કોલકાતાની નેશનલ લાયબ્રેરી રાષ્ટ્રીય પુસ્તકાલય કેમ્પસમાં ઐતિહાસિક બેલ્વેડેર હાઉસમાં ભાષાઓ, સ્ક્રિપ્ટો અને શબ્દોને સમર્પિત દેશનું પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ આકાર લઈ રહ્યું છે અને આવતાં વર્ષનાં આરંભે લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. મ્યુઝિયમ ઓફ વર્ડ અથવા શબ્દલોકમાં ક્યુચર મંત્રાલયનાં નેજા હેઠળ બાવીશ સત્તાવાર ભારતીય ભાષાઓ આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબીની ઉત્ક્રાંતિને શોધી કાઢવાનો પ્રયાસ છે. સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દુ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરી અને મુખ્ય ભાષાકીય વલણો અરસપરસ જાણી શકાશે.
નેશનલ લાઇબ્રેરીનાં ડાયરેક્ટર જનરલ અજય પ્રતાપ સિંઘ કહે છે કે ‘પ્રાથમિક ઉદ્દેશ્ય, અગ્રણી વિદ્વાનો, કવિઓ અને લેખકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભાષાઓ, લિપિ અને સાહિત્યનાં ઇતિહાસને સાચવવાનો છે!’ જ્યારથી સંગ્રહાલયોની વિભાવના બદલાઈ ગઈ છે, તકનીકી સાધનોનો ઉપયોગ અમારા અનન્ય વારસાને ઇન્ટરેક્ટિવ રીતે વ્યક્ત કરવાં માટે કરવામાં આવશે જેથી તે બાળકથી લઈને વરિષ્ઠ નાગરિક સુધી દરેકને આકર્ષિત કરે. મ્યુઝિયમ પ્રિન્ટિંગ પ્રેસનાં ઇતિહાસ જાહેર પુસ્તકાલયોની મુસાફરી અને બેલ્વેડેર એસ્ટેટનાં ઇતિહાસને પણ દર્શાવશે.
બેલ્વેડેર હાઉસનાં પુનઃઉપયોગ અંગે ચર્ચા કરવાં માટે યોજાયેલી બેઠકમાં મ્યુઝિયમ ઑફ વર્ડની સ્થાપના કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા ઈતિહાસકાર અને હેરિટેજ કન્ઝર્વેશન કમિટીનાં અધ્યક્ષ બરુન દે દ્વારા કરવામાં આવી હતી અને સરકાર દ્વારા દરખાસ્તને સ્વીકારવામાં આવી હતી. નેશનલ લાયબ્રેરી સ્ટાફ પણ દરખાસ્ત માટે સંમત થયા હતા. આવું મ્યુઝિયમ નિર્માણ પામે તેનાં માટે આનાથી વધુ સારી જગ્યા કોઈ નથી જ્યાં શબ્દ, ભાષાઓ, લિપિ અને પ્રિન્ટનો અમૂલ્ય વારસો દેશ અને વિશ્વ માટે સાચવવામાં આવે!
મ્યુઝિયમ ઓફ વર્ડ અથવા શબ્દલોકમાં કુલ નવ ગેલેરીઓ રચવામાં આવી છે. જેમાંથી પહેલી બે માતૃભાષા પર પ્રકાશ પાડશે અને સંશોધન કરાવશે. વિદ્યાર્થી આ ખંડોમાં દાખલ થઈ પોતાની માતૃભાષાનો શબ્દ જાણવાં પ્રયત્ન કરશે જેને વિવિધ આકર્ષિત મોડ્યુલો સરળ બનાવશે, માતૃભાષા જાણવાની સરળ ટેકનિક રસપ્રદ બની રહેશે! સૌથી મોટી ગેલેરી ‘માતૃભાષા કી સામ્યરેખા’ છે. જે ભાષાઓનો વિકાસ, પાંડુલીપીઓ, ભાષાનાં વિશાળ પરિવારો અને પરંપરાનો અભ્યાસ કરાવશે, માતૃભાષાઓ વિશે જાણવા અને માણવાનો આ અનુપમ પ્રયાસ બનશે! માતૃભાષા જાણવાં માટે બારીક અભ્યાસ હાથ ધરાયો હતો, કોઈ ભાષા ચૂકાય નહીં તેની કાળજી રાખવામાં આવી છે. મ્યુઝિયમ ભાષા અને જ્ઞાનનું અભિનવ કેન્દ્ર બની રહેશે તેમાં સમયોસમય શોધ અને નવીનતા ઉમેરવામાં આવશે.
