એક યુવાને પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું. ત્રણ મિત્રો અને બહેનનો સાથ ..મમ્મી અને પપ્પા પણ પ્રોત્સાહન આપે, ઘરના પોતાના રૂમમાં જ પહેલી ઓફીસ બનાવી અને કામ શરૂ કર્યું. કામ શરૂ થયું ..બધું જાતે જ કરવાનું હતું…કંપનીના સી.ઈ.ઓ.થી લઈને પ્યુન બધા જ કામ યુવાન અને તેના ત્રણ મિત્રો કરતા.યુવાન રાત દિન મહેનત કરતો અને ધીમે ધીમે કામ જામવા લાગ્યું…વધવા લાગ્યું તેમ મહેનત પણ વધવા લાગી.
યુવાનનું સ્ટાર્ટ અપ હવે સફળ થઇ ગયું હતું.નવા ઇન્વેસ્ટર સામેથી કોન્ટેક્ટ કરતા અને કામ ઘણું વધી ગયું હતું છતાં યુવાનને શંતિ ન હતી. હજી તે બધાં કામ પોતે જ કરતો અને રાત દિન મહેનત કરતો.એક દિવસ રાત્રે તે પોતાના લેપટોપ પર કામ કરી રહ્યો હતો ત્યારે તેની મમ્મીએ આવીને કહ્યું, ‘દીકરા, સૂઈ જા. હવે કાલે કામ કરજે અને મારા મતે તો હવે થોડો સ્ટાફ વધારી દે અને તારા કામનો ભાર ઓછો કર.’
યુવાન બોલ્યો, ‘મમ્મી, હજી તો શરૂઆતની સફળતા છે ત્યારે ખર્ચા ન વધારાય.મહેનત જ વધારાય, કારણ મારે માત્ર સફળ થવું નથી. મારે સફળ થઈને ત્યાં લાંબો સમય ટકવું છે.’મમ્મીએ કહ્યું, ‘દીકરા, મારા મતે તો તારું સ્ટાર્ટ અપ હવે સફળ જ છે.’યુવાન બોલ્યો, ‘મમ્મી, તું સૂઈ જા. હું હમણાં બસ, આ થોડુંક જ કામ બાકી છે તે કરીને સૂઈ જઈશ.’ મમ્મી પોતાના રૂમમાં ગઈ અને પપ્પા પાસે બડબડ કરતાં બોલી, ‘આ છોકરો સમજતો નથી. દિવસ રાત કામ ..કામ અને કામ ની જ વાતો કરે છે. પોતાનું ધ્યાન રાખતો નથી.કંઈ સાંભળતો નથી ઉલટું દલીલ કરી આપણને ચૂપ કરી દે છે.’પપ્પા એટલું જ બોલ્યા, ‘તારો દીકરો જાત મહેનતે આટલો સફળ થયો છે છતાં હજી જાતે મહેનત કરે છે. તે સારું જ છે ને.’
યુવાનની મહેનત વધુ રંગ લાવી અને તેને ‘યંગ એન્ટરપ્રન્યોર ઓફ ધ યર’નો એવોર્ડ મળ્યો.એવોર્ડ બાદ ઇન્ટરવ્યુમાં પત્રકારે સવાલ પૂછ્યો કે, ‘તમારી સફળતાનું રહસ્ય શું છે?’યુવાને સરસ જવાબ આપ્યો, ‘મારી સફળતાનું રહસ્ય આ સવાલનો મારો જવાબ બીજા બધાના જવાબ જેવો જ છે કે સતત મહેનત …થાક્યા વિનાની મહેનત પણ હા મારો એપ્રોચ થોડો અલગ ચોક્કસ છે.મારી નજર હંમેશા માત્ર ધ્યેય પર નથી રહી, તે ધ્યેય પર પહોંચવાના રસ્તા પર અને ત્યાં પહોંચીને ત્યાં ટકી રહેવા સુધી અને ત્યાંથી આગળ કયાં પહોંચી શકાશે ત્યાં સુધી રહે છે.કોઈ કામ હું કરું નાનું કે મોટું દિલથી ધ્યાન દઈને કરું છું અને હું કયારેય એ નથી વિચારતો કે આટલું કામ થઈ ગયું…મારી નજર કેટલું કામ હજી નથી થયું તેની પર જ રહે છે.’ઈન્ટરવ્યુમાં દીકરાનો જવાબ સાંભળી મમ્મી અને પપ્પા એકમેક સામે જોઇને મીઠું મલક્યા.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.