નડિયાદ: નડિયાદ શહેરમાં રહેતા અને છેલ્લા દસેક વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા યુવાનની લૂંટના ઇરાદે, ગોળી મારી હત્યા કરવાની ઘટનાને લઇને ફરી એકવાર એન.આર.આઇ.નો ની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે. પુત્રીના જન્મદિને જ લૂંટારૂઓની ગોળીથી વીંધાયેલા યુવાનનું સ્થળ પર જ મોત થયું હતું. હાલમાં પરિવાર ઘેરા આઘાતમાં છે. અમેરિકાના કોલંબસની પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. નડિયાદ શહેરના મહાગુજરાત હોસ્પિટલની પાછળ આવેલી અલકાપુરીમાં રહેતા અને છેલ્લા દસેક વર્ષથી અમેરિકાના કોલંબસમાં સ્થાયી થયેલા અમિતભાઇ પટેલ (ઉ.વ.૪૨) ત્યાં ગેસ સ્ટેશન ચલાવે છે.
આખા અઠવાડીયાનું કેશ (વકરો) ભેગો કરી, વિકેન્ડમાં તેઓ તે પૈસા બેંકમાં ભરવા જતાં હતા. રાબેતા મુજબ અમિતભાઇ ઓફિસથી કેશ લઇને બેંકમાં ભરવા જઇ રહ્યા હતા. તેઓ બેંકમાં પહોંચ્યા તે સમયે બેંક પરિસરમાં જ કેટલાક ઇસમોએ તેમને આંતરી લઇ, તેમની પાસેના પૈસા લૂંટી લઇ, તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી અને પૈસા લઇને ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ અમિતભાઇના પરિવારજનોને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. અમિતભાઇના મોતને પગલે તેમનો પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. હાલમાં કોલંબસ પોલીસ દ્વારા હત્યાના આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી કેમેરા તેમજ અન્ય પાસાઓથી પોલીસ હત્યારાઓ સુધી પહોંચવાની તજવીજ કરી રહી છે. પુત્રીના જન્મદિવસે જ તેણે પિતાની છત્રછાયા ગુમાવતાં સ્વજનો – મિત્રો પણ ઘેરા શોકમાં છે. અમેરિકામાં તેમના મિત્રો દ્વારા એક ચેરિટી પણ ઉભી કરવામાં આવી રહી છે.
કોઇએ રેકી કરી-પીછો કરી લૂંટના ઇરાદે હત્યા કરી હોવાની આશંકા
કોલંબસમાં અમિતભાઇ પોતાનું ગેસ સ્ટેશન ધરાવતા હતા. તેઓ વિકેન્ડમાં પૈસા ભરવા માટે બેંકમાં જતાં હતા. ઘટનાના દિવસે પણ તેઓ કેશ લઇને બેંકમાં જમા કરવવા ગયા હતા, જ્યાં અજાણ્યા શખ્સોએ તેમને ગોળીઓ ધરબી દીધા બાદ પૈસા લઇને ફરાર થઇ ગયા હતા. આ લૂંટારૂઓ રેકી કર્યા બાદ લૂંટનો પ્લાન ઘડીને આવ્યા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
જન્મદિનની ઉજવણી માતમમાં ફેરવાઇ ગઈ
અમિતભાઇની ત્રણ વર્ષની દીકરીનો જન્મ દિવસ હોઇ ઘરમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી. અમિતભાઇ બેંકમાં પૈસા ભરીને દીકરીના જન્મદિવસની ઉજવણી માટે ઘરે પહોંચવાની ગણતરીમાં જ હતા, પણ તે પહેલાં તેમને કાળ ભરખી ગયો. માસુમ દીકરીએ જન્મદિને જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ઘરમાં જન્મદિવસની ઉજવણીની તૈયારીઓ એકાએક માતમમાં ફેરવાઇ હતી.
૧૦ વર્ષથી પરિવાર અમેરિકા વસવાટ કરે છે
નડિયાદના મહાગુજરાત હોસ્પિટલ પાછળ આવેલા અલકાપુરીમાં રહેતા અમિતભાઇ દસેક વર્ષ અગાઉ પરિવાર સાથે અમેરિકા સ્થાયી થયા હતા. તેમના પરિવારમાં તેમના માતા-પિતા, દાદી, પત્ની અને ત્રણ વર્ષની દીકરીનો સમાવેશ થાય છે. જુવાનજોધ પુત્રના અકાળે અવસાનને લઇને પરિવાર આઘાતમાં છે. અમેરિકામાં તેમના મિત્રો દ્વારા એક ચેરિટી ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.