રાજ્યની 156 જેટલી નગરપાલિકાઓની કાર્ય પદ્ધતિની સમીક્ષા કરવા શુક્રવારે ગાંધીનગરમાં રાજ્યના ૬ રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો અને શહેરી વિકાસ વિભાગની મહત્વની બેઠક સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં રાજ્યની ૧પ૬ નગરપાલિકાઓ વચ્ચે વિકાસના અને જનસુખાકારી સુવિધા વૃદ્ધિના કામોની શ્રેષ્ઠતાની તંદુરસ્ત સ્પર્ધા થાય તેવું વાતાવરણ નિર્માણ કરવા અને નગરોમાં નાગરિક સુખાકારી, લાઇટ-પાણી-રસ્તા, એસ.ટી.પી-ભૂર્ગભ ગટર, હર ઘર જલ-નલ સે જલ વગેરે વિવિધ વિકાસ કામોના પેરામિટર્સના આધારે નગરપાલિકાઓને સ્ટાર રેન્કીંગ આપવામાં આવશે તેવી પણ ચર્ચા થવા પામી હતી. આ ઉપરાંત નગરપાલિકાઓમાં એક સમાન કોમન ટેક્સ એસસમેન્ટ-રિકવરી સિસ્ટમની સંભાવના અને સર્વગ્રાહી વિચારણા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.
રૂપાણીએ આ સમીક્ષા બેઠકમાં સ્પષ્ટપણે કહ્યું કે, ગુજરાત ડેવલપ્ડ અને પ્રોગ્રેસિવ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયેલું છે. હવે દેશભરની નગરપાલિકાઓ માટે ઉદાહરણ રૂપ અને દિશાદર્શક આપણી નગરપાલિકાઓ બને તેવું બેસ્ટ એડમિનિસ્ટ્રેશન, ટ્રાન્સપેરન્સિથી વિકાસ કામો હાથ ધરીને લોકોને પણ બદલાવ-ચેન્જની અનુભૂતિ થાય અને નગરો પ્રોગ્રેસિવ બને તેવી વ્યવસ્થાઓ RCM પોતાના વિસ્તારની નગરપાલિકાઓમાં વિકસાવે.
રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરો પોતાના કાર્યક્ષેત્રમાં આવતી નગરપાલિકાઓમાં લોક સુખાકારી-સગવડતા વધારતા કામોના લક્ષ્યાંક નિર્ધારીત કરીને આ કામો ત્વરાએ પૂર્ણ કરે તે આવશ્યક છે. રૂપાણીએ એવું પણ સૂચન કર્યુ કે, પોતાના કાર્યક્ષેત્રમાં જે નગરપાલિકાઓ આવતી હોય તેના આવા વિકાસ કામો-લોકહિત કામોની પ્રગતિની સમીક્ષા દર પખવાડીયે RCM નગરપાલિકાઓના પ્રમુખો ને ચીફ ઓફિસરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજીને કરે તે જરૂરી છે.
એટલું જ નહિ, આ સમીક્ષા બેઠકની વિગતો અને રાજ્ય સરકાર સાથે હાથ ધરવાની થતી બાબતો માટે તમામ RCMની દર મહિને એક રાજ્ય સ્તરીય બેઠક શહેરી વિકાસ વિભાગ અને કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ એડમિનિસ્ટ્રેશન કક્ષાએ યોજાય અને ઝડપી નિવારણ લાવવામાં આવે તેવું સૂચન પણ તેમણે કર્યુ હતું.
રૂપાણીએ આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ સૂચન પણ કર્યુ હતું કે નગરપાલિકાઓમાં એક સમાન ધોરણે કોમન સિસ્ટમથી ટેક્સ એસેસમેન્ટ, રિકવરી, કલેકશન સિસ્ટમ અંગેની સંભાવનાઓ ચકાસી તેનો સર્વગ્રાહી અભ્યાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં આવે. આ કમિટીની ભલામણો અને અભ્યાસના તારણોના આધારે રાજ્ય સરકાર કોમન ટેક્સની પોલિસી આગામી દિવસોમાં તમામ નગરપાલિકાઓ માટે ઘડવાની દિશામાં પણ વિચારાધિન રહેશે.