ભાષાનાં સંશોધકોએ પરિશ્રમ કરી ભાષાનો ઉદ્દભવ કેવી રીતે થયો! ભાષાઓ લોકોમાં કેવી રીતે પ્રચલિત થઈ, આદિકાળનાં રોક્ આર્ટથી સ્વતંત્રતા પછી ભાષા માટે જે સંઘર્ષ થયાં તેને આવરી લેવામાં આવેલ છે. અન્ય ગેલેરીઓમાં નાટ્યશાસ્ત્ર તેમાં ઉપયોગમાં લેવાતી કલાત્મક ભાષા, લોકકલા, સાંસ્કૃતિક આભાનું શબ્દ વર્ણન અને દર્શન કરાવશે! છેલ્લી ગેલેરી વિશ્વમાં ભારતીય સાહિત્યનો પરિચય આપશે. આ ગેલેરીમાં જગતનાં કોઈપણ સાહિત્યને સમજવાં ભાષા અવરોધ નહીં રહે, સરળતાપૂર્વક ભારતીય પરંપરાગત સાહિત્ય જાણવાનો દેશી અને વિદેશી મુલાકાતીઓને સુલભ મોકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે! આ ઉપરાંત ભૂલકાંઓ માટે પણ ખાસ ગેલેરી છે.
બેલ્વેડેર હાઉસમાં નેશનલ લાયબ્રેરીમાં ફકત પુસ્તકનું નામ કહેવું પડે બાકી અભરાઈઓ અસંખ્ય પુસ્તકોથી છલોછલ છે. રાષ્ટ્રીય પુસ્તકાલય તેનાં પુસ્તકો, સામયિકો અને જર્નલ્સનો વિશાળ ખજાનો દેશ અને વિશ્વમાં સંશોધકો/વિદ્વાનો તેમજ સામાન્ય વાચકોને પ્રદાન કરે છે. વિશ્વભરનાં પ્રકાશનો તેમાં રાખવામાં આવે છે અને આજનાં અને ભવિષ્યનાં વાચકોનાં ઉપયોગ માટે સાચવવામાં આવે છે અને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય વર્ચ્યુઅલ લાઇબ્રેરી જે ભારતનાં સમૃદ્ધ મૂર્ત અને અમૂર્ત સાંસ્કૃતિક વારસા વિશે માહિતી પ્રદર્શિત કરે છે. આ પોર્ટલ આર્કાઇવ્સ, મ્યુઝિયમો, સ્મારકો, જ્ઞાન પરંપરાઓ, વિઝ્યુઅલ અને ભૌતિક કળા, પર્ફોર્મિંગ આર્ટ્સ, મેળાઓ અને તહેવારો, પ્રથાઓ અને ધાર્મિક વિધિઓ વગેરે માહિતીનું પ્રસારણ કરે છે. નેશનલ લાઇબ્રેરીએ તેનાં લગભગ ૧૫૧૪૭ પુસ્તકોનો ડિજિટાલાઇઝ્ડ સંગ્રહ પણ ઉપલબ્ધ કરાવ્યો છે જ્યાંથી વાંચન પ્રેમીઓ પુસ્તકો જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. નેશનલ લાયબ્રેરી જ્ઞાન વૃક્ષ તો હતું જ હવે તેની શાખાઓ વિસ્તરશે અને હવે વિરાટ બનશે!