સુરત : (Surat) શહેર પોલીસ (Police) અધિકારીઓ સાથે દોસ્તી હોય તો લોકો કેવી રીતે દૂરૂપયોગ કરતા હોય તેવો કિસ્સો હાલમાં શહેરમાં લઘુમતિ કોમમાં ચર્ચામાં છે. તેમાં પીસીબી (PCB) બ્રાન્ચ અને રીડર ઓફિસમાં આવીને બેસતા કેટલાક લઘુમતિ કોમના કુખ્યાત તત્વો શહેરમાં પોલીસનું કોઇ પણ કામ હોય તો કરી દેવાની દુકાન ખોલી હોય તે રીતે વર્તી રહ્યા છે. તેમાં પીસીબી ઓફિસમાં બેઠેલા દેખાતા કુખ્યાત ઇઓયુ કૌભાંડી અને શહેરમાં જાણીતી હોટલ સંચાલક તથા અન્ય મલબારી નામના ઇસમ માટે એવું કહેવાય છે કે તેઓ લોકોને રિવોલ્વરના લાયસન્સ કે પછી અન્ય કોઇ પણ કામ કરી આપવાના પ્રલોભનો આપી રહ્યા છે.
- પીસીબી બ્રાન્ચમાં લઘુમતી કોમનાં કુખ્યાત તત્ત્વોનો પગપેસારો
લોકો માટે રિવોલ્વરનાં લાઇસન્સ સહિતનાં કામ કરવા દુકાન ખોલી હોય તેવો વર્તાવ - શહેરની જાણીતી હોટલનો સંચાલક, ઇઓયુ કૌભાંડી તથા અન્ય મલબારી નામનો ઇસમ વિવાદમાં
પીસીબી અને અન્ય સાહેબોને વતનમાં જવા માટે લકઝૂરીયસ ગાડીઓ આ લોકો આપતા હોવાનો દાવો કરી રહ્યા છે. સપ્તાહમાં બેથી ચાર વખત આ લોકો કોઇ સોપારી લઇને કમિશનર કચેરીમાં ફરતા પણ જોવા મળી રહ્યા છે. અલબત આ વાત સાચી છે કે ખોટી તે તો કમિ. અજય તોમર તપાસ કરે તો ખબર પડે તેમ છે. અલબત લઘુમતિ કોમમાં ટાઉટ બનેલા આ લુખ્ખા તત્વો હાલમાં સેટીંગબાજી પોલીસબેડામાં પણ ચર્ચાનો વિષય બની છે. કમિ. અજય તોમરે આ મામલે તપાસ કરવાની ખાતરી આપી છે.
માનદરવાજાના પીએસઆઈએ દારૂના નશામાં અડાજણ પોલીસ મથકમાં તોફાન મચાવ્યું
વર્દીના રોફમાં દારૂ પીને પીએસઆઇ ભાન ભૂલીને શહેરના પોલીસ વિભાગ ઉપર લાંછન લગાવતો વિડીયો વાયરલ થયો છે. શહેર પોલીસમાં ઉચ્ચ અધિકારીઓનો કોઇ ડર નહીં હોય એ રીતે આ પીએસઆઇ હાર્દિક પીપરિયા દ્વારા યુવાનોને ફટકારીને તેમના અધિકારીઓ વિશે અપશબ્દ બોલતાં આ આખું પ્રકરણ ખૂબ વાયરલ થયું છે. પાલ મામાની વાડીમાં પીધ્ધડ પીએસઆઇએ અડાજણ પોલીસમથકને માથે લીધું હતું. અલબત્ત, નશામાં ચકચૂર સલાબતપુરાનો માન દરવાજા ચોકીને હાર્દિક પીપરિયા નામના પીએસઆઇએ મામાની વાડીમાં ભીખારીને ફટકારતાં ત્યાં ઊભેલા યુવાનોએ આમ નહીં કરવાનું જણાવતાં આ પીસેઆઇ મહોદય હાર્દિક પીપરિયાએ આ યુવકોને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાન પીએસઆઇએ યુવાનને ફટકારતાં ત્યાં ઊભેલા અન્ય યુવાનો એકત્રિત થયા હતા. ત્યાં પીએસઆઇ હાર્દિક પીપરિયા પીસીઆર અડાજણ પીસીઆર વાનમાં લઇ ગયા હતા. દરમિયાન પીસીઆર વાનમાં આ પીધ્ધડ પીએસઆઇએ વર્દી પહેરી અડાજણ પોલીસમાં તોફાન મચાવ્યું હતું. તેમાં ડીસીપીથી લઇ અન્ય ઉચ્ચ અધિકારીઓ વિશે અપશબ્દોનો વિડીયો વાયરલ થયો હતો. આ ઉપરાંત માન દરવાજા ચોકીના પીઆઇએ તેમના એક ફોનથી ટપોરીને અડાજણ પોલીસમથકમાં બોલાવીને ગંદી માનસિકતા છતી કરી હતી. અલબત્ત, સ્થળ પર હાજર પીએસઆઇએ તેમનો પોલીસ ન ફસાય એ માટે બે પાર્ટી વચ્ચે સમાધાન કરાવી લીધું હતું. આ મામલો કમિ. અજય તોમર સુધી પહોંચ્યો છે. કમિ. અજય તોમરે આ મામલે એડિ. કમિ. સિંગલને તપાસ સોંપી હોવાની વિગત જાણવા મળી છે.