નડિયાદ: નડિયાદ રેલ્વે સ્ટેશને ફેરી કરીને પોતાનું અને બે સંતાનોનું ગુજરાન ચલાવતી મહિલાને છેલ્લા લાંબા સમયથી રેલ્વે પોલીસનો કર્મચારી પરેશાન કરતો હતો. તે મહિલાની સાથે છેડછાડ કરીને તેની પાસે અઘટીત માંગણીઓ કરતો હોવાથી કંટાળેલી મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે. નડિયાદમાં રહેતી એક વિધવા મહિલા રેલ્વેમાં ફેરી કરીને પોતાનું અને બે સંતાનોનું ગુજરાન ચલાવે છે. મહિલાને છેલ્લા થોડા સમયથી નડિયાદ રેલ્વે પોલીસમાં ફરજ બજાવતો હેડ કોન્સ્ટેબલ સફરખાન સત્તારશા દિવાન (બક્કલ નંબર ૧૦૪૫) મહિલાને પરેશાન કરતો હતો. તે મહિલા પાસે અઘટીત માંગણીઓ કરીને, તેની શારિરીક છેડછાડ પણ કરતો હતો.
થોડા સમય પહેલાં મહિલાના દિયરનું વાહન તેણે કબજે લીધું હતું અને બાદમાં તેને છોડાવવા માટે મહિલાનો મોબાઇલ નંબર માંગ્યો હતો. જેથી મહિલાએ મોબાઇલ નંબર આપ્યા બાદ સફરખાન તેને ફોન કરીને, પોતે પ્રેમ કરતો હોવાનું જણાવીને પરેશાન કરતો હતો. મહિલાએ ફોન રેકોર્ડ કરી લઇશે તેમ કહેતાં સફરખાને કરી લે, પણ હું તને પ્રેમ કરું છું તેમ કહીને મહિલાની કનડગત ચાલું જ રાખી હતી. જોકે, બાદમાં કોલ રેકોર્ડિંગને લઇને ગભરાયેલા સફરખાને તેના મળતીયાઓને મોકલીને રેકોર્ડિગ ડિલીટ કરવા મહિલા પર દબાણ કર્યું હતું. પોલીસ કર્મીના ત્રાસથી કંટાળેલી મહિલાએ અંતે આ મામલે મહિલા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ સફરખાન સત્તારશા દિવાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.