નડિયાદ: નડિયાદ શહેરમાં ૬ ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. જે પૈકી નવા ગાજીપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયાં હતાં. જે દરમિયાન ઘરમાં ઘસઘસાટ ઉંઘતાં એક વૃધ્ધાનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. નડિયાદ શહેરમાં રવિવારના રોજ સવારે સાત વાગ્યાથી લઈ સોમવારે સવારે સાત વાગ્યા સુધીના ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન અવિરત વરસાદ વરસ્યો હતો. લગભગ ૬ ઈંચ જેટલો વરસાદ વરસી જવાથી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
જેની સૌથી વધુ અસર નવા ગાજીપુરા વિસ્તારમાં જોવા મળી હતી. આ વિસ્તારમાં આવેલ તમામ ઘરોમાં કેડ સમાં પાણી ભરાઈ જવાથી ઘરવખરીને નુકશાન પહોંચ્યું હતું. આ વિસ્તારના રહીશો ઘર છોડી સુરક્ષિત ઠેકાણે જવા લાગ્યાં હતાં. જોકે, બીજી બાજુ આ વિસ્તારમાં જ રહેતાં ૭૦ વર્ષીય જોહરાબીબી હુસેનમીયાં મલેક ઘરમાં ઘસઘસાટ નિંદર માણી રહ્યાં હતાં. એકલવાયું જીવન જીવતાં જોહરાબીબને આંખમાં તકલીફ અને અશક્ત શરીરને પગલે પરિસ્થિતીનો અંદાજ આવ્યો ન હતો. બીજી બાજુ પાણીનું લેવલ સતત વધી રહ્યું હતું. દરમિયાન ઘરમાં ગાઢ નિંદ્રામાં ડુબેલાં જોહરાબીબી હુસેનમીયાં મલેકનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.
રોષે ભરાયેલાં સ્થાનિકોએ પાલિકાના સત્તાધીશો સમક્ષ ભડાશ કાઢતાં જણાવ્યું હતું કે, નવા ગાજીપુરા વિસ્તારમાં છેલ્લાં ૪૦ વર્ષથી પાણી ભરાવાની સમસ્યા છે. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારના મકાનો પાણીમાં ગરકાવ થઈ જાય છે. દરેક પરિવારને હજારો રૂપિયાનું નુકશાન પહોંચે છે. આ મામલે સ્થાનિકો દ્વારા પાલિકાતંત્ર સમક્ષ એક…બે નહીં પરંતુ હજારો વખત રજુઆતો કરવામાં આવી છે. તેમછતાં પાલિકા તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી.
પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી મૃતક વૃધ્ધાની દફનવિધિ નહીં કરીએ
વરસાદને પગલે નવા ગાજીપુરા વિસ્તારના તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જે પૈકી એક ઘરમાં ઘસઘસાટ ઉંઘતાં વૃધ્ધનું પાણીમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. હાલ તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયાં છે. હોસ્પિટલના ડોક્ટરે પણ તેમને મૃત જાહેર કર્યાં છે. ત્યારે જ્યાં સુધી આ પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ વૃધ્ધાની દફનવિધી નહીં કરીએ. અરબાઝ ખાન, સ્થાનિક
આ વિસ્તારના રહીશોને નજીકમાં આવેલ માર્કેટયાર્ડમાં શિફ્ટ કરાયાં
શહેરમાં ૬ ઈંચ વરસાદથી નવા ગાજીપુરા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતાં. આ વિસ્તારમાં આવેલ તમામ ઘરોમાં પણ પાણી ઘુસી ગયાં હોવાથી ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો. જેને પગલે આ વિસ્તારના રહીશોની હાલત કફોડી બની હતી. દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર રૂદ્રેશ હુદડ, ચીફ એન્જિનીયર તેમજ શહેર મામલતદાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને અસરગ્રસ્તોને શિફ્ટ કરી નજીકમાં આવેલ માર્કેટયાર્ડમાં ખસેડ્યાં હતાં.
ગટરના પાણી નવા ગાજીપુરામાં ઠાલવવામાં આવે છે : સ્થાનિક મહિલા
અમારા વિસ્તારમાં છેલ્લાં ચાલીસ વર્ષોથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા છે. તેમછતાં પાલિકાતંત્ર દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. પાલિકાતંત્ર દ્વારા ડમકી મુકીને કામચલાઉ કામગીરી કરવામાં આવે છે. અન્ય વિસ્તારોમાંથી ગટરના પાણી અમારા વિસ્તારમાં ઠાલવવામાં આવે છે. પરંતુ અમારા વિસ્તારમાંથી પાણીનો નિકાલ થતો નથી.