22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં બાઈસરન મેદાનમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા છે જેમાં 24 પ્રવાસીઓ, બે સ્થાનિક અને બે વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન-આધારિત લશ્કર-એ-તોઈબાના પ્રોક્સી ગ્રૂપ ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) એ લીધી છે.
હવે આ હુમલા અંગે બિઝનેસમેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે જેના કારણે રાજકીય હોબાળો મચી ગયો છે.
રોબર્ટ વાડ્રાએ ANI સાથેની વાતચીતમાં પહેલગામ હુમલાની નિંદા કરી પરંતુ સાથે જ તેમણે હુમલાને ભાજપ સરકારની “હિંદુત્વ નીતિઓ” સાથે જોડ્યો અને દેશમાં હિંદુ-મુસ્લિમ વચ્ચેના વિભાજનને તેનું કારણ ગણાવ્યું છે. વાડ્રાએ કહ્યું, “હું આ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ એક કાયરતાપૂર્ણ કૃત્ય છે અને આવા હુમલાઓથી કોઈ મુદ્દો ઉભો થતો નથી.”‘
વધુમાં વાડ્રાએ કહ્યું, “આપણા દેશમાં આ સરકાર હિંદુત્વની વાત કરે છે, જેનાથી અલ્પસંખ્યકો (મુસ્લિમો અને ખ્રિસ્તીઓ) અસહજ અને પરેશાન અનુભવે છે. જો આ હુમલાનું વિશ્લેષણ કરીએ તો આતંકવાદીઓ લોકોની ઓળખ (ધર્મ) ચકાસીને હત્યા કરી રહ્યા છે. આનું કારણ એ છે કે દેશમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે વિભાજન ઊભું થયું છે.”
રોબર્ટ વાડ્રાએ વધુમાં ઉમેર્યું કે, “આતંકવાદીઓ લોકોની ઓળખ ચકાસીને હત્યા કરી રહ્યા છે, આ વડાપ્રધાન મોદી માટે એક સંદેશ છે, કારણ કે મુસ્લિમો અને અલ્પસંખ્યકો પોતાને નબળા અનુભવે છે. આપણે એવું વાતાવરણ બનાવવું જોઈએ જ્યાં હિંદુ અને મુસ્લિમ એકબીજાને મદદ કરે. કોવિડ દરમિયાન આપણે જોયું કે તેઓએ એકબીજાને કેવી રીતે સહાય કરી. રાજકીય લાભ માટે સાંપ્રદાયિક અસંતુલન ફેલાવવું ખોટું છે.”
વાડ્રાએ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે આવા હુમલાઓ રોકવા માટે ઉચ્ચ સ્તરેથી સ્પષ્ટ સંદેશ આવવો જોઈએ કે આપણો દેશ સુરક્ષિત અને ધર્મનિરપેક્ષ છે. જ્યારે નમાઝ પર પ્રતિબંધ કે મસ્જિદોનું સર્વે થાય છે, ત્યારે અલ્પસંખ્યકોમાં અસુરક્ષાની લાગણી વધે છે.”
વાડ્રાએ એમ પણ જણાવ્યું કે તેમણે અગાઉ અલ્પસંખ્યકોના સમર્થનમાં બોલવાના કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસનો સામનો કરવો પડ્યો હતો.
વાડ્રાના નિવેદનથી રાજકારણ ગરમાયું, ભાજપે ટીકા કરી
વાડ્રાના આ નિવેદનએ રાજકીય વિવાદને જન્મ આપ્યો, ખાસ કરીને ભાજપે તેની તીવ્ર ટીકા કરી છે. ભાજપના નેતા અમિત માલવિયાએ એક્સ પર પોસ્ટ કરતાં લખ્યું કે “શરમજનક! સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા આતંકવાદીઓનું સમર્થન કરે છે અને પાકિસ્તાની આતંકવાદીઓના અત્યાચાર માટે ભારતને દોષી ઠેરવે છે.”
ભાજપ નેતા શહઝાદ પૂનાવાલાએ વાડ્રાને આડે હાથ લેતા કહ્યું, “કોંગ્રેસ અને વાડ્રા આ હુમલાને ઇસ્લામિક જેહાદનો ગુનો ગણાવવાને બદલે હિંદુઓને દોષી ઠેરવે છે. 26/11 અને પુલવામા હુમલા બાદ પણ તેમણે આવું જ કર્યું હતું.” ભાજપે દાવો કર્યો કે વાડ્રાનું નિવેદન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના ઇશારે આપવામાં આવ્યું છે.
કોંગ્રેસની સ્પષ્ટતા
કોંગ્રેસે સ્પષ્ટતા કરી કે આ હુમલા બાદ રાજકીય રમત રમવાનો સમય નથી અને તે સરકાર સાથે આતંકવાદીઓને ન્યાયના કટઘરે લાવવા માટે ઊભી છે.
