સુરત (Surat) : શહેરમાં નવા પોલીસ કમિશનર (Police Commissioner) અનુપમસિંહ ગેહલોતે (Anupamsinh Gehlot) ચાર્જ સંભાળી લીધો હોવા છતાં હત્યાના (Murder) બનાવો અટકવાનું નામ લેતા નથી. કમિશનરે ચાર્જ સંભાળ્યો તેના 24 કલાક થાય તે પહેલાં તો શહેરમાં વધુ એક હત્યા થઈ છે. આજે સવારે ડીંડોલી પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકની હત્યા થતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
- ડીસીપી સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલથી ચલથાણ કેનાલ રોડ ઉપર આજે તl. 16 એપ્રિલને મંગળવારની વહેલી સવારે હત્યા કરાયેલી અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. આ બનાવને પગલે ડીંડોલી પોલીસની ટીમ તથા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તપાસ શરૂ કરી છે.
ડીંડોલી પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે મધુરમ સર્કલથી ચલથાણ જતા કેનાલ રોડ ઉપર એક ખુલ્લા ખેતરમાં હાઈટેન્શન ટાવરની નજીક એક અજાણ્યા વ્યક્તિની લાશ જોવા મળી હતી. રાહદારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તાત્કાલિક ડીંડોલી પોલીસની પીસીઆર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
આ સાથે જ ડીંડોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા. તેના શરીર ઉપર દેખાતા ઘાવ ઉપરથી અજાણ્યાની હત્યા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. તેના ગળાના ભાગે તથા ગળાના ઉપર તિક્ષ્ણ હથિયાર વડે ઘા કરવામાં આવ્યા હતા.
પોલીસની ટીમે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ સાથે જ ડોગ સ્ક્વોડ પણ બોલાવી લીધી હતી. તેની હત્યા ક્યારે અને કેમ થઈ તે અંગે તથા આ અજાણ્યાની ઓળખ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય સ્થળે હત્યા કરી લાશ ખેતરમાં ફેંકાઈ હોવાની શક્યતા
ડીડોલીમાં મળેલ યુવકની હત્યા કરાયેલી લાશના પકરણમાં ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે યુવકની હત્યા અન્ય કોઈ સ્થળે અથવા ચાલુ વાહનમાં કરાઈ હોય તેવી શક્યતાઓ છે. કારણ કે જે સ્થળ પરથી યુવકની હત્યા કરેલી લાશ મળી છે તે જગ્યાએ કોઈ પણ પ્રકારના ઝપાઝપી થઈ હોય અથવા તો ત્યાં જ સ્થળ પર તેને ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હોય તેવું જણાય આવતું નથી. જેથી અજાણ્યા ઇસમોએ ચાલુ ઓટો રીક્ષા અથવા કારમાં તેની હત્યા કરી અથવા તો અન્ય કોઈ સ્થળ પર તેની હત્યા કરી આ ખેતરમાં લાશ ફેંકી ગયા હોય તેવું લાગી રહ્યું છે.