હિમાલયની બરફાચ્છાદિત ક્ન્દરામાં એક સાધુ સાવ એકલા રહેતા હતા અને પોતાની મસ્તીમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા અને હરિભજન કરતાં રહેતા.આ સાધુને એક દિવસ રસ્તો ભટકી ગયેલા યાત્રાળુઓનું ટોળું મળ્યું.એક પર્યટકે પૂછ્યું, ‘સાધુ મહારાજ અહીં તમે કેટલાં વર્ષોથી રહો છો.’ સાધુએ કહ્યું, ‘ગણ્યા નથી ..’
બીજા પર્યટકે પૂછ્યું, ‘સાવ એકલા જ રહો છો.’ સાધુ મહારાજે કહ્યું, ‘હા, નિજાનંદમાં મસ્ત રહું છું.’ બીજા એક પર્યટકે પૂછ્યું, ‘સાધુ મહારાજ અહીં સાવ એકલા રહો છો તો તમારો સમય પસાર કઈ રીતે થાય છે? સાવ આ નિર્જન સ્થળમાં જ્યાં ભાગ્યે જ કોઈ દેખાય ત્યાં તમે કઈ રીતે સમય પસાર કરો છો? એકલા કંટાળો નથી આવતો.’ સાધુ મહારાજ બોલ્યા, ‘ભાઈ, હું એકલો રહેતો જ નથી અને મારે ઘણાં કામ કરવાનાં હોય છે.’ એક પર્યટક બોલી ઊઠ્યો, ‘સાધુ મહારાજ, અહીં તો કોઈ દેખાતું નથી.
સાવ નિર્જન સ્થળ છે.અમે પણ રસ્તો ભૂલી ગયા એટલે અહીં આવી પહોંચ્યા અને અહીં તમને ક્યાં ઘણા બધા કામ કરવાના હોય છે?’ સાધુ મહારાજ બોલ્યા, ‘જુઓ, મારે બે બાજ અને બે ગરુડને તાલીમ આપવાની હોય છે.બે સસલાને જાળવવાના હોય છે,એક સાપને શિસ્તમાં રાખવાનો હોય છે.એક ગધેડાને સતત પ્રેરણા આપવાની હોય છે અને એક સિંહને તાબામાં રાખવાનો હોય છે. ઘણાં કામ હોય છે મારે.’ એક પર્યટકે પૂછ્યું, ‘ક્યાં છે એ બધા ક્યાં ગયા છે અમને તો કોઈ દેખાતા નથી.’
સાધુ મહારાજ બોલ્યા, ‘તે બધા અહીં જ છે અને તે બધા મારી અંદર રહે છે.બે બાજ … મારી સામે જે સારી અને ખરાબ વસ્તુઓ અને વ્યક્તિઓ આવે તેને જુએ છે અને તેમને હું સતત તાલીમ આપું છું કે તેઓ માત્ર સારી જ વસ્તુઓ અને સારપ જ જુએ.એ બે બાજ મારી આંખો છે.બે ગરુડ …જેઓ પોતાના પંજા દ્વારા કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે અને હું તેમને સતત તાલીમ આપું છું કે તેઓ કોઈને પણ નુકસાન ન પહોંચાડે…એ બે ગરુડ મારા હાથ છે.
બે સસલાં જેમને જ્યાં જવું હોય ત્યાં જાય છે અને સાથે સાથે તેમને મુશ્કેલી અને અઘરી પરિસ્થિતિઓનો સામનો કરવો નથી હોતો.હું તેમને દરેક અઘરી પરિસ્થિતિમાં શાંત રહેતા અને જાત પર કાબૂ રાખતાં શીખવાડું છું…એ બે સસલા મારા પગ છે.એક ગધેડો, જે હંમેશા થાકેલો, જીદ્દી અને ભાર ઉપાડવા તૈયાર નથી હોતો તેને હું આગળ વધવાની પ્રેરણા આપું છું…એ ગધેડો મારું શરીર છે.
આ બધું તો હું કરી લઉં છું, પણ સૌથી અઘરું કામ સાપને શિસ્તમાં રાખવાનું છે ભલે તે ૩૨ સળિયાથી ઘેરાયેલો છે પણ હંમેશા પોતાના ઝેરથી અન્યને ડસવા તૈયાર રહે છે.મારે તેની પર અંકુશ રાખવો પડે છે. એ સાપ છે મારી જીભ અને મારી પાસે જે સિંહ છે જે હંમેશા પોતાને સૌથી શક્તિશાળી સમજે છે તેને તાબામાં રાખવાનો છે.એ સિંહ છે મારો અહમ… જોયું મારી પાસે કેટલું કામ છે.’દોસ્તો, વિચારો અને સમજો કે આપણે રોજ આ કામ કરવાના છે અને સતત કરતાં રહેવાનું છે.
- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.