Dakshin Gujarat

“તે બહુ રૂપિયા ભેગા કર્યાં છે, અમને 5 કરોડ રૂપિયા આપ નહિ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશું”

નડિયાદ: ઉમરેઠ તાલુકાના થામણાનો એક શખ્સ ત્રણ સાગરીતોની મદદથી બાકરોલ ખાતે રહેતાં પોતાના બિલ્ડર મિત્રને મકાન બતાવવાના બહાને નડિયાદ લાવ્યો હતો. જે બાદ પિસ્તોલની અણીએ બિલ્ડર મિત્રનું અપહરણ કરી, એક મકાનમાં બંધક બનાવ્યો હતો અને તેની પાસે પાંચ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. જોકે આ માંગણી ન સંતોષાતા ચારેય જણાંએ બિલ્ડરને માર માર્યો હતો અને તેની પાસેથી રોકડ, સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 8.85 લાખ લુંટી લઈ, છોડી દીધો હતો. આ મામલે બિલ્ડરની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  • થામણાના જીગર પટેલ અને નડિયાદના ગૌરવ શાહ સહિત ચાર જણાં મકાન બતાવવાના બહાને બિલ્ડરને નડિયાદ લાવ્યાં હતાં, જે બાદ મકાનના દસ્તાવેજ બતાવવાના બહાને એક મકાનમાં લઈ જઈ બિલ્ડરને બંધક બનાવ્યો હતો
  • બિલ્ડરને અર્ધનગ્ન કરી, બેડ ઉપર સુવડાવી બાંધી દીધો હતો અને તેના ખિસ્સામાંથી રોકડ, કોરો ચેક, સોનાના દાગીના કાઢી લીધાં હતાં તેમજ મોબાઈલ ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરી લીધાં હતાં

કરમસદ તાલુકાના બાકરોલ ગામમાં જોગણીમાતા મંદિર રોડ પર આવેલ સુભમ બંગ્લોઝ સોસાયટીમાં રહેતા 35 વર્ષીય પ્રતિકભાઈ અશ્વિનભાઈ પટેલ બિલ્ડરના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. તેઓ ગત તા.8-8-23 ના રોજ મોડી સાંજના સમયે ગામના તળાવ નજીક ગાડી લઈને ઉભા હતાં. તે વખતે તેમનો મિત્ર જીગર ઉર્ફે ઢોલીયો સતિષભાઈ પટેલ (રહે.થામણા, તા.ઉમરેઠ, જિ.આણંદ) અને તેનો મિત્ર ગૌરવ શાહ (રહે.નડિયાદ) ગાડી લઈને ત્યાં આવ્યાં હતાં અને એક મકાન બતાવવાના બહાને પ્રતિક પટેલને લઈ નડિયાદ આવ્યાં હતાં. જ્યાં શહેરના વાણીયાવડ પાસે આવેલ એક બંધ મકાન બતાવ્યું હતું. પ્રતિક પટેલને આ મકાન પસંદ પડ્યું હતું. જેથી તેઓએ મકાન ખરીદવાની તૈયારી દર્શાવી હતી.

જેથી જીગર પટેલ આ મકાનના દસ્તાવેજી કાગળો બતાવવાનું કહીને પ્રતિક પટેલને શહેરના સરદાર ઓવરબ્રિજની નીચે રોડ પર આવેલ પ્રમુખ વંદના ફ્લેટ આગળ લઈ ગયાં હતાં. જ્યાં પ્રતિક પટેલે દસ્તાવેજી કાગળો લઈ આવવાનું કહેતાં, જીગર પટેલે અચાનક જ પિસ્તોલ કાઢી હતી અને પ્રતિક પટેલને ગાડીમાંથી નીચે ઉતારી પ્રમુખ વંદના ફ્લેટના બીજા માળે મકાન નં 201 માં લઈ ગયાં હતાં. જ્યાં ગૌરવ શાહ તેમજ અન્ય બે અજાણ્યાં ઈસમો પહેલેથી જ હાજર હતાં. જે પૈકી એક અજાણ્યાં ઈસમે પ્રતિક પટેલને લમણાંના ભાગે ફેટ મારી, જમીન પર પાડી દીધાં હતાં. જે બાદ ચારેય જણાંએ પ્રતિક પટેલના પેન્ટ-શર્ટ કાઢી લીધાં હતા અને અર્ધનગ્ન હાલતમાં બેડ ઉપર ઉંધા સુવડાવીને હાથ-પગ બાંધી, મોંઢે રૂમાલ બાંધી દીધો હતો. જે બાદ ચારેય જણાંએ પ્રતિક પટેલને ડંડા વડે મારમાર્યો હતો અને તે બહુ રૂપિયા ભેગા કર્યાં છે, તારે આજે અમને પાંચ કરોડ રૂપિયા આપવા પડશે, જો રૂપિયા નહીં આપુ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી હતી.

