નડિયાદ: નડિયાદ શહેરમાં ઠેર ઠેર ગંદકીને લઇને પ્રજા પરેશાન છે. કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં પણ શહેરમાં ક્યાંય સ્વચ્છતા જોવા મળતી નથી. શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીને ધ્યાનમાં લઇને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ દ્વારા આ મામલે પત્ર લખીને ચીફ ઓફિસરને શહેરમાં સ્વચ્છતા જળવાય તે માટે પત્ર લખીને તાકિદ કરવામાં આવી હતી. અગાઉ પણ સ્વચ્છતા મામલે ધારાસભ્ય પાલિકાની કામગીરીથી નારાજ થયા હતા. જોકે, પાલિકા કરોડો રૂપિયાનો સફાઇ પાછળ ખર્ચ ક્યાં કરી રહી છે ? તે તપાસનો વિષય છે. ધારાસભ્ય પંકજ દેસાઈની સૂચનાઓનું પણ પાલન કરવામાં પાલિકા તંત્રને જાણે કે કોઇ રસ જ નથી.
નડિયાદ શહેરમાં રખડતા ઢોર, ઉભરાતી ગટર, કચરાના ઢગલા,ગંદકી સહિતના પ્રશ્નોને કારણે પ્રજા પરેશાન થઇ ગઇ છે. વારંવાર રજૂઆત છતાં પણ શહેરમાં સ્વચ્છતા જોવા મળતી હતી. કેટલાક વિસ્તારો તો જાણે કે પાલિકાના લિસ્ટમાં જ ન હોય તેમ ત્યાં કાયમી ધોરણે પારાવાર ગંદકી ફેલાયેલી જોવા મળે જ છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં રજૂઆત કર્યા બાદ પણ સફાઇ કરવામાં આવતી ન હોવાની હૈયાવરાળ પાલિકાના કેટલાક કાઉન્સિલર અને વિપક્ષી સભ્યો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવે છે. શહેરમાં ધારાસભ્યનો પોતાનો એક આગવો અંદાજ છે અને તેમના કહેવા પર પ્રજાલક્ષી તમામ કામો જે તે વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે સફાઇના મામલે કેમ પાલિકા ધારાસભ્યની અપીલ – સૂચનાને ધ્યાને નથી લેતી તે એક યક્ષ પ્રશ્ન છે.
પાલિકાતંત્ર કોન્ટ્રાક્ટરને કેમ છાવરે છે ?
કરોડો રૂપિયા સફાઈ પાછળ ખર્ચ્યા બાદ પણ શહેરમાં ગંદકીની પરિસ્થિતી જૈસે થે જ જોવા મળી રહી છે. છેલ્લાં લાંબા સમયથી ગંદકીનો પ્રશ્ન શહેરીજનો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. અનેક રજુઆતો અને વિવાદો બાદ પણ હજી સુધી જોઈએ તેવી કોઈ જ કામગીરી થઈ નથી. જેને કારણે હવે ધારાસભ્ય મેદાને આવ્યાં છે અને તેમણે પત્ર લખી શહેરીજનોની સુખાકારી માટે નિયમીત અને યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી અપીલ કરી છે. જોકે, સફાઈનો કોન્ટ્રાક્ટ જે એજન્સી પાસે છે તેને તંત્ર કેમ છાવરી રહ્યું છે તે બાબત હાલમાં ટોક ઓફ ધી ટાઉન બની છે.
કાંસની સફાઇ ક્યારે ?
નડિયાદના ધારાસભ્ય દ્વારા ચોમાસા પહેલાં કાંસની સફાઈ કરવાની પણ મહી સિંચાઈ વિભાગને તાકીદ કરવામાં આવી છે. વર્ષોથી સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતી સર્જાય છે. અગાઉ ગરનાળાઓની સમસ્યા સામે ઝઝુમતી પ્રજા હવે શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ ભરાઈ રહેતાં વરસાદી પાણીથી પરેશાન થઈ ગઈ છે. તંત્ર દ્વારા ગરનાળામાં ભરાતું વરસાદી પાણી સત્વરે નીકળી જાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. જોકે, કાંસની યોગ્ય સફાઈ ન થતાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને તેને કારણે શહેરના મુખ્ય માર્ગો સહિત તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. પ્રજાહિતમાં ધારાસભ્યની અપીલને ધ્યાને લઈ સત્વરે કાંસની પણ સફાઈ હાથ ધરે તે જરૂરી છે.