સેલવાસ (Selvas): દાદરા નગર હવેલીના (UT Dadra Nagar Haweli) સાંસદ મોહનભાઇ ડેલકરના (MLA Mohan Delkar) મુંબઇની હોટલમાં થયેલા અપમૃત્યુના બનાવ બાદ બે દિવસ થયા હોવા છતાં દાનહના લોકો હજી આ વાત માનવા તૈયાર થતા નથી કે એક ફાઇટર ગણાતા આદિવાસી નેતા આ રીતે કેમ દુનિયા છોડી જાય? બીજી તરફ મુંબઇ પોલીસને (Mumbai Police) જે મોહનભાઇની જે સ્યુસાઇડ નોટ (Suicide Note) મળી છે તેમાં મોટા માથાઓના નામ હોવાની શંકાને લઇને સંઘપ્રદેશમાં ભારે ખળભળાટ છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે સાંસદ મોહનભાઇના અપમૃત્યુના કેસમાં કોઈને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું. પોલીસ હજી તપાસ કરી રહી છે. તેમની સ્યુસાઇડ નોટમાં ત્રાસ આપનાર 12 વ્યક્તિઓના નામ હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળે છે.
બીજી તરફ મુંબઇના રાષ્ટ્રીય કક્ષાના મીડિયાની વેબ સાઇટ પર સ્યુસાઇડ નોટને લઇને પણ જુદી જુદી વાત આવે છે. સ્યુસાઇડ નોટમાં પહેલાં પાંચથી છ પાનાની વાત હતી. પરંતુ હવે 15 પાનાની વાત આવે છે. મોહનભાઇ 21 ફેબ્રુઆરીએ મુંબઇ ગયા ત્યારે તેમના ડ્રાઇવર તથા તેમના બોડીગાર્ડ સાથે હતા. તેમણે જે સ્યુસાઇડ નોટ લખી છે તે સાંસદના લેટરપેડ પર લખી હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતીમાં લખાયેલી આ સ્યુસાઇડ નોટ કોઈને સંબોધીને નહીં લખી હોવાનું પણ ચર્ચામાં છે.
જ્યારે સ્યુસાઇડ નોટની શરૂઆતમાં સ્યુસાઇડ નોટ એવું લખ્યું હોવાની પણ ચર્ચા છે. જોકે હજી પોલીસે સ્યુસાઇડ નોટની વિગતો જાહેર કરી નથી. સોમવારે 22 ફેબ્રુઆરીએ બપોરે હોટલમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. મંગળવારે સદગત સાંસદની અંતિમયાત્રામાં જે રીતે માનવ મેદની ઉમટી હતી. તે જોતા એ આદિવાસીઓના મસિહા હતા તે દેખાઇ રહયું હતું. ભારે હ્રદય સાથે આદિવાસી લોકોએ પોતાના માનીતા સાંસદને વિદાય આપી હતી. જોકે ફાઇટર સ્વભાવના મોહનભાઇએ આવું પગલું કેમ ભર્યુ તેને લઇને લોકોમાં ગમગીની પ્રસરી છે. સ્વ.મોહન ડેલકરની સ્મશાનયાત્રા જેવી વિશાળ સ્મશાનયાત્રા દાનહના ઇતિહાસમાં ક્યારે પણ નીકળી નહીં હોય. આ જ બતાવે છે કે તેઓ લોકોના નેતા હતા. આદિવાસી પ્રજાના પ્રશ્નો જ તેમના માટે મહત્વના હતા. જે છેલ્લા શ્વાસ સુધી લોકો માટે જ જીવ્યા હતાં.
– 15 પાનાની ભાવુક સ્યુસાઇડ નોટ : પ્રદેશવાસીઓને છેલ્લા સલામ
22મી ફેબ્રુઆરીએ સાંસદ મોહન ડેલકરે મુંબઈની હોટલમાં આપઘાત કરી લીધો હતો. એ પહેલા ડેલકરની સ્યુસાઇડ નોટમાં તેમને ત્રાસ આપનારા 40ના નામ હોવાનું બહાર આવ્યું હતું. મળેલી જાણકારી મુજબ માનસિક ત્રાસ (mental harassment) આપી મરવાની હદ સુધી પહોંચાડવામાં મુખ્ય 12 લોકો હોવાની માહિતી મળી છે. બાકીના નામ પરિવારના સભ્યો, મિત્રો તેમજ એમની સાથે જોડાયેલા લોકોનો આભાર માનવો તેમજ મુસીબતમાં એમને સહકાર આપ્યો હોય એવા લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે. તેમણે લખ્યુ છે કે પ્રદેશવાસીઓને છેલ્લા સલામ, એમના નજીકના લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગત 10-15 દિવસથી માનસિક રીતે એટલા પીડાઇ રહ્યાં હતાં કે, નાની નાની વાતે ભાવુક બની જતા હતા. રવિવારે જ્યારે મુંબઈ જવા નીકળ્યા હતા ત્યારે પણ એમનું વર્તન અસાધારણ હોવાનું જાણવા મળ્યું હતું. ખાનગી કામ હોવાથી જઇ રહ્યાનું પત્નીને કહીને નીકળ્યા હતાં.