જેથી ડરી ગયેલાં પ્રતિક પટેલે પોતાના પેન્ટના ખિસ્સામાં 25 હજાર રૂપિયા છે તે લઈ લેવા અને બાકીના રૂપિયા પછી આપીશ તેમ જણાવ્યું હતું. જેથી ગૌરવ શાહે તરત જ પ્રતિક પટેલના પેન્ટના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયા તેમજ બે મોબાઈલ અને ગાડીની ચાવી કાઢી લીધી હતી. આ ઉપરાંત પ્રતિક પટેલે હાથમાં પહેરેલ બે તોલા વજનની સોનાની લકી કિંમત રૂ.1,00,000, ગળામાં પહેરેલ રૂ.6,50,000 કિંમતની 13 તોલા વજનની સોનાની ચેઈન પણ કાઢી લીધી હતી. તદુપરાંત પ્રતિક પટેલ પાસે મોબાઈલનું લોક ખોલાવી, તેના બેંક ખાતામાંથી 1,10,000 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાં હતાં. જે બાદ આ અંગેની જાણ કોઈને કરતો નહીં, પોલીસ કેસ કરવાનું વિચારતો પણ નહીં અને તેં આપેલ ચેક પાસ થઈ જવો જોઈએ, જો તેમ નહીં થાય તો તને અને તારા પરિવારને જાનથી મારી નાંખીશું તેવી ધમકીઓ આપી રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પ્રતિક પટેલને બે મોબાઈલ અને ગાડીની ચાવી આપી છોડી મુક્યો હતો. આ મામલે પ્રતિક પટેલની ફરીયાદને આધારે નડિયાદ ટાઉન પોલીસે જીગર ઉર્ફે ઢોલીયો સતીષભાઈ પટેલ, ગૌરવ ઠાકોરલાલ શાહ તેમજ અન્ય બે અજાણ્યાં ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી કલમ 394, 120બી, જી.પી.એ એક્ટની કલમ 135 તેમજ હથિયાર ધારાની કલમ 25(1), 25(1-એ) મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુત્ર-પત્નિ સહિત સમગ્ર પરિવારને મારી નાંખવાની ધમકીઓ આપી
જીગર પટેલ, ગૌરવ શાહ અને અન્ય બે અજાણ્યાં ઈસમોએ પિસ્તોલની અણીએ બિલ્ડર પ્રતિક પટેલનું અપહરણ કર્યાં બાદ નડિયાદના એક મકાનમાં બંધક બનાવી, 5 કરોડ રૂપિયા માંગ્યાં હતાં. જોકે, તે વખતે પ્રતિક પટેલે પોતાની પાસે આટલી મોટી રકમ ન હોવાનું કહ્યું હતું. દરમિયાન ઉશ્કેરાયેલાં ચારેય જણાંએ પિસ્તોલ બતાવી જણાવ્યું હતું કે, આજે તારે ઘરે જવું છે કે નહીં….?, અમે બે માણસો તારી સોસાયટીમાં મોકલી આપ્યાં છે જે તારી પત્નિ અને પરિવારજનોને મારી નાંખશે અને તારો છોકરો કઈ સ્કુલમાં જાય છે તે અમને ખબર છે, તારા પુત્રને પણ પતાવી દઈશું તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

Most Popular

To Top