વ્યારા: સોનગઢ (Songadh) તાલુકાના લીંબી ગામે નિશાળ ફળિયામાં રહેતા સુરેશ બાબુ વસાવાના ઘર પાસે ટેકરા ઉપર ધામણી ફળિયાના પુરુષની ક્રૂર હત્યા (Murder) કરાયેલી લાશ (Deadbody) મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. લીંબી ગામે ધામણી ફળિયામાં ઘર જમાઇ તરીકે રહેતા રાજુ ધુળજી વસાવાને તા.૩૧/૦૫/૨૦૨૨ના રોજ મળસકે ૩થી સવારે ૭:૩૦ વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ઇસમોએ માથાના ભાગે મારક હથિયાર વડે બેરહેમીથી મારી મોતને ઘાટ ઉતાર્યાનું બહાર આવ્યું છે. તેના ગાલ અને છાતીના ભાગે ઇજા પહોંચાડી માથામાં પથ્થર કે લાકડાના સપાટા મારી મોત નિપજાવ્યું હતું.
હત્યાનો ભોગ બનનાર રાજુ વસાવાનાં લગ્ન ધામણી ફળિયાના શેખજી જેમા વસાવાની દીકરી શકુંતલા સાથે આશરે ૧૫ વર્ષ પહેલાં થયાં હતાં. શેખજી વસાવાને કોઇ પુત્ર ન હતો. સંતાનમાં ફક્ત ત્રણ પુત્રી હોવાથી રાજુ અહીં ઘરજમાઇ તરીકે રહેતો હતો. તેના લગ્નજીવનમાં બે સંતાનમાં એક દીકરી અને એક દીકરો હતો. રાજુ આશરે આઠેક વર્ષથી સુગર મિલમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. હાલ છોકરાઓનું વેકેશન હોવાથી રાજુ થોડાક સમયથી પોતાના પિતાના ઘરે રહેવા ગયો હતો. હાલ લીંબી ગામે લગ્ન હોવાથી પત્ની સાથે લીંબી ગામે જ રોકાઇ ગયો હતો.
શકમંદ તરીકે રાજુની પત્ની શકુંતલા અને વહુના દિલીપ દિનેશ ગામીત સાથે આડા સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરી આ બંને વિરુદ્ધ મૃતકના પિતા ધુળજી ધોળીયા વસાવાએ આશંકા વ્યક્ત કરતાં પોલીસે એ દિશામાં વધુમાં તપાસ હાથ ધરી છે. ધુળજીભાઇને આની જાણ તેના પુત્ર રાજુએ પાંચ-છ દિવસ પહેલાં જ તેને કરી હોવાનું પોલીસને જણાવ્યું છે.
બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ મળતા હત્યાની ચર્ચા
નવસારી : બે દિવસ પહેલા ગુમ થયેલા નવા તળાવ ગામના યુવાનની ખડસુપા પાટિયા પાસેથી શેરડીના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, નવસારી તાલુકાના નવા તળાવ ગામે ચેતનભાઈ મુકેશભાઈ હળપતિ તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત ૨૮મીએ ચેતન કોઈને કંઈપણ કહ્યા વગર ક્યાંક ચાલી ગયો હતો. દરમિયાન મોડી સાંજ સુધી તે પરત ઘરે નહીં ફરતા પરિવારજનોએ તેની શોધખોળ કરી હતી. પરંતુ તેનો ક્યાય પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે સવારે ખડસુપા પાટિયા નજીક શેરડીના ખેતરમાંથી ચેતનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે બાબતે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થેની તજવીજ હાથ ધરી છે. જ્યારે પોલીસે આ બાબતે મૃતક ચેતનના પરિવારજનોને જાણ કરતા તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચેતનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા તેની હત્યા થઇ હોવાની ચર્ચા ગામમાં ચાલી રહી છે. ત્યારે હવે પોલીસ તપાસ દરમિયાન શું હકીકત સામે આવે તે જોવું રહ્યું.