મહાન ગ્રીક ફિલસૂફ ડાયોજીનીસ ખૂબ જ મહાન ચિંતક અને પોતાના વિચારો અને આદર્શોમાં એકદમ મક્કમ…તેઓ જે વિચારે તે સ્વતંત્ર રીતે અને કોઇથી ગભરાયા વિના વિચારો રજૂ કરે.તેમના જેટલા પ્રશંસકો અને ચાહકો હતા એનાથી વધારે દુશ્મનો હતા. ડાયોજીનીસ એકદમ સાધારણ ,ગરીબ કહી શકાય તેવું જીવન જીવતા હતા.બસ પોતાના વિચારો લખતા રહેતા અને કોઈ મળવા આવે તો તેમની સમસ્યા સાંભળી પોતાના વિચારો પ્રમાણે કોઈ ઉપાય બતાવતા.એક દિવસ ડાયોજીનીસના યુવાની કાળના મિત્ર મળવા આવ્યા. તેઓ પણ ચિંતક હતા, ડાયોજીનીસે તેમને આવકાર્યા અને થોડી વાર વાતો કર્યા બાદ, રાત્રી ભોજનનો સમય થયો.ડાયોજીનીસે મિત્રને પણ જમવાનું આમંત્રણ આપ્યું.
ડાયોજીનીસ ઊભા થયા. રસોડામાં ગયા અને તેમણે બે થાળીમાં માત્ર સૂકો રોટલો અને કાંદા પીરસ્યા; એક થાળી મિત્ર સમક્ષ મૂકી અને બીજીમાંથી પોતે પ્રેમથી સૂકો રોટલો ખાવા લાગ્યા.મિત્ર થાળીને જોઈ રહ્યા અને પછી કટાક્ષમાં બોલ્યા, ‘હું આ નહિ ખાઈ શકું…અને જુઓ આ તમારા દિવસો …પહેલાં જ મારી વાત માનીને મારી જેમ રાજાની થોડી ખુશામત કરતા શીખી ગયા હોત …રાજા જેમ કહે તેમ વિચારોમાં થોડો બદલાવ લાવી શક્યા હોત તો આજે આવા દિવસો ન આવત.’
ડાયોજીનીસ માત્ર હસ્યા અને રોટલો ખાવામાં મસ્ત રહ્યા.કંઈ પણ બોલવું તેમને ઠીક ન લાગ્યું પણ મિત્રે પાછું કહ્યું, ‘કેવા દિવસો આવ્યા છે તમારા આટલા મહાન ચિંતક અને આવી હાલત…’ ડાયોજીનીસ બોલ્યા, ‘કેમ શું તકલીફ છે મારા દિવસોમાં કે આવા દિવસો કહો છો…?? હું તો બહુ ખુશ છું …મારા વિચારો અને આદર્શો પ્રમાણે જીવું છું ,આઝાદ છું ..કોઈનો ગુલામ નથી જે વિચારું છું તે જ જણાવું છું તે જ લખું છું…..’ મિત્રે વચ્ચે જ કહ્યું, ‘આજે તમારા આદર્શોએ તમને શું આપ્યું છે જુઓ…માત્ર સૂકો રોટલો …વર્ષો પહેલાં જરા જેટલી ખુશામત કરતાં શીખી ગયા હોત તો આજે આ કોરો રોટલો ખાવાના તમારા દિવસો ન આવ્યા હોત.’ હવે ફિલસૂફ ઊભા થયા અને મિત્રની આંખમાં આંખ મેળવીને બોલ્યા, ‘મિત્ર, જો તમે લૂખો રોટલો ખાતાં વર્ષો પહેલાં શીખી ગયા હોત તો આજે વર્ષોથી તમારે જાતને ભૂલીને પોતાના વિચારો છોડીને ..આદર્શો છોડીને રાજાની ખુશામત કરવાના દિવસો ન જીવવા પડત.’ મિત્ર ફિલસુફની વાત સાંભળીને અવાચક થઇ ગયા પણ તેમની પાસે કોઈ જવાબ ન હતો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.