નડિયાદ: નડીયાદ શક્કરકુઈ મસ્જિદ પાછલના ખાંચામાં છેલ્લા ત્રણ માસથી ઉભરાતી ગટરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં ગટરની સફાઈ ન થતાં લોકોને રસ્તા પર વહેતા ગંદા પાણીમાં થઈ અવરજવર કરવી પડે છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ગટરની સફાઈ કરવા માગણી ઊઠવા પામી છે. નડિયાદ શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે.નડિયાદ શહેરના શક્કરકુઈ મસ્જિદ પાછળના ખાંચામાં ગંજ બજાર તરફના રસ્તામાં છેલ્લા ત્રણ માસ ઉપરાંત થી ગટર ઉભરાય છે આ ગટરનું ગંદુ પાણી રોડ પર વહેતું હોઇ ચોમાસા જેવી સ્થિતિ જોવા મળે છે ઉપરાંત ગટરની સાફ-સફાઈ અંગે અવારનવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તેનું કોઈ નિવારણ ન આવતા સ્થાનિક રહીશો ફાળો એકત્ર કરી ગટરની સાફ-સફાઈ કરવા મજબૂર બન્યા છે.
છતાં ગટરનું ગંદુ પાણી ઉભરાતું હોઇ ભારે દુર્ગન્ધ મારતું હોઈ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે તેમજ રસ્તા પર ગટરનું ગંદુ પાણી વહેતું હોવાના કારણે મચ્છરો ની ઉપદ્રવ પણ વધ્યો છે.ના છૂટકે ગંદા પાણી ડહોલીને લોકોને અવરજવર કરવી પડે છે.આમ છતાં ત્રણ ત્રણ મહિના થવા છતાં નઘરોળ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા લોકો રોસે ભરાય છે નવાઈની વાત એ છે કે ત્રણ ત્રણ માસથી ગટર ઉભરાતી હોવા છતાં નગરપાલિકાના સભ્ય આ વિસ્તારમાં ફરક્યા નથી કે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં કોઈ રસ દાખવવામાં આવેલ નથી. ત્યારે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે ચોકઅપ થઈ ગયેલ ગટરની સાફ-સફાઈ કરાવવા પ્રબળ લાગણી વ્યાપી છે.