નડિયાદ: નડિયાદ શહેરમાં વરસોથી સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં પાલિકા દ્વારા નક્કર આયોજનનો અભાવ વધુ એક વખત જોવા મળ્યો છે. છ ઇંચ વરસાદમાં જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
નડિયાદ સહિત સમગ્ર જિલ્લાભરમાં રવિવારના રોજ સવારથી શરૂ થયેલો વરસાદ બીજા દિવસે સવાર સુધી અવિરત વરસ્યો હતો. ભારે વરસાદને પગલે જિલ્લાના વિવિધ ગામ-શહેરોના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નડિયાદમાં ચોવીસ કલાક દરમિયાન ૬ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં શહેરના દેસાઈ વગા, નવા ગાજીપુર, પીજ ભાગોળ સહિતના વિવિધ વિસ્તારો ઉપરાંત પારસ સર્કલ પાસેના મુખ્ય માર્ગ ઉપર પણ પાણી ભરાઈ ગયા હતાં.
વૈશાલી, શ્રેયસ અને માઈમંદિર ગરનાળાના અંડરપાસમાં પાણી ભરાઈ જવાથી શહેર બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. વહેલી સવારે વરસાદ બંધ થયાંના થોડા સમય બાદ મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઓસરી ગયાં હતાં. પરંતુ, દેસાઈ વગો, નવા ગાજીપુર વિસ્તાર તેમજ શ્રેયસ અને માઈમંદિર ગરનાળામાં બીજા દિવસ બપોર સુધી પાણી ઓસર્યાં ન હતાં. જેને પગલે શહેરીજનોને સવારે નોકરી-ધંધે તેમજ અભ્યાસ અર્થે શાળા-કોલેજોમાં જવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી.
વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યાં
નડિયાદ શહેરમાં રવિવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન અવિરત વરસાદ વરસ્યો હતો. જે બાદ મોડી રાત્રીના સમયે પણ નડિયાદમાં મુશળધાર વરસાદે દસ્તક દીધી હતી. ચોવીસ કલાક દરમિયાન શહેરમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં નીચાણવાળા વિસ્તારો ઉપરાંત મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાઈ ગયા હતાં. જે પૈકી કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ થયાના થોડા કલાકો બાદ પાણી ઓસરી ગયાં હતાં. જોકે, માઈ મંદિર ગરનાળું, શ્રેયસ ગરનાળું, દેસાઈ વગો વિસ્તાર તેમજ નવા ગાજીપુરા વિસ્તારમાં બીજા દિવસે બપોર સુધી પાણી ઓસર્યાં ન હતાં. જેને પગલે નગરજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી.
તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી
પ્રિ-મોન્સુન કામગીરી માટે સરકાર તરફથી દરવર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટ પાલિકામાં ફાળવવામાં આવે છે. જોકે, દર વખતની જેમ આ વખતે પણ નડિયાદ નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારી હતી. જેને પગલે સિઝનના પ્રથમ મુશળધાર વરસાદમાં જ નડિયાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. આ પાણી વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ ન ઓસરતાં પાલિકા તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. તંત્રના વાંકે નગરજનોને પાણી ડહોળવાનો વારો આવ્યો હતો.
પાણી ઓસર્યાં બાદ ગંદકીના થર જામ્યાં
રવિવારના રોજ સમગ્ર દિવસ બાદ મોડી રાત્રે પણ વરસેલા મુશળધાર વરસાદને પગલે નડિયાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. બીજા દિવસે બપોર બાદ માઈ મંદિર ગરનાળું, વૈશાલી ગરનાળું, શ્રેયસ ગરનાળું તેમજ દેસાઈ વગો સહિતના વિસ્તારમાંથી પાણી ઓસર્યાં હતાં. ત્યારે તે જગ્યા ઉપર કાદવ-કિચડ તેમજ ગંદકીના ભારે થર જામ્યાં હતાં.