દેવાળીયા થઇ ગયા છે. વિદેશોમાં પોતાની કોઇ કંપની નથી કે આવી કોઇ કંપનીમાંથી પોતે લાભ મેળવતા નથી પણ એમ પણ અંબાણીએ કહ્યું હતું.

ગૌતમ અદાણીના ભાઈ વિનોદે ત્રણ વર્ષ પહેલા બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં કંપની સ્થાપી હતી, હવે કંપની ‘બંધ’ થઈ ગઈ છે

અબજોપતિ ગૌતમ અદાણીના (Gautam Adani) ભાઇએ ત્રણ વર્ષ પહેલા બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં એક કંપની સ્થાપી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા તપાસવામાં આવેલા પન્ડોરા પેપર્સમાં રેકોર્ડ બહાર આવ્યો છે. જેમાં દાવો કર્યો છે કે, કંપની ‘બંધ’ થઈ ગઈ છે. રેકોર્ડ બતાવે છે કે, ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ શાંતિલાલ શાહ અદાણીએ 2018માં બ્રિટિશ વર્જિન ટાપુઓમાં હિબિસ્કસ આરઈ હોલ્ડિંગ્સ લિમિટેડની સ્થાપના કરી હતી. વિનોદ અદાણી કે જે દુબઈમાં રહેતા સાયપ્રસના નાગરિક છે. તેઓ 50,000 શેર ધરાવતી આ ઓફશોર ફર્મના એકમાત્ર શેરહોલ્ડર હતા અને મે 2018થી ડિરેક્ટર છે. હિબિસ્કસ આરઇ હોલ્ડિંગ્સની સ્થાપના કરતી વખતે વિનોદ અદાણીએ રેકોર્ડમાં જણાવ્યું હતું કે, તેનો હેતુ વૈશ્વિક બજારમાં વેપાર અને સેવાનો હતો. તેમજ તે સમયે કંપનીની સંપત્તિ 10-15 મિલિયન ડોલર હોવાનો અંદાજ હતો.

જોર્ડનના રાજાએ વિદેશમાં વૈભવી મિલકતો વસાવી

જેમનું નામ પેન્ડોરા પેપર્સ લીકમાં બહાર આવ્યું છે તે જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજાએ આજે કહ્યું હતું કે વિદેશોમાં વૈભવશાળી મકાનોની ખરીદી કરવામાં પોતે કોઇ ગેરરીતિ કરી નથી. જોર્ડન દેશ જ્યારે મંદી અને મોટા પ્રમાણમાં બેકારીનો સામનો કરી રહ્યો છે તેવા સમયે ખર્ચાળ જીવનશૈલી બદલ રાજાની ટીકાઓ થઇ રહી છે. જોર્ડનના રાજાએ ૧૦ કરોડ ડોલર કરતા વધુ ખર્ચે વિદેશોમાં વૈભવશાળી મકાનો ખરીદ્યા હોવાનું પેંડોરા પેપર્સ લીકમાં બહાર આવ્યું છે. રાજાએ કહ્યું હતું કે આ મકાનો ખરીદવામાં પ્રજાના નાણાનો ઉપયોગ થયો નથી અને આ મકાનોની ખરીદીની વાત પોતે સુરક્ષાના કારણોસર જાહેર કરી ન હતી. પેપર્સ લીકના હેવાલો જણાવે છે કે તેમણે અમેરિકા અને યુકેમાં ૧૦૬ મિલિયન ડોલરના ખર્ચે ૧૪ મકાનો છેલ્લા કેટલાક વર્ષોમાં ખરીદ્યા છે.

પેન્ડોરા પેપર્સમાં પાકિસ્તાનના મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, મીડિયા હાઉસ માલિકોનાં નામ સામે આવ્યાં
પાકિસ્તાનના વિવિધ મંત્રીઓ, નિવૃત્ત નાગરીકો અને સૈન્ય અધિકારીઓ, વેપારીઓ સાથે જ ટોચના મીડિયા ગ્રુપના માલિકોના નામ પેન્ડોરા પેપર્સમાં આવ્યા છે. હાઈ પ્રોફાઈલ લોકો દ્વારા ગુપ્ત રીતે વિદેશોમાં નાણાં જમા કર્યા હોવાનું ખુલ્લુ પાડતી એક તપાસ બાદ આ પેપર્સમાં તેમના નામ આવ્યા હતાં. ઈમરાન ખાન સરકારના કેટલાક મંત્રીઓના પરિવારના સભ્યોના નામ પણ આ યાદીમાં છે, જેમાં જળ સંસાધન મંત્રી મૂનિસ ઈલાહી, ઉદ્યોગ મંત્રી ખુસરો બખ્તિયાર, નાણાં મંત્રી શૌકત તારિન અને સાંસદ ફેસલ વાવડા સામેલ છે. આ બાબત સામે આવ્યા બાદ પાકિસ્તાનમાં મુખ્ય વિરોધી પક્ષ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે સરકાર પાસે રાજીનામું માગ્યું છે. પક્ષે કહ્યું હતું કે ઈમરાન ખાનનું નામ પણ પેડોરા પેપર્સમાં હોઈ શકે છે, આ પહેલાં તોશખાના કેસમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું એટલે ઈમરાને પોતાના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ.

પેન્ડોરા પેપર્સ મુજબ જે નિવૃત્ત સેન્ય અધિકારીઓ જેમણે વિદેશોમાં કંપનીઓમાં રોકાણ કર્યું છે અથવા મિલ્કતો રાખી છે તેમાં લેફ્ટીનેન્ટ જનરલ (નિવૃત્ત) નુસરત નઈમ, લે. જનરલ (નિવૃ્ત) ખાલિદ મકબૂલના જમાઈ, લે. જનરલ (નિવૃત્ત) તનવીર તાહિરનાં પત્ની, લે. જનરલ (નિવૃત્ત) અલી કુલી ખાનનાં બહેન, એર ચીફ માર્શલ અબ્બાસ ખટ્ટકના પુત્ર અને નિવૃત્ત સેન્ય અધિકારી અને રાજકારણી રાજા નાદીર પરવેઝ સામેલ છે. આ પેપર્સમાં કેટલાંક મીડિયા હાઉસ માલિકોના નામ પણ સામેલ છે જેમાં પ્રખ્યાત ડાન મીડિયા ગ્રુપના સીઈઓ હામિદ હારુન પણ સામેલ છે. આ અહેવાલ સામે આવતા જ પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ચોખવટ કરી હતી કે યાદીમાં જે લોકોના નામ આવ્યા છે તેમની તપાસ કરવામાં આવશે અને દોષીઓ વિરૂદ્ધ સખત પગલાં લેવામાં આવશે.

Most Popular

To Top