કટ્ટરવાદી,આંતકવાદી જૂથ અલકાયદાના વડા અયમાન અલ ઝવાહિરીએ ‘હિજાબ’ મુદ્દે નાપાક પ્રવૃત્તિના ખતરનાક ઈરાદે ભારતમાં મેલી મુરાદથી રાજકારણ ખેલવાનો બાલિશ પ્રયાસ કર્યો છે. એને ભારતની કર્ણાટકની વિદ્યાર્થિની મુસ્કાન ખાનની ખૂબ પ્રશંસા કરી. મુસ્કાનખાનને ભારતની નોબેલ લેડી કહી ઉશ્કેરાટ કરવાનું કૃત્ય કર્યું. એ તો સારું થયું કે એ મુસ્કાનખાનના પિતાએ ઘડીનો વિલંબ કર્યા વિના એને જડબાંતોડ જવાબ આપી ભારતની શાન વધારી. એની વિવાદી ટિપ્પણીના મુદ્દે જરા પણ ડર્યા વિના સાફ સાફ શબ્દોમાં કહી દીધું કે અમે અમારા દેશમાં શાંતિથી જીવી રહ્યા છીએ.
તમારે અમારી આ બાબતમાં દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. મુસ્કાન હજુ ભણવા માંગે છે. સવાલનો મૂળ સવાલ એ થાય છે કે આ દેશ અને દુનિયામાં આ અલકાયદા સંગઠને માત્ર ને માત્ર ધર્મના નામે વિનાશ વેર્યા સિવાય બીજું કાંઈ કર્યું નથી. હજારો લાખો મુસ્લિમ યુવાનોનું અને નિર્દોષ પ્રજાનું જાનમાલથી ભયંકર નુકસાન કર્યું છે. તેમને હિજાબ મુદ્દે બોલવાનો અધિકાર કોણે આપ્યો ! આવાં સંગઠનોનો હવે અંત આવે એમાં માનવજાતનું કલ્યાણ છે. ભારતના કટ્ટરવાદી નેતા ઓવૈસીએ પણ આ મુદ્દે રાજકારણ ખેલવાનું બંધ કરવું જોઈએ. ભારતની મુસ્કાનખાન પરિવારની દેશપ્રેમની ભાવનામાંથી બોધપાઠ લેવો જોઈએ. હિજાબના મુદ્દે લોકશાહી ચુકાદો આવી ગયો છે ત્યારે મોદી વિરોધી તત્ત્વોએ પણ આ શાંત પાણીમાં કાંકરીચાળો કરવાનું બંધ કરવું જોઈએ.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.