સુરત: સુરતમાં (Surat) ચોંકાવનારી ઘટના બની છે. અહીં અઠવાલાઈન્સ રોડ પર આવેલા કોર્ટની (Surat Court) સામે કેબલ બ્રિજની (Cabale Stayed Bridge) નીચે રોડ પર જાહેરમાં એક યુવકની નિર્મમ હત્યા (Murder) થઈ છે. યુવકને સરાજાહેર રહેંસી નાંખવામાં આવેલી આ ઘટના ત્યારે બની છે જ્યારે સવારે કોર્ટ સામેના રોડ પર ભારે ટ્રાફિક હોય છે. લોકોની સતત અવરજવર રહેતી હોય ત્યારે યુવકની ધારદાર હથિયારથી હત્યા કરવામાં આવી છે. હત્યાનું આ લાઈવ દ્રશ્ય જોઈ લોકો ડરી ગયા હતા અને નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને યુવકને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જણાવી દઈએ કે મર્ડર જ્યાં થયું ત્યાંથી કોર્ટ, સુરત પોલીસ કમિશનર કચેરી, કલેક્ટર કચેરી થોડા મીટરના અંતર પર જ આવેલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અઠવાલાઈન્સ ખાતે કોર્ટની સામે અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા ઝીંકી એક યુવકની હત્યા કરી છે. યુવક બુલેટ પર જઈ રહ્યો હતો ત્યારે કોર્ટ પરિસરની સામે તેની પર હુમલો થયો હતો. હુમલાખોરોએ આડેધડ ચપ્પુના ઘા ઝીંકી તેને સરાજાહેર રહેંસી નાંખ્યો હતો. લોહીલુહાણ યુવકને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
દરમિયાન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથ ધરી હતી. હુમલાખોરો કેબલ સ્ટેઈડ બ્રિજ પરથી ફરાર થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકનું નામ સૂરજ યાદવ હતું. તે મુદ્દત પર કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેની પર હુમલો કર્યો હતો. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સત્ય હકીકત તપાસ બાદ બહાર આવશે.
સીસીટીવી ફૂટેજમાં લાઈવ મર્ડરના દ્રશ્યો કેદ થયા
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે સુરત કોર્ટની સામેના રોડ પર નિયમિત ક્રમ અનુસાર વાહનવ્યવહાર ચાલુ હતો. વાહનો દોડી રહ્યાં હતાં અને બ્રિજ નીચેથી બે ઈસમો એક યુવક પર ચપ્પુથી હુમલો કરી રહ્યાં છે. યુવક હુમલાથી બચવા પ્રયાસ કરી રહ્યો હતો અને તે રોડની વચ્ચોવચ્ચ પહોંચી ગયો હતો જ્યાં વાહનો નિયમિત ગતિથી દોડતા રહ્યાં હતાં અને બે હુમલાખોરોએ યુવકને જમીન પર નીચે પાડી દઈ ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી રોડ પર જ રહેંસી નાંખ્યો હતો. આ મર્ડરના લાઈવ દ્રશ્યો સમાન સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સુરજ સામે હત્યાનો કેસ ચાલી રહ્યો હતો, 28મીએ લગ્ન થવાના હતા
સુરજ યાદવ પણ માથાભારે હતો. તેની પર હત્યાનો કેસ ચાલી રહ્યો હતો. ગત ઓગસ્ટ મહિનામાં સુરજ યાદવ સહિત ત્રણ જણાએ સચિન વિસ્તારમાં 22 વર્ષીય દુર્ગેશ ઠાકોર નામના યુવકની હત્યા કરી હતી. અંગત અદાવતમાં દુર્ગેશની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં સુરજ જામીન પર મુક્ત થયો હતો. આ જ કેસની મુદ્દત પર તે કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો, ત્યારે દુર્ગેશના મિત્રો અને ભાઈ દ્વારા સુરજની હત્યા કરી દેવાઈ હોવાની ચર્ચા છે. નોંધનીય છે કે મૂળ યુપીના 28 વર્ષીય સુરજના આગામી તા. 28મી મેના રોજ લગ્ન થવાના હતા. લગ્નના 22 દિવસ પહેલાં જ તેની હત્યા થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
મર્ડર બાદ સોશિયલ મીડિયાની આ પોસ્ટે હલચલ મચાવી
સુરત કોર્ટની બહાર સુરજસિંહ યાદવ નામના યુવકની હત્યા બાદ જ્યારે પોલીસ હત્યારાઓને શોધવાના કામે લાગી હતી ત્યારે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટે હલચલ મચાવી મુકી હતી. સોશિયલ મીડિયા પર કરણ સિંહ રાજપૂત નામની પ્રોફાઈલ પરથી એક પોસ્ટ મુકાઈ હતી જેમાં હિન્દીમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘હમને અપને ભાઈ કા દુર્ગેશ યાદવ કા બદલા લે લિયા હૈ કોર્ટ કે બાહર બદલા ખૂન કે બદલે ખૂન’. આ પોસ્ટ સુરત કોર્ટની બહાર થયેલા મર્ડરના સંદર્ભમાં જ કરાઈ છે કે કેમ? પોસ્ટ કરનારનો આ હત્યા કેસ સાથે શું સંબંધ